News of Tuesday, 17th June 2025
નક્કર નેતાગીરી એ જ શ્રધ્ધાંજલી
ભાજપ શબ્દોથી નહિ, કાર્યથી વિજયભાઇને શ્રધ્ધાંજલી આપે...
પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના આદરપાત્ર નેતા વિજયભાઇ રૂપાણીને પૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી. ગુજરાતના તથા દેશના ટોચના નેતાઓ ઉપસ્થિત રહયા. ભાવૂક માહોલ સર્જાયો હતો.
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં વિજયભાઇ સહિતના લોકોના કરુણ નિધન થયા હતા. વિજયભાઇ રૂપાણી ભાજપના અગ્રીમક્રમના નેતા હતા. રાજકોટ- સોૈરાષ્ટ્રે તો નેતા ગુમાવ્યા જ છે. ભાજપને પણ વિજયભાઇ રૂપી નુકસાન વહોરવાનું આવ્યું હતું.
વિજયભાઇ રૂપાણીને શ્રધ્ધાંજલી આપવાનો મહાપ્રવાહ વહી રહયો છે. વિજયભાઇની વિદાય આઘાતજનક તો છે જ, પણ ઘણા લોકો માટે તો વિજયભાઇ આધાર સમાન હતા. પ્રિય નેતાને અંજલી આપવી એ સ્વાભાવિક બાબત છે.
ભાજપ માટે વિશિષ્ટ શ્રધ્ધાંજલી આપવાની આ તક છે. જન્મ-મૃત્યુ પ્રકૃતિને આધીન છે. જે થવાનું હતું. એ જ થયું હશે. આ સ્થિતિમાં ભાજપના નિર્ણાયક નેતાઓ માત્ર શબ્દોથી શ્રધ્ધાંજલી આપે એ ઓૈપચારિક બાબત છે. ભાજપે વિજયભાઇને નિર્ણાયક શ્રધ્ધાંજલી આપવી જોઇએ.
તટસ્થ રહીને લખીએ તો ગુજરાતમાં ત્રણ દાયકાથી ભાજપ શાસન છે. પણ વર્તમાન સમયમાં શ્રેષ્ઠ શાસન નથી એ કડવી વાસ્તવિકતા છે. સામાન્ય માણસને શાસન હોવાનો અનુભવ પણ થતો નથી. રાજકોટના સ્થાનિક શાસનથી રાજયના શાસન સુધીનો અનુભવ આવો રહે છે.
ભાજપ માટે નવી પરંપરા શરૂ કરવાની તક છે. પ્રિય નેતાને માત્ર શબ્દોથી નહિ, કાર્યથી શ્રધ્ધાંજલી આપી શકાય. વિજયભાઇના હૈયે રાજકોટ-ગુજરાતનું હિત હતું. ગુજરાતને નક્કર અને શ્રેષ્ઠતમ નેતાગીરી આપીને કોઇપણ ભોગે રાજયમાં ફરીથી કાયદાનું શાસન સ્થાપિત થાય તેવો સંકલ્પ કરીને નક્કર એ દિશામાં નિષ્ઠાપૂર્વક દોડી શકાય.
ગુજરાતનું હિત સધાય તો વિજયભાઇ રૂપાણીને આત્મા પ્રસન્ન રહે. શબ્દોથી અપાયેલી ઓૈપચારિક શ્રધ્ધાંજલી ટૂંકાગાળામાં બાષ્પિભવન થઇ જાય. વિજયભાઇના માનમાં નક્કર નેતાગીરીની સ્થાપના થાય અને ગુજરાતમાં ક્રાંતિકારી તથા વ્યાપક હિતના પરિવર્તનો આવે તો એ ઐતિહાસિક શ્રધ્ધાંજલિ બની જાય.
નરેન્દ્રભાઇ મોદી, અમિતભાઇ શાહ અસામાન્ય નેતા ગણાય છે. તેઓ પાસેથી અસામાન્ય કાર્યની અપેક્ષા રાખવી અસ્થાને ન ગણાય. વિજયભાઇ રૂપાણીની સ્મૃતિમાં સમગ્ર ગુજરાતનું કલ્યાણ થાય તેવી નેતાગીરી સ્થાપિત કરવામાં આવે તો મોટું કાર્ય ગણાય ક્રાંતિકારી નિર્ણયની અને નિર્ણાયક સરકારની ગુજરાતને આવશ્યકતા છે અને અપેક્ષા પણ છે. આ કાર્ય અઘરૂ નથી. (૩.૨)
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
