<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

ફીલિંગમાં ભેદભાવઃ કળીયુગી પાપ

પ્‍લેન દુર્ઘટનામાં ભારત આખો ગંભીર-સચેત બની ગયોઃ માર્ગ અકસ્‍માતોમાં હોમાઇ રહેલા પ્રત્‍યે જરા પણ ગંભીર નહિ

   અમદાવાદની વિમાન  દુર્ઘટના, કાળના અટ્ટહાસ્‍ય જેવી હતી. મૃતકો અને તેમના સ્‍વજનો પ્રત્‍યે દિલમાં કરુણાતાનો ભાવ ઉપજે છે. આવી ઘટના કયારેય ન બને તેવી પરમાત્‍માને પ્રાર્થના કરીએ છીએ. આ દુર્ઘટના બાદ વિમાની સેવામાં જરા પણ ખામી દેખાય તો ટ્રીપ રદ્‌ કરાય છે. અનેક બાધિત થઇ છે. વિમાની દુર્ઘટનાને અતિ ગંભીર ઘટના ગણીને વિવિધ એજન્‍સીઓ દ્વારા વિવિધ એંગલથી તપાસ શરૂ થઇ ગઇ છે. અમદાવાદની પ્‍લેન દુર્ઘટનાના પડઘા દેશ-દુનિયામાં પડયા છે.

આ દુર્ઘટના અતિ ગંભીર અને અતિ કરુણ હતી જ, પરંતુ વિમાની દુર્ઘટનાથી  થોડી નજર હટાવીને ધરતી પર પથરાયેલા  માર્ગો પર નજર કરો તો ગુજરાતમાં દરરોજ જીવલેણ અકસ્‍માતોની હારમાળા સર્જાય છે. દરરોજ નિર્દોષ લોકોના જીવ જાય છે. અનેક પરિવારો બરબાદ થાય છે. આવી ઘટનાઓ  દરરોજ બને છે. એ પણ કાળનું તાંડવ જ છે. એ પણ અતિ કરુણ-દુઃખદ અને અતિ ગંભીર છે.

પ્‍લેન દુર્ઘટનામાં મોત થાય છે તેના કરતા અનેકગણા વધારે મોત માર્ગ  અકસ્‍માતોમાં થાય છે. જો કે આ અંગે સરકાર, તપાસ એજન્‍સીઓ, મીડિયા કે દેશ કોઇ ગંભીર નથી. આ કડવી હકીકત છે. ગડકરીઓ ટોલટેકસ ઉઘરાવવાના  આયોજનો કરે છે, પણ અકસ્‍માતો રોકવા કંઇ કરતા નથી.

સવાલ એ થાય છે કે, પ્‍લેન દુર્ઘટનામાં મોત થાય તો જ ગંભીર ગણાય? માર્ગ દુર્ઘટનાઓમાં જીવ જાય છે એ માણસો નથી? વાસ્‍તવિકતા એ છે કે, હવાઇ સેવાનો લાભ મોટાભાગે   સુખી- સમૃધ્‍ધ લોકો લેતા હોય છે. એસટી બસમાં સામાન્‍ય લોકો મુસાફરી કરે છે. સામાન્‍યના કમોત થાય તેને ગંભીરતાથી ન લેવાની પરંપરા થઇ ગઇ છે.

સામાન્‍ય માણસના કમોતથી તેનો પરિવાર નોધારો થાય છે. દુઃખ થાય છે. પણ ધાર્મિક તથા આધ્‍યાત્‍મિક ગણાતા ભારતમાં ફિલિંગ્‍સ-લાગણીઓમાં ભેદભાવ ચાલી રહયા છે. આ કળીયુગનું મહાપાપ ગણાય.

ગેરકાયદે દારુ પીને ડ્રાઇવીંગ કરીને હીટ એન્‍ડ રનમાં નિર્દોષને નંદવી નાખવાની  ઘટના અવારનવાર બને છે. પ્‍લેન દુર્ઘટનાને ગંભીર ગણનારું તંત્ર  દારુડિયા ડ્રાઇવરને બચાવી લેવા પડદા પાછળ ખેલ કરે છે. આ  હદ નથી?

પ્‍લેન દુઘર્ટનામાં મૃતકોના સ્‍વજનોને વળતર મળે તે માટે નેતાઓ-કંપનીઓ પણ ઊંધા માથે થઇ હતી. માર્ગ દુર્ઘટનામાં રેસ્‍કયુ કરવાની પણ પણ વ્‍યવસ્‍થા નથી. વીમો તો ઠીક, પોલીસ ફરિયાદ  કરવા પણ ફાંફા મારવા પડે છે.

આ કડવી વાસ્‍તવિકતા છે. પ્રકૃતિ-પરમાત્‍મા પાસે દરેક જીવ સમાન છે. ત્‍યાં  વીઆઇપી  કલ્‍ચર નથી. ભારતમાં ફિલિંગ ભેદભાવ દુર થવો જ જોઇએ. દરેક જીવને સમાન મહત્‍વ મળવું જરૂરી નથી?

(12:23 PM IST)