<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

ભારતીય શસ્‍ત્રોની માર્કેટ ગરમ

મેઇડ ઇન ઇન્‍ડિયા શસ્‍ત્રોથી દુનિયા દંગઃ માંગ નીકળીઃ ચીનને દુખાવો ઉપડયો

 

 આજે વિશ્વ સંચાર દિન છે. ૧૭ મે ૧૯૩૯ની સાલમાં અમેરિકામાં આજના દિને એક મેચનું લાઇવ ટેલિકાસ્‍ટ થયું હતું. એક કેમેરાથી આ મેચનું પ્રસારણ થયું હતું. આજે ટેકનોલોજીએ તો રીતસર ચમત્‍કારો સર્જયા છે. મેચ તો ઠીક, ભયાવહ યુધ્‍ધનું પણ જીવંત પ્રસારણ થઇ રહયું છે.

ભારતે પાકિસ્‍તાન પર હુમલા કર્યા તેના સબૂત પણ સૈન્‍યએ રજૂ કર્યા હતા. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતનું નવું રૂપ વિશ્વએ જોયુ હતું. અત્‍યાર સુધીનું ગરીબ - બિચારું - ધાર્મિક ભારત પાકિસ્‍તાનના આકાશમાં મોતનું તાંડવ કરતું હતું. આશ્‍ચર્ય એ હતું કે, ભારતે ખુદે સર્જેલા હાઇ ટેકનોલોજી ઘાતક શસ્‍ત્રોએ પાકિસ્‍તાનના ફૂરચા ઉડાવી દીધા હતા.

આ સામાન્‍ય બાબત નથી. અત્‍યાર સુધી ભારત વિદેશમાં બનતા શસ્‍ત્રો પર નિર્ભર રહેતું હતુ. અમેરિકા જેવા દેશો આપણા પર ઉપકાર કરતા હોય તેમ શસ્‍ત્રો વેચતા હતા. કમાલ એ હતી કે આપણને શસ્‍ત્રો વેચ્‍યા હોય તે કરતા વધારે ઘાતક શસ્‍ત્રો આપણા દુશ્‍મનોને વેચતા હતા.

આ કારણે ભારતનું મનોબળ હંમેશા તૂટેલું રહેતું હતું. ભારત લાચાર બનીને શાંતિ-દોસ્‍તીની વાતો કરતું હતું. વિશ્વ સામે આપણે ગરીબ-લાચાર -બિચારા હતા. ઓપરેશન સિંદૂરે વિશ્વને આંચકો આપ્‍યો છે. વિશ્વના અત્‍યાધુનિક શસ્‍ત્રોએ ક્ષણવારમાં પાકિસ્‍તાનમાં અચૂક નિશાનો પાર પાડીને યુઘ્‍ધ મેદાનમાં ધાક જમાવી હતી. પાકિસ્‍તાનના દરેક હુમલાને નાકામ સાબિત કર્યા હતા.

બ્રહ્મમોસ જેવી મિસાઇલના પ્રયોગ પણ થયા હતા. પાકિસ્‍તાન એક પણ હુમલો રોકવા તો ઠીક, સમજવા પણ સક્ષમ ન હતું. યુધ્‍ધ કોઇપણ દેશ માટેઆર્થિક ફટકા સમાન બનતું હોય છે. ઓપરેશન સિંદૂર ભારત માટે પણ મોંઘુ દાટ હતું, પણ આ યુધ્‍ધ મેઇડ ઇન ઇન્‍ડિયા શસ્‍ત્રોના લોન્‍ચિંગ મંચ જેવું બની ગયું હતું.

ભારતીય શસ્‍ત્રોની તાકાત જોયા બાદ અનેક દેશો ભારત સાથે ડીલ કરવા તૈયાર થઇ ગયા છે. ખાસ કરીને બ્રહ્મમોસની માંગ વધારે નીકળી છે. બ્રહ્મમોસ મિસાઇલ ભારત- રશિયાએ સાથે મળીને તૈયાર કરી છે બ્રહ્મમોસના પ્રોડકશન હાઉસ ભારતમાં ધમધમે છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં વધુ એક બ્રહ્મમોસ પ્રોડકશન હાઉસનું ઉદ્‌ઘાટન યોગીજીના હસ્‍તે થયું છે.

શસ્‍ત્રોની દુનિયામાં ભારત છવાવાનું શરૂ થયું છે. ઓપરેશન સિંદૂરમાં દુનિયાએ  એ પણ જોયું કે પાકિસ્‍તાનમાં ચીનના એકપણ શસ્‍ત્રો કે ડિફેન્‍સ સિસ્‍ટમ્‍સ ચાલી નથી. આ કારણે ચીનની બ્રાન્‍ડ ડલ પડી છે. ઓપરેશન સિંદૂરથી ચીનને આ કારણે પેટમા઼ દુખાવો ઉપડી ગયો છે. અમેરિકા પણ શસ્‍ત્રો નિકાસ કરતો દેશ છે. હવે દરેક દેશે ભારતને ગંભીરતાથી લેવો પડશે.ઓપરેશન સિંદૂરમાં ભારતનો નવો ચહેરો ઉભર્યો છે એ ભવિષ્‍યમાં વૈશ્વિક નેતૃત્‍વ કરવા સક્ષમ છે.  (૩.૨)

 

(1:44 PM IST)