News of Wednesday, 9th July 2025
ગુરુ પૂર્ણિમા : જ્ઞાનની અમાસ
ધાર્મિકતા ધમધોકાર, આધ્યાત્મિકતાની ઓટ ગુરુ બ્રહમા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર..
ગુરુને સાક્ષાત દેવની ઉપમા આપવામાં આવી છે. ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ગુરુતત્વને વંદના. આવતીકાલે ભારતીય સનાતની પરંપરાનો ગુરુ ઉત્સવ ધામ-ધૂમથી ઉજવાશે. મંદિરો-આશ્રમોમાં ભકતો ઉમટી પડશે. ગુરુ પૂજનો થશે. ગુરુદેવના આશીર્વાદ લેવાશે અને ગુરુ દક્ષિણા દેવાશે.
પરંતુ ગુરુપૂર્ણિમાના બીજા દિવસે હતું એનું એ.. પરમાત્માના સાક્ષાત દર્શન થયા બાદ, પરમાત્માના આશીર્વાદ પ્રાપ્ત થયા બાદ જીવન દિવ્ય-ધન્ય બની જાય. ગુરુને પણ પરમાત્માની સમકક્ષ ગણવામાં આવ્યા છે. તેના સાક્ષાત દર્શન આશીર્વાદ જીવન દિવ્ય-ધન્ય કેમ નથી બનતું?
આવો પ્રશ્ન નાસ્તિકતાના નકારાત્મકતાના ચિંતનમાંથી જન્મયો ભલે ગણાય. પણ સવાલ ખોટો નથી લાગતો. પરમાત્મા સમાન ગુરુના સાક્ષાત દર્શન બાદ જીવન ધન્ય દિવ્ય કેમ બની જતું નથી? ગુરુમાં પરમતત્વની અછત છે એટલે ? ભકતમાં ભકિતત્વની અછત છે એટલે કે બંનેમાં કંઇક કમી છે, એટલે ?
ગુર ુપૂર્ણિમાએ ચંદ્ર પૂર્ણ કળાએ ખીલેલો હોય છે. એટલે કે આ ઉજાસનો ઉત્સવ છે. પણ વર્તમાન સમયમાં જ્ઞાન-સમજની વ્યાપક અમાસના કારણે ગુરુ દર્શન બાદ પણ જીવનમાં ધન્યતાનો ઉજાસ પ્રગટતો નથી. સનાતન પરંપરા દિવ્યતાનું શુધ્ધ વિજ્ઞાન છે. બહાર ઓછી અને આંતરિક યાત્રા વધારે છે. ખુદનો ઝળહળાટ ખુદે જ સર્જવાનો હોય છે. આ માટે પરમતત્વની કૃપા પ્રાપ્ત થાય છે. પણ કૃપા માટે લાયક બનવું પડે છે. આ માટે અંતરની યાત્રા કરવી પડે છે.
આ સમગ્ર યાત્રામાં ગુરુની ભૂમિકા માઇલસ્ટોન જેવી હોય છે. ગુરુ માર્ગ દેખાડે, પણ ચાલવાનું શિષ્યએ જ હોય છે. આ ભૂમિકા ભજવવા માટે પણ ગુરુ આધ્યાત્મિક માર્ગે ચાલેલા હોવા જોઇએ. આપણે માત્ર ધાર્મિકતામાં જ છબછબિયા કર્યા કરીએ છીએ. આવું શા માટે થાય છે?
ગુરુની સફર આધ્યાત્મિકતા તરફ થાય અને પરમતત્વનો સ્પર્શ થાય તો જ કૂવામાં સરવાણી ફૂટે અને અવેડાને આશા બંધાય. વર્તમાન સમયમાં મોટાભાગે ધાર્મિકતા અનરાધાર વરસે છે. પણ કૂવા કોરા રહે છે. આ કારણો સાક્ષાત દર્શન બાદ પણ ધન્યતાનો ઝળહળાટ થતો નથી. કથાકારોથી માંડીને ઘણા ગુરુ બની બેઠા છે. આવા ગુરુઓ, શિષ્યો અને ભકતોની સમૃધ્ધિથી પોતાનું જીવન ભોૈતિકતાથી ઝળહળવતા હોય છે.
ગુરુ આગળ એક શબ્દ વપરાય છે. સદ્. સદ્ગુરુ સમર્થ હોય છે. આવું વંદનીય તત્વ કયાંક ધબકતું હશે. ઘણાં ભકતો- શિષ્યો આંતરિક યાત્રા માટે સમર્થ ગુરુની શોધમાં હોય છે. ભટકતા રહે છે. વાસ્તવમાં ભટકવાની જરૂર નથી. સમર્ર્થની કૃપા પ્રાપ્ત કરવાની લાયકાત કેળવી લો તો એ સદ્ગુરુ તમને શોધી લેશે.
ગુરુ પૂર્ણિમા મનોરંજન કે મોજ- મસ્તીનો ઉત્સવ નથી એ યાદ રાખજો.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
