News of Tuesday, 24th June 2025
ફૂટતા નહિ .. ગોપાલભાઇ
સોૈરાષ્ટ્રમાં ભાજપને સણસણતો તમાચોઃ કોંગ્રેસ તો ચિત્રમાં જ ન રહીઃ લોકોએ સેટિંગબાજોને ફગાવી દીધાઃ ગોપાલભાઇ ધારે તો...
હવામાં ઉડતા ભાજપીઓને સોૈરાષ્ટ્રમાં બરાબરની પછડાટ મળી છે. વિસાવદર બેઠક કબ્જે કરવા કાવાદાવા કરનાર ભાજપને લોકોએ સણસણતો તમાચો ઝીંકી દીધો છે. લોકહિતના કામો કરી દેખાડીને લોકોનો પ્રેમ જીતવાને બદલે ભાજપ પડદા પાછળ ખેલ નાખતો રહયો. સેટિંગ, લાલચ, ધમકીથી માંડીને નેતાઓની ખરીદીના સતત ખેલ નાખનાર ભાજપીઓની દશા ખરાબ થઇ ગઇ છે.
વિસાવદરમાં નવાસવા ગોપાલ ઇટાલિયાએ મહાકાય ભાજપને એકલા હાથે ધૂળ ચાટતો કરી દીધો છે. આ પરિણામો સોૈરાષ્ટ્રમાં ભાજપની ઘટતી વેલ્યુ દર્શાવે છે. પ્રતિષ્ઠાના જંગમાં ભાજપીઓને ૧૭૦૦૦ મતે પાડી દીધા છે. ભાજપનો અહમ ચકનાચુર કરી દીધો છે.
ગોપાલ ઇટાલિયા પાવર ફૂલ ઉમેદવાર ગણાતા ન હતા. પરંતુ સોૈરાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસ સામેના પ્રચંડ લોક આક્રોશના કારણે અને ખૂબ વહેલાસર સંપર્કની વ્યૂહ રચના ત્થા અસંતુષ્ટ ભાજપીઓના છુપા આશિર્વાદથી ગોપાલભાઇને તક મળી છે. તેમના વિજય બદલ અભિનંદન. એટલું તો કહેવાનું જ કે ગોપાલભાઇને અપેક્ષા ના મતો પ્રાપ્ત થયા છે. જે પચાવવા સરળ ન હોય.
વાસ્તવિક સ્થિતિ એ છે કે, ગુજરાતમાં શાસક-વિપક્ષ જેવું કંઇ નથી. બધું સેટિંગ પ્રમાણે ચાલે છે. ભયાવહ સ્થિતિ બની ગઇ છતા સોૈરાષ્ટ્રભરમાં ભાજપ કે કોંગ્રેસ બંને મોૈન રહે છે. અધિકારીઓ તો રાજવી હોય તેવા ઠાઠ ધરાવે છે. આ બધા ખુદના હિત માટે સેટિંગ પ્રમાણે કાર્યરત રહે છે.
લોકો માટે સોૈરાષ્ટ્રમાં જીવલેણ સ્થિતિ બની ગઇ છે. કાયદો વ્યવસ્થા ખોરવાઇ ગયા છે લોકોના કમોતની પણ કોઇને અસર થતી નથી. ભ્રષ્ટ અને ગુંડાતત્વોનું જાણે સામ્રાજય છવાયું છે. દારૂથી માંડીને ડ્રગ્સમાં સોૈરાષ્ટ્ર બરબાદ થઇ રહયું છે. આ ભયાવહ સ્થિતિ છતા સરકાર કે વિપક્ષ બંને મોજ કરતા રહે છે.
ચૂંટણીમાં ભાજપ સેટિંગ, હિન્દુત્વ, મોદિત્વના નામે તરી જતા રણનીતિ બનાવીને મેદાન મારતો રહે છે.સોૈરાષ્ટ્ર-વિસાવદરના લોકોએ આવા ભાજપને ફગાવી દઇને ગુજરાતમાં ભાજપ સામે લાલબતી ધરી દીધી છે.
આ રીતે કોંગ્રેસને લોકોએ વિપક્ષ પદેથી પણ ફગાવી દઇ ને વિપક્ષનો વિકલ્પ પસંદ કર્યો છે. વિસાવદરના પરિણામો સોૈરાષ્ટ્ર-ગુજરાતમાં નવા રાજકીય પ્રવાહના સંકેત તરીકે પણ જોઇ શકાય.
આગળ કહયું તેમ ગોપાલ ઇટાલિયાને અપેક્ષા ના મતો મળ્યા છે. ભાજપ શાસક તરીકે બોદો સાબિત થયો છે. કોંગ્રેસ તેના કરતા પણ નબળો પક્ષ બની ગયો છે. ગોપાલભાઇ ભલે ધારાસભ્ય બન્યા, પણ તેના પર સમગ્ર ગુજરાતના વિપક્ષની જવાબદારી આવી પડી છે.
સેટિંગબાજ -કિન્નાખોર ભાજપ સામે વિપક્ષ તરીકે ભૂમિકા સરળ નથી. ગોપાલભાઇએ તાકાતનો પરચો દેખાડવો પડશે. માત્ર નિવેદનિયા વિરોધથી કંઇ ઉપજશે નહિ. પૂરાવા સહિતના નિર્ણાયક વિરોધ કરવા પડશે. આ માટે આત્મબળ જરૂરી હોય છે. વિસાવદરનો જંગ જીત્યા પછીનો જંગ સરળ નથી. ગોપાલ ઇટાલિયાના વલણ પર સમગ્ર વિકલ્પનો આધાર છે. બીજુ કંઇ કરી ન દેખાડો તો કંઇ નહિ, ગોપાલભાઇ ફૂટે નહિ અને સેટિંગ ન કરે તો પણ ઘણું.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
