News of Saturday, 28th June 2025
પ્રકૃતિ સામે પાવર ન હોય
ગજરાજથી માંડીને મેઘરાજ.. માનવજાતે ‘‘કૃપા'' પ્રાપ્ત કરાય, ‘‘પ્રકૃતિ''ના માલિક બનવા પ્રયાસ ન કરાય
અષાઢી બીજની રથયાત્રાનો માહોલ ગઇકાલે બરાબરનો જામ્યો હતો. આ ધાર્મિક ઉત્સવ હતો. પણ ભારતમાં ધર્મની દશા જોવા જેવી બની ગઇ છે. સંતો- મંહંતોથી માંડીને ભકતો, સરકાર, મીડિયા લગભગ બધા જ નિમ્ન પ્રકારના સ્વાર્થે જોડાય છે. રથયાત્રામાં ગજરાજની પણ બોલબાલા હોય છે. સંતો-મહંતો-ભકતો તેને ગજાનનનું સ્વરૂપ ગણીને પૂજતા હોય છે.
ગઇકાલે રથયાત્રામાં ત્રણ ગજાનન- હાથી બેકાબૂ બનીને દોડયા તો ભીડમાં ભાગા- ભાગીનો માહોલ સર્જાયો હતો. તંત્ર ધંધે લાગ્યું હતું. મહાવતોની આંખે પણ અંધારા આવી ગયા હતા. આવી સ્થિતિમાં પ્રધાન હોય, અધિકારી હોય કે સામાન્ય ભકત હોય. ભાગીને સલામત સ્થળે પહોચવું એક જ વિકલ્પ રહે છે. ગજરાજ રૂપે ગણપતિદાદા આશીર્વાદ આપવા આવે છે. તેમ માની ને બેકાબૂ હાથી સામે ઉભું ન રહેવાય.
પ્રકૃતિ સામે કોઇનો પાવર કામ આવતો નથી. આ બાબત સમજવી અનિવાર્ય છે. મુખ્યમંત્રી હોય કે, પોલીસ કમિશનર હોય, બેકાબૂ હાથી સામે તેના પદની કોઇ વેલ્યુ નથી. એ સમજાવવા કદાચ જગન્નાથજીએ લીલા કરી હશે.
માત્ર હાથી ના જ પ્રકરણમાં નહિ, સમસ્ત પ્રકૃતિ માટે આ નિયમ લાગુ પડે છે. ગજરાજથી માંડીને મેઘરાજ.. માણસ ખૂબ વામણો સાબિત થાય છે. અહીં સમસ્ત માનવજાતની વાત છે.
આ ચિંતનમાં થોડા ઊંડા ઉતરો તો વધારે સમજ ખીલશે. માનવજાત પણ પ્રકૃતિનો જ એક મહત્વનો હિસ્સો છે. એવું પણ કહી શકાય કે, સમસ્ત પ્રકૃતિમાં માનવ પરમાત્માનું શ્રેષ્ઠ સર્જન છે. માણસને બુધ્ધિ અને ફિલિંગ્સ આપ્યા છે.
માનવજાત બુધ્ધિનો દુરુપયોગ કરે છે. અફાટ અને અપાર પ્રકૃતિની કૃપા પ્રાપ્ત કરવાને બદલે પ્રકૃતિ પર સ્વામીત્વ પ્રાપ્ત કરવા મથે છે. આ દૃષ્ટિકોણ ઘાતક છે. સત્તા કે અન્ય પાવરથી પ્રકૃતિ ઉપર‘‘વિજ્ઞાન'' વિજય મેળવવા મથે છે. પ્રકૃતિની એક થપાટ પણ ખમવા માનવજાત સક્ષમ નથી.
રથયાત્રામાં જોડાયેલા હાથીએ મિનિટોમાં પ્રકૃતિની તાકાતની ઝલક દર્શાવી દીધી છે. જયા પગ મૂકવાની જગ્યા ન હતી ત્યાં ક્ષણવારમાં ભીડ ગાયબ થઇ થઇ હતી.
પ્રકૃતિને વાચા નથી, એ આપણને સીધું સમજાવી ન શકે, સંકેત દ્વારા પોતાની તાકાત દર્શાવી દે છે. આવી ઘટનાઓ ઘણું કહી જાય છે. માનવજાતે સંકેતો સમજીને વૃતિપ્રવૃતિ સુધારવા એ શ્રેષ્ઠ માર્ગ છે.
એક સમયે મહાત્માઓ પોતાના પાવરથી હાથીને રોકી શકતા, આજે ? સાધના વગરના પદની પ્રકૃતિ સામે કોઇ વેલ્યુ નથી.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
