News of Tuesday, 22nd July 2025
સિંદૂરઃ રાજકીય નહિ, રાષ્ટ્રીય મુદ્દા
દરેક બાબતે રાજકીય ચશ્મા ન પહેરાયઃ ટ્રમ્પનું ચસ્કી ગયું છે, પણ ભારતના વિપક્ષનું...
લોકસભામાં ચોમાસુ સત્રમાં રાજકીય વાદળાં ગાજવા લાગ્યા છે. દેશ સામે અસંખ્ય સમસ્યાઓ જડબાફાડીને હાહાકાર મચાવે છે. આ રિયલ પ્રશ્ને સંસદ ધણધણવી જોઇએ. સરકાર માટે કઠીન સ્થિતિ વિપક્ષે સર્જવી જોઇએ. રિયલ મુદ્દા રાજકીય બનવા જરૂરી છે.
જો કે ભારતમાં રાજકીય સમજદારીનો સંપૂર્ણ અભાવ દેખાઇ રહ્યો છે. રાષ્ટ્રહિત અને રાજકીયહિત વચ્ચે કોઇને તફાવત દેખાતો નથી. સંસદમાં વિપક્ષ સાથે મળીને ઓપરેશન સિંદુર બાબતે અવાજ ઉઠાવે છે.
સિંદૂર પ્રકરણ દેશનું ગૌરવ છે. ત્રાસવાદી હુમલાનો બદલો લેવા ભારતે પ્રથમ વખત પાકિસ્તાન પર મિસાઇલમારો કર્યો હતો. આ અભિનંદનીય અને ગૌરવવંતુ પરાક્રમ જ ગણાય. તેની સામે પ્રશ્નો સર્જવા એ દેશના દુશ્મનોને સહાયક બનવા જેવું ગણાય.
મગજ વગરના અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વારંવાર નિવેદનો બદલીને - નિવેદનો કરીને બકવાસ કરે છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે મેં યુધ્ધવિરામ કરાવ્યું. ટ્રમ્પ ખુદ આ નિવેદન અંગે રદિયો આપે છે અને ફરી શાંતિ સ્થાપ્યાનો દાવો કરે છે. ટ્રમ્પના વિચિત્ર વલણથી અમેરિકાની આબરુ દાવ પર લાગી છે. ટ્રમ્પ આવું શા માટે કરે છે ? અમેરિકા સાથે ભારતની વ્યાપાર ડી મંત્રણા ચાલી રહી છે. ભારતે આ અંગે આક્રમક વલણ રાખ્યું છે. આ કારણે અમેરિકાને પેટમાં દુખે છે. ટ્રમ્પ મોદીજીને નીચા દેખાડવાના પ્રયાસ રૂપે આડેધડ દાવા કરે છે.
આ બાબતે રાજનીતિને દૂર રાખીને દરેક ભારતીયે અમેરિકા-ટ્રમ્પ સામે નિવેદનો કરીને દેશને મજબૂત સાબિત કરવો જોઇએ. આ રાષ્ટ્રનીતિનો મુદ્દો છે. જો કે ઓપરેશન સિંદૂર મામલે રાજનૈતિક ખેલ ચાલી રહ્યા છે.
વિપક્ષ એક બનીને ટ્રમ્પના દાવા અંગે સરકાર પાસેથી જવાબ માંગે છે. ટ્રમ્પના મિશનમાં વિપક્ષ સામેલ હોય તેવું ચિત્ર ઉપસતું નથી ? આ ઉપરાંત સરકાર વિરોધી લોકો પણ સોશિયલ મીડિયામાં ઓપરેશન સિંદૂર અંગે મજાક ઉડાવવા લાગ્યા છે. રાષ્ટ્રીય અને રાજકીય બાબતો અંગે દેશમાં સમજદારીનો પૂર્ણ અભાવ છે.
અહીં સરકારનું સમર્થન કરવાનો આશય નથી, દેશનું સમર્થન કરવું દરેક ભારતીય માટે જરૂરી જ હોય છે. સરકારનો વિરોધ કરવા માટે રિયલ મુદ્દા ની અછત નથી. ભાંગેલા-તૂટેલા માર્ગો, અન્યાયકારી ટોલટેકસ નીતિ, વિચિત્ર જીએસટી નીતિ, કરવેરાની આવકનો દુરુપયોગ, રાષ્ટ્રીય અંધાધુંધી વગેરે અંગે સરકારની ઊંઘ હરામ થવી જોઇએ.
વિપક્ષને અને સરકાર વિરોધી લોકોને રાષ્ટ્રહિતના મુદ્દા જ વિરોધ માટે દેખાય છે. આવા લોકોના કારણે ટ્રમ્પ. પાકિસ્તાન અને ભારતના દુશ્મનો ખુશ થાય છે. ત્રેવડ હોય તો રિયલ મુદ્દે મોદિત્વનો વિરોધ કરી દેખાડો. રિયલ મુદ્દા ઉકેલાશે તો દેશ મજબૂત બનશે.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
