<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

તરતું રાજકોટઃ ડુબતી નેતાગીરી

માર્ગો નદી બન્‍યા, ઓછા વરસાદમાં પણ તંત્ર ધોવાઇ ગયું: નેતાઓ શરમ અનુભવવાને બદલે પ્રસિધ્‍ધિ લેવામાં વ્‍યસ્‍ત

બે - ત્રણ ઇંચ વરસાદ પડયો ત્‍યાં રાજકોટમાં માર્ગો ધોવાઇ ગયા. ચારેબાજુ ડામર સાફ થયો, ખાડા પડી ગયા. જયાં માર્ગ હતો ત્‍યાં નદી વહી, સરોવર બની ગયા. ગંદા-ગંધાતા પાણી સોસાયટી- શેરીમાં ઘરોમાં ઘુસી ગયા. રોગચાળાનું મહાજોખમ સર્જાયું...

એડવાન્‍સ વેરા ભરવામાં અગ્રેસર રાજકોટની આ સ્‍થિતિ નેતા-નેતીઓ માટે શરમથી ડુબી મરવા જેવી ગણાય. પણ સામાન્‍ય વરસાદમાં તરતા રાજકોટની નેતાગીરીની નિષ્‍ઠા અને શરમ ડુબી ગઇ છે.

વરસતા વરસાદમાં પણ શરમ વગરના નેતાઓ પ્રસિધ્‍ધિ લેવામાં મશગુલ હતા. સ્‍ટેન્‍ડિંગ કમિટીને તો હર્ષ સંઘવીની હવા લાગી ગઇ હોય તેમ લાગે છે. ગુજરાતમાં ગુન્‍હાખોરી બેકાબૂ છે. છતા હર્ષભાઇ બહાદુરીની વાતો કરવામાંથી ઊંચા આવતા નથી. આ રીતે રાજકોટની દશા જરા પણ સારી નથી છતાં સ્‍ટે. ચેરમેન બહાદુરીની વાતો કરતા રહે છે.

સ્‍ટેન્‍ડિંગ કમિટીએ અધિકારીઓને લોકો વચ્‍ચે જવા સૂચના અને ધમકી આપી. બાદમાં મીડિયા પણ ચેરમેનને હવા ભરતા અહેવાલો આપવા લાગ્‍યા. ચમત્‍કાર વગર નમસ્‍કાર નહી. અધિકારીઓ દોડવા લાગ્‍યા... આવા હેડિંગ સાથે અહેવાલો આપ્‍યા.  વાસ્‍તવમાં અધિકારીઓએ દોડીને રાજકોટની સમસ્‍યા ઉકેલી.? આ પ્રશ્‍નનો જવાબ છે. ના. અધિકારીઓ પાસે નેતા-નેતીઓનું કંઇ ઉપજતું નથી. ગૃહમંત્રી ટૂંકા પડતા હોય તો રાજકોટના ભાજપ મહાનુભાવોનું શું ઉપજે?

મહત્‍વનો પ્રશ્‍ન એ છે કે, કાંડો કરવામાં નેતા- નેતીઓ અગ્રેસર હોય છે. કાંડ ઉઘાડા પડે તો અધિકારીના માથા પર ઠીકરા ફોડાય છે. રાજકોટમાં નવે નવા રોડ તૂટયા તે કાંડના મુળ સુધી તપાસ થાય તો કેટલાય નેતા- નેતી નંદવાઇ જાય તેમ છે. પણ આ પ્રકરણ પર પડદો ઢાંકી દેવાયો. રાજકોટમાં ખાડા પડયા, પાણી ભરાયા, અરાજકતા થઇ ગઇ, માત્ર અધિકારીઓને જ કેમ દોડાવાયા?

કોર્પોરેટર- મેયર- ધારાસભ્‍ય- સાંસદોને ઓફિસમાંથી કોણ બહાર કાઢશે? આ લોકોની કોઇ જવાબદારી નથી? રાજયસભાના એક સાંસદ તો મનફાવે તેવા પ્રકરણમાં હીરોગીરી કરવા મેદાનમાં આવી જાય છે. રાજકોટના માર્ગોમાં ખુલ્લેઆમ ભ્રષ્‍ટાચાર તથા દારૂની રેલમછેલ જેવા મામલામાં  આ મહાનુભાવોમાં  રામ કેમ પ્રગટતા નથી? દોડીને લોકો વચ્‍ચે કેમ જતા નથી?

વાસ્‍તવમાં રાજકોટ કે સોૈરાષ્‍ટ્રની મોટાભાગની નેતાગીરી દમ વગરની છે. જ્ઞાતિવાદના કારણે  ચૂંટાય છે. ઉપર બેસેલા નેતાઓ સામે મુજરા કરતા રહે છે. નીચેના નેતાઓ-અધિકારીઓ સાથે સેટિંગ કરીને મોજ કરતા રહે છે. આવી નેતાગીરી પાસે કોઇ અપેક્ષા રાખી શકાય નહિ તેવી લોકોમાં ચર્ચા જોવા મળે છે.

લોકમુખે ચર્ચાઇ રહ્યું છે કે રાજકોટના અગ્નિકાંડમાં, મોરબીના પૂલકાંડમાં સોૈરાષ્‍ટ્રના કોઇ નેતા- નેતીના જીવ બળ્‍યા? ના બે- પાંચ અધિકારીઓને કાંડોમાં ફીટ કરાયા, મોટા માથા છટકી ગયા. રાજકોટ ડુબી જાય તો પણ આ નેતાગીરી કંઇ નહિ કરે, કારણ કે એમનામાં નેતાગીરીની લાયકાત કે ક્ષમતા નથી. રાજકોટ- સોૈરાષ્‍ટ્રના લોકોએ સલામત - સુખી રહેવું હોય તો સમર્થ નેતા સર્જવા પડશે.

(12:04 PM IST)