<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

પંચ પ્રપંચ સરપંચ!

આક્ષેપો સામે ચૂંટણી પંચ પાવરનો પ્રયોગ કેમ નથી કરતું? જીતેલા લોકો સેવા કરી દેખાડે

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. કયાંક ખુશી-કયાંક ગમનો માહોલ છવાયેલો છે. રાજકીય પક્ષો ટેવ પ્રમાણે દાવા કરી રહ્યા છે. પંચાયતોની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારોને અભિનંદન ઘણાં સ્‍થાને પરાજિત ઉમેદવારો પરાજય સ્‍વીકારવાને બદલે વિવિધ આક્ષેપો કરે છે. ચૂંટણી પરિણામો બાદ મોટાભાગના આક્ષેપો ચુંટણી પંચ સામે થતા હોય છે. પ્રક્રિયામાં ગરબડથી માંડીને બોગસ મતદાન સુધીના આક્ષેપો ભારતની લગભગ દરેક ચૂંટણીમાં થતા રહે છે.

ચૂંટણીમાં પરાજયનો સ્‍વીકાર કરવો અઘરો જ હોય છે. આ માટે મોટાભાગના પરાજિત નેતાઓ- પક્ષો દોષનો ટોપલો પંચ પર નાંખી દે છે. આ પરંપરા બની ગઇ છે. ચૂંટણી પંચ આક્ષેપો ને નકારી દે છે.

છેલ્લા દશેક વર્ષથી તો ભારતમાં મત મશીન- ઇવીએમ પર જ ઠીકરા ફોડવામાં આવે છે. આવા આક્ષેપો પંચે અનેક વખત નકાર્યા છતા પરિણામ બાદ પંચ અને ઇવીએમ નિશાન પર આવી જાય છે.

આ સામાન્‍ય બાબત નથી. ચૂંટણી લોકશાહીનો પ્રાણ ગણાય છે. ચૂંટણી પ્રક્રિયા પર સતત આક્ષેપોના કારણે લોકશાહી પરથી વિશ્વાસ ડગમગી જાય છે. લોકો શંકાની નજરે જુએ છે. ચૂંટણી પંચે આક્ષેપોને રૂટીન ગણીને નકારવાને બદલે આક્ષેપો સામે ગંભીર બનવું જોઇએ.

એક રસપ્રદ સમાચાર ગઇકાલે આવ્‍યા મહારાષ્‍ટ્ર ધારાસભા ચૂંટણી અંગે રાહુલ ગાંધીએ ધાંધલીના આક્ષેપો ટેવ પ્રમાણે કર્યા હતા. ચૂંટણી પંચે પણ પરંપરા પ્રમાણે આક્ષેપો નકારી દીધા છે. આક્ષેપો નકારતા પંચે વિચિત્ર નિવેદનમાં કહ્યું કે, ધાંધલી થઇ નથી, પણ તેના પુરાવાના વીડિયા સુરક્ષા અને ગોપનિયતાને કારણે જાહેર નહિ કરીએ !

ચૂંટણી પંચનું વલણ વિચિત્ર ન ગણાય? પંચે આક્ષેપો અંગે વટથી ખુલાસા કરવા જોઇએ. સુરક્ષા-ગોપનિયતા વગેરે શબ્‍દો છટકબારી જેવા લાગી રહયા છે. પંચ સામે સરપંચના ઉમેદવારથી માંડીને રાષ્‍ટ્રીય નેતાઓ સતત આક્ષેપો કરે છે. પંચમાં કે ચૂંટણી પ્રક્રિયામાં ખરેખર ગરબડ ન હોય તો પંચ આક્રમક કેમ નથી બનતું?

આક્ષેપો કરનારને પંચે કોર્ટમાં પડકારીને આક્ષેપો અંગેના પુરાવા માંગવાની પરંપરા શરૂ થાય તો ફાલતુ તત્‍વો આક્ષેપો કરતા બંધ થઇ જાય. આશ્‍ચર્ય છે કે, ચૂંટણી પંચ સતત આક્ષેપો સહે છે. પણ વટ થી મેદાનમાં નથી આવતું. પંચે પ્રપંચ છોડીને આક્ષેપો કરનારાને કોર્ટ કાર્યવાહી દ્વારા સજા સુધી પ્રકરણ પહોંચાડવું જોઇએ. પંચની વિચિત્ર નીતિ ના કારણે ભારતની લોકશાહીના વિશ્વાસ સામે પ્રશ્‍નાર્થ સર્જાય છે. પ્રપંચ છોડીને મેદાનમાં આવવું જરૂરી છે. 

(11:15 AM IST)