<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

ઉપર મુજરા, નીચે તાંડવ!

સાંસદ દિલ્‍હીમાં મોૈન, રાજકોટમાં લાંચિયા ને પકડે છેઃ અધિકારીઓ વટ કરે છે, પણ કામ નથી કરતાઃ ગુજરાત ભાજપની કોમેડી દશા

સોરાષ્‍ટ્રમાંથી નકલી ઘી ની ફેકટરી ઝડપાઇ... સોૈરાષ્‍ટ્રમાંથી હથિયારોની ફેકટરી ઝડપાઇ.. આ બધા સમાચારો ગઇકાલના જ છે. નિર્દોષ લોકોના જીવ હરી લે તેવી ઘટનાઓ રૂટીન બની ગઇ છે. પરંતુ સોૈરાષ્‍ટ્રનું એક પણ નેતુ આ અંગે અવાજ ઉઠાવતું નથી. મોટા પદ પર ગોઠવાઇને ફાલતુ કામો કરે. સોૈરાષ્‍ટ્ર ભાજપના નેતાઓ પોતાની જવાબદારી પૂરી કરવાને બદલે અન્‍યના ક્ષેત્રોમાં વિરતા દેખાડે છે.

તાજેતરમાં રાજકોટ મહાપાલિકાના ચેરમેને વીજ અધિકારીઓ સામે બઘટાડી બોલાવી હતી. રાજકોટ શહેરની પથારી ફરી રહી છે, તે સ્‍ટે. ચેરમેન માટે શરમજનક બાબત ગણાય, પણ પોતે કાંઇ ઉકાળી શકતા નથી,. વીજતંત્રને ફરજ શીખવવા બઘડાટી બોલાવે છે.

ગુજરાત ભાજપની દશા કોમેડી જેવી બની ગઇ છે. મોટા પદ પર બિરાજમાન નેતુ પોતાના ક્ષેત્રમાં કંઇ ઉકાળતું નથી. અધિકારીઓ વટથી પાવર કરે છે. પણ પ્રશ્‍નો ઉકેલતા નથી. રાજકોટમાં બિરાજમાન રાજયસભાના સાંસદ દિલ્‍હીમાં સંસદ ગજવવાને બદલે રાજકોટમાં મિત્ર પાસે લાંચ માગનાર અધિકારીને પકડીને માર માર્યો હોય તેવો દેખાવ મીડિયા સામે કરે છે.

સાંસદો પક્ષમાં કે સરકારમાં કંઇ બોલી શકતા નથી.  હા-જી-હા કરીને મુજરા કરતા રહે છે. આવા દમ વગરના નેતાઓ પોતાના ગામ-શહેરમાં આવીને તાંડવ કરવા લાગે છે. ગુજરાતમાં ભાજપ માટે શરમજનક સ્‍થિતિ બની ગઇ છે, પણ...

ગુજરાતમાં લાંચ-રૂશ્વત વિરોધી મહાકાય તંત્ર ગંજાવર ખર્ચે અસ્‍તિત્‍વમાં છે. ચારેબાજુ બેફામ ભ્રષ્‍ટાચાર ચાલતો હોવાની સ્‍થિતિમાં આ તંત્રને જવાબદારીનું ભાન કરાવવાને બદલે સાંસદ ખુદ હીરોગીરી કરવા મેદાનમાં આવે અને એક અધિકારી પાસેથી લાંચની રકમ પરત લેવડાવે એ બહાદુરી ગણાય? આવા સાંસદને પૂછવું જોઇએ કે, અન્‍ય ભ્રષ્‍ટતત્‍વો માટે તમારી રણનીતિ શું છે? ભ્રષ્‍ટાચાર વિરોધી તંત્ર છે તેમની જરૂર શું છે? મહત્‍વનો સવાલ એ પણ થાય કે- સાંસદો રાષ્‍ટ્રીયસ્‍તરે પોતાના વિસ્‍તારની કે પોતાના કાર્ય ક્ષેત્રની સમસ્‍યા પુરી તાકાતથી રજૂ કરવાની હોય છે, સાંસદ જેવું મોટું પદ મેળવીને એકાદ લાંચિયાને પકડવાનું કામ કરવું યોગ્‍ય છે? આવું જ કરવું હોય તો પદ છોડીને ભ્રષ્‍ટાચાર વિરોધી સામાજિક સંસ્‍થા બનાવવી જોઇએ.

જો કે માત્ર સાંસદ સામે જ સવાલ નથી. ગુજરાતમાં ધારાસભ્‍યો મેયરો- ગૃહ પ્રધાન- ખુદ મુખ્‍યમંત્રી પોતાના કાર્યક્ષેત્રમાં કંઇ કરી શકતા નથી. અધિકારીઓઅ પાસે પણ આ નેતાઓનું કંઇ ઉપજતું નથી. આવી બોદી નેતાગીરી મીડિયા અને લોકો સામે મોટી-મોટી વાતો કરીને બડાશો હાંકતા રહે છે. ભાજપના નેતાઓની દશા હાસ્‍યાસ્‍પદ છે. તેમનું ઉપર કોઇ સાંભળતું નથી. અધિકારીઓ પાસે કંઇ ઉપજતું નથી. ગુજરાત બરબાદ થઇ રહયું છે છતાં કંઇ બોલી શકાતું  નથી. નેતાઓ પોતાની સાઇઝ પ્રમાણે નાના-મોટા સેટિંગ કરીને મોજ કરે છે.

આવા નબળા નેતાઓને સહન કરીને લોકો ભૂલ કરે છે. ત્રેવડ વગરનાને મત ન આપો અને પક્ષ તેને પદ આપે તો પ્રચંડ વિરોધ કરો. 

(9:59 AM IST)