News of Saturday, 31st May 2025
ફૂડ અને સ્ક્રીનઃ બરબાદીની જીદ
સલાહકારની સલાહને ગંભીરતાથી લેવામાં નહિ આવે તો બરબાદી નકકી
ભારતમાં હાલ સોૈથી લોકપ્રિય ફૂડ હોય તો તે જંકફૂડ છે. જંકફૂડમાં જંક શબ્દનો અર્થ જાણવા જેવો છે. જંક એટલે નકામો-ભંગાર અર્થ થાય છે આવો કચરો ઝાપટીને આપણે ગોૈરવ અનુભવીએ છીએ. ફૂડની જેમ જ ભારતીય સોૈથી વધારે સમય સ્ક્રીનમાં ફાળવે છે. મોબાઇલ કોમ્પ્યુટર- ટીવી કે અન્ય ઉપકરણોની સ્ક્રીન માટે ભરપૂર સમય ફાળવવામાં આવે છે.
આ જીવન સામાન્ય બની ગયું છે. કોઇ જંકફૂડ ન ખાય કે ટચ સ્ક્રીનવાળો મોબાઇલ ન વાપરતું હોય તો તે વ્યકિતત્વ મજાકનો વિષય બની જાય છે. એટલે કે જંકફૂડ અને સ્ક્રીન ટાઇમ જીવનમાં વણાઇ ગયા છે.
ભારતીયોના આ પ્રકારના જીવન સામે દેશના મુખ્ય આર્થિક સલાહકાર વી.અનંત નાગેશ્વરજીએ મોદી સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે કહયું છે કે, ભારતીયો શારીરિક અને માનસિક રીતે તૂટી રહયા છે. જો કે સરકાર આ સલાહને ગંભીરતાથી અનુસરશે કે નહિ એ ભગવાન જાણે, પણ સામાન્ય સમજ ગણાય કે, સરકાર જે કરે તે, પણ ખુદના આરોગ્યનું હિત દરેકે જોવું જોઇએ.
નાની ઉંમરે જીવલેણ રોગો વધી ગયા છે. મનોબળ તૂટી રહયા છે. વર્તમાન જીવનશૈલીના અત્યંત ખરાબ પરિણામો આવવા લાગ્યા છે. દરેકે ચેતવાનો અને આ અંગે ઊંડાણથી-નિર્ણાયક ચિંતન કરવાનો આ સમય છે.
આ મુદાઓ તર્કબાજીના કે બહાનાબાજીના નથી. જંકફૂડ કે મોબાઇલ જરા પણ નકામા નથી, પણ એ આપણા માટે, આપણે તેના માટે નથી એટલું સમજવું જરૂરી છે. આકસ્મિક સંજોગોમાં જંકફૂડ માણવું પડે તો વાંધો ન હોય, પણ તાજા -પોષક ફૂડ ભરપૂર ઉપલબ્ધ હોય છતા સતત જંકફૂડ પર જ નિર્ભર રહેવું એ ઘાતક છે.
આવી જ દશા મોબાઇલફોનની છે. બેટરી કે નેટ પૂરા ન થાય ત્યાં સુધી લડી લેવું એ વ્યસન અને પાગલપન ગણાય. ઉપકરણો સુવિધા માટે જ છે, તેની મર્યાદા અને આડઅસરો પ્રત્યે સાવધાની અનિવાર્ય છે. મોબાઇલ ફોન એટલા બધા સ્માર્ટ થઇ ગયા કે લોકો તેની સામે ઢ સાબિત થવા લાગ્યા છે.
જીવનને મસ્ત રાખવા માટે ઉર્જા જરૂરી છે. ઉર્જાના બે મુખ્ય સોર્સ ભોજન અને ઊંઘ છે. જંકફૂડ એવી ખાદ્ય સામગ્રી છે જે સ્વાદ આપી શકે છે, પરંતુ પોષણ -ઉર્જાને બદલે રોગ આપે છે. બીજી તરફ ઊંઘથી ઉર્જા પ્રાપ્ત થાય, પણ મોબાઇલની સ્ક્રીનના કારણે મોટાભાગના ભારતીયોની ઊંઘ હરામ થઇ ગઇ છે.
ભારત મહાસત્તા બની રહયો છે. પણ ભારતીયો ઉર્જાહિન જીવન તરફ ગતિ કરી રહયા છે. આ ગતિને કોઇ સરકાર કે સલાહકાર ધારે તો પણ બ્રેક મારવા સક્ષમ નથી. ભારતીયો ખુદ સમજદારી કેળવીને બ્રેક મારે તો જ શકય બને. બરબાદીની જીદ સારી નથી જ.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
