<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

૧૧ વર્ષ વિપક્ષના..

રણનીતિ-નેતાગીરી-આપસી વિશ્‍વાસ-યોગ્‍ય દિશા વગેરેનો અભાવઃ વિપક્ષનું એક પણ નેતુ મોદિત્‍વની સમકક્ષ ઉભી શકે તેમ નથી

 કેન્‍દ્રમાં મોદી સરકારની ત્રીજી ટર્મના એક વર્ષની ધામધુમથી ઉજવણી થઇ રહી છે. સળંગ ૧૧ વર્ષથી તેઓ ભારતનું નેતૃત્‍વ કરી રહયા છે. આ સામાન્‍ય બાબત નથી. રાષ્‍ટ્રીય રાજનીતિના સમીકરણો તોડફોડ થઇ ચુકયા છે. મોદિત્‍વનો વિશિષ્‍ટ રાજનીતિનો તોડ કાઢવો તો ખૂબ દુરની બાબત છે. વિપક્ષ આ રાજનીતિને સમજી પણ શકવા સક્ષમ લાગતો નથી.

દેશભરના મીડિયામાં મોદી સરકારની સમીક્ષા થઇ રહી છે. થોડો અલગ દૃષ્‍ટિકોણ કેળવો તો ભારતમાં વિપક્ષના પણ ૧૧ વર્ષ થયા છે. હાલ વિપક્ષની દશા શી છે? તટસ્‍થ રહીને અભ્‍યાસ કરો તો મોદિત્‍વ ટનાટન જ છે. જો કે મોદી સરકારની  મર્યાદા પણ ઓછી નથી. દેશમાં એવા અસંખ્‍ય મુદ્‌ા છે. જે મોદી સરકાર સામે ગંભીર સવાલો સર્જી શકે છે.

આવા મુદ્‌ા વિપક્ષ માટે મોટી તક ગણાય. નોટબંધીથી માંડીને કોવિડ મેનેજમેન્‍ટ વગેરે મુદ્‌ાઓ સામાન્‍ય પ્રકારના ન હતા. આ અંગે વિપક્ષે શું  ઉકાળ્‍યું? મોદિત્‍વ સામે ચૂંટણીમાં સતત પરાજય બાદ વિપક્ષો ઇન્‍ડિયા મોરચો રચીને બધા સાથે મળી ને મોદિત્‍વ સામે પડયા હતા. છતા કંઇ ખાસ ઉપજયું નહિ.

હવે તો આ મોરચો પણ વેરવીખેર જેવો થઇ ગયો છે. વિપક્ષમાં કેજરીવાલ- મમતા દીદી નીતિશકુમાર વગેરે શકિતશાળી હતા. હાલ કેજરીવાલ બેરોજગાર થઇ ગયા છે. નીતિશ મોદીજીની પંગતમાં છે. મમતા દીદી ભીંસ અનુભવી રહયા છે.

આવું શા માટે થઇ રહયું છે? આગળ કહયું તેમ વિપક્ષ મોદીજીની રાજનીતિ સામે લડવા જ નહિ, તેની રાજનીતિને સમજવાની ત્રેવડ ધરાવતો નથી. વિપક્ષ માત્ર પરંપરાગત રાજનીતિ ખેલે છે. પછાડાઇ રહયો છે.

વિપક્ષમાં કોંગ્રેસ એકમાત્ર રાષ્‍ટ્રીય પક્ષ છે. આ પક્ષના નેજા હેઠળ વિપક્ષની રાજનીતિ થવી જોઇએ. જો કે કોંગ્રેસના નેતૃત્‍વને પક્ષની કે વિપક્ષની જવાબદારીનું ભાન નથી. કોંગ્રેસ કેન્‍દ્રમાં સત્તામાં હતી ત્‍યારે રાહુલ ગાંધીની રાજનીતિમાં એન્‍ટ્રી થઇ હતી. તેઓ પક્ષમાં નિર્ણાયક બની ગયા હતા. તેઓના નેતૃત્‍વમાં કોંગ્રેસનું સતત પતન થઇ રહયું છે. રાહુલ રાષ્‍ટ્રીય પ્રવાહોને પારખી શકતા નથી. પ્રવાહથી વીપરીત દોડે છે. ખુદ કોંગ્રેસ પણ આવા નેતૃત્‍વથી પરેશાન છે. રાહુલજીને ઇન્‍ડિયા મોરચાના વડાપ્રધાનના ઉમેદવાર બનવું હતું.

વિપક્ષના ૧૧ વર્ષને ટુંકમાં રજૂ કરવું હોય તો કહી શકાય કે, વિપક્ષ પાસે નેતાગીરી નથી, રણનીતિ નથી, નિશ્‍ચિત દિશા નથી, કોમન એજન્‍ડા નથી, વિપક્ષોને એક- બીજા પર વિશ્વાસ પણ નથી. આવો વિપક્ષી લોકોના દિલ જીતી ન શકે એ સ્‍વાભાવિક છે. અતિ પ્રભાવી અને શકિતશાળી મોદીજી સામે તેજાબી -સ્‍માર્ટ અને પરિણામલક્ષી વિપક્ષ હોવો જોઇએ. વર્તમાન વિપક્ષ દરરોજ પોતાની નબળાઇનો વિકાસ કરે છે!

મોદી સરકારની ઘણી મર્યાદા છે. પણ વિશેષતાનો પાર નથી. આ કારણે લોકરોષ  જાગતો નથી. હજુ દેશને મોદી સરકાર સામે કંઇ વાંધો દેખાતો નથી.

(10:19 AM IST)