<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

વિપક્ષની કુંડળીમાં હઠાગ્રહ કૃર !

સરકારને ઘેરવાના મુદ્દા અધધધ, પરંતુ વિપક્ષની એકતા અરરર...

છત્તીસગઢના પૂર્વ મુખ્‍યમંત્રી અને કોંગ્રેસના નેતા ભૂપેશ બધેલ પર ઇડી દરોડા પડયા અને તેના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. દારૂ કોૈભાંડમાં આ કાર્યવાહી થઇ છે. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂકાંડમાં કાર્યવાહી થાય તો મોટાભાગના ભાજપી નેતાઓને અંદર કરવા પડે, પણ આવું કંઇ થતું નથી.

ભારતમાં વિપક્ષ પાસે મુદ્‌ાઓની અછત નથી. રાષ્‍ટ્રીયસ્‍તરના અધધધ મુદ્‌ાઓ છે. પણ વિપક્ષ ખુદ ભારતમાં સમસ્‍યા બનીને ઉભરી ગયો છે. લોકસભાના ચોમાસુ સત્ર શરૂ થઇ રહયું છે. સરકારને ઘેરવા આજે વિપક્ષની બેઠક યોજાઇ છે. આ બેઠકનો તૃણમુલ કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીએ બહિષ્‍કાર કર્યો છે.

વિપક્ષની કુંડળી જુઓ તો ખ્‍યાલ આવશે કે, છેલ્લા દોઢ દાયકાથી વિપક્ષને હઠાગ્રહ નડી રહયો છે. દેશમાં ભાજપ તથા એનડીએ વિરોધી પક્ષો ઘણાં છે. પણ મુખ્‍ય વિપક્ષ કોંગ્રેસ જ છે. કોંગ્રેસ રાષ્‍ટ્રીય પક્ષ છે અને દેશભરમાં તેનું નેટવર્ક છે. વિપક્ષનો મોભી પક્ષ કોંગ્રેસ જ ગણાય. કોંગ્રેસે હઠ પકડી છે. આ પક્ષ રાહુલ ગાંધીને અપ કરવામાં પતી ગયો છતાં હજુ રાહુલ જ સર્વેસર્વા છે. બે દાયકાથી રાહુલ પાવર સાથે રાજનીતિમાં છે. પણ કોંગ્રેસના પતન સિવાય તેના નામે કોઇ સિધ્‍ધિ નોંધાઇ નથી. સ્‍વભાવિકપણે રાહુલનું નેતૃત્‍વ અન્‍ય વિપક્ષોને અનુકુળ ન જ હોય. કોંગ્રેસ રાહુલને જ આગળ કરવાની હઠ પકડીને બેઠી છે. તેથી રાષ્‍ટ્રીયસ્‍તરે વિપક્ષની એકતા શકય નથી અને ભાજપને મોજે દરિયા થઇ ગયા છે.

દેશમાં બિહામણા પ્રશ્નો અસંખ્‍ય છે, પણ રાહુલની નજર સીમિત છે.  રાષ્‍ટ્રીયસ્‍તરના પ્રશ્નો બાજુએ રાખીને બનેવી રોબર્ટ વાઢરાની સંપતિ જપ્‍ત થઇ તે અંગે દુઃ ખ વ્‍યકત કરીને રાહુલે જણાવ્‍યું કે, બનેવીને ૧૦ વર્ષથી હેરાન કરવામાં આવે છે !

રાહુલની માનસિકતા પારિવારિક અને સીમિત વિચાર ધારામાંથી બહાર આવતી નથી. તેઓ રાષ્‍ટ્રીયસ્‍તરના નેતા છે. પણ રાષ્‍ટ્રીયસ્‍તરનો અવાજ બની શકયા નથી. આવા નેતા ને કોંગ્રેસ પોતાના નેતા બનાવે એ તો સમજયા, વિપક્ષના મહાગઠબંધનના નેતા તરીકે પણ રાહુલને જ આગળ કરે છે.

આ બાબત કેજરીવાલ, મમતા સહિત ઘણાં નેતાઓને અનુકુળ નથી. આ કારણે વિપક્ષમાં સ્‍પર્ધાત્‍મક માહોલ છે. વિપક્ષ અંદરો-અંદર બઘડાટી બોલાવે તે સરકાર માટે શ્રેષ્‍ઠ સ્‍થિતિ ગણાય. આ કારણે પણ મોદી સરકાર ટનાટન છે.

વિપક્ષને ગોથે ચઢેલો રાખવાની આ ભાજપની નીતિ હોય તો રાજકીય દૃષ્‍ટિએ મસ્‍ત ગણાય, પણ રાષ્‍ટ્રીય દૃષ્‍ટિએ ખુબ જ નુકસાનકારક છે. લોકશાહીમાં મજબૂત શાસક અને શકિતશાળી વિપક્ષ હોવા જોઇએ.

(11:22 AM IST)