તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
ગોરવ ભારતને નહિ, ટેસ્લાને થવું જોઇએ
કોઇપણ બ્રાન્ડ દેશ કરતા મોટી ન હોય : ટેસ્લાને વિશ્વના સોૈથી વિરાટ માર્કેટમાં પ્રવેશ મળ્યો
વૈશ્વિકસ્તરે ઇલેકટ્રીક વાહનોની મોટી બ્રાન્ડ ટેસ્લાને ભારત ખાતેનો પ્રથમ શો- રૂમ મુંબઇમાં ગઇકાલે શરૂ થયો. માર્કેટની દૃષ્ટિએ આ મોટી ઘટના છે. જોકે શો- રૂમના ઉદ્ઘાટન પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડવણીસે આપેલું નિવેદન ચિંતન કરવા જેવું છે. ફડવણીસે જણાવ્યું હતું કે, ‘‘ મને ગર્વ છે કે, ટેસ્લા ભારતમાં પ્રથમ કદમ મુંબઇમાં મૂકયા છે.''
આ નિવેદન થોડું વધારે પડતું છે. ટેસ્લા વિરાટ અને પ્રતિષ્ઠિત કંપની જ છે. પરંતુ ભારત પણ સામાન્ય નથી. ભારત વિશ્વની સોૈથી મોટી માર્કેટ ધરાવે છે. મુંબઇ દેશની આર્થિક રાજધાની છે. ઉપરાંત ભારતમાં ઇલે.વાહનો બનાવતી કંપનીઓની અછત નથી. આ સ્થિતિમાં ટેસ્લા ભારતમાં પ્રવેશ કરે એ ટેસ્લા કંપની માટે ગોૈરવની બાબત ગણાય ભારત માટે નહિ.
ભારત દેશ કોઇ બ્રાન્ડ માટે તડપતો નથી, દરેક બ્રાન્ડ માર્કેટ માટે તડપતી હોય છે. બ્રાન્ડને વિશ્વનું વિરાટ માર્કેટ મળે એ બ્રાન્ડનું ગોૈરવ ગણાય. ટેસ્લા જેવી બ્રાન્ડ ભારતમાં આવે તો દેશ માટે આનંદની બાબત છે. પરંતુ ટેસ્લા વગર ભારતીય અર્થતંત્રમાં અંધારા પથરાઇ જાય તેવું નથી.
જો કે ભારતીયો હજુ ગુલામીની માનસિકતામાં જીવે છે. મહારાષ્ટ્ર જેવા રાજયના મુખ્યમંત્રી પણ મુંબઇની માર્કેટ કરતા ટેસ્લા મહાન સાબિત થાય તેવા અર્થવાળા નિવેદનો આપે છે.
વિદેશથી આવે તો સારૂ હશે, પરંતુ એ જ સારૂ છે તેવી માનસિકતા સારી નથી. ભારતમાં પણ વિશ્વની સર્વોતમ પ્રોડકટ્સ આપવાની ત્રેવડ છે. પરંતુ આ માટે માહોલનો અછત છે. ઉધોગકારોને વિચિત્ર નીતિઓ તથા સામાજિક માહોલની ચિંતા વધારે રહે છે. ઉધોગને અનુકુળ માહોલ પૂરો પાડવામાં આવે તો ટેસ્લા પણ હાંફી જાય તેવી પ્રોડકટ્સ શકય છે. જોકે ભારતમાં સરકારોને સેવા કરવાને બદલે ધંધો કરવામાં વધારે રસ પડે છે. બધા ઉપરથી નીચે સુધી સતાવાર અને બિનસતાવાર રીતે પૂછે છે. મારા કેટલા ટકા ?
આટલી પ્રતિકૂળતા છતા ભારત આર્થિક પ્રગતિ કરીને ચીનને હંફાવી રહ્યું છે. સ્થાનિક ઉદ્યોગકારોનું ગોૈરવ લેવાને બદલે સરકારો ટેસ્લા સામે મુજરા કરતી રહે છે. ટેસ્લાને ભારત આવીને આનંદ થતો હશે. પરંતુ ભારતના માર્ગોને સહન કરવા ટેસ્લાના વાહનો સક્ષમ છે ?
જે હોય તે પણ ભારતના વિરાટ અર્થતંત્રની નોંધ ચીન- અમેરિકાએ લેવી પડે છે. આ ભારતની તાકાત છે. ભારતની સ્થાનિક માર્કેટ અને ખૂણે- ખૂણે પથરાયેલા નાના- મોટા ઉત્પાદકોના કારણે અર્થતંત્ર મજબૂત છે. ટેસ્લાનું સ્વાગત છે. પણ દેશ માટે તે ગોૈરવ નથી જ.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
