<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

ધનખડ પ્રકરણ : રહસ્‍ય-રોમાંચ

ઉપરાષ્‍ટ્રપતિનું રાજીનામું રસપ્રદ બન્‍યું: નવા સમીકરણો ગોઠવાશે

જગદીપ ધનખડ એટલે ભાજપના વરિષ્‍ઠ અને રાજકીય તાકાતથી વજનદાર નેતા. આ નેતાએ સામાન્‍યથી અસામાન્‍ય પ્રગતિ કરી છે. રાજસ્‍થાનના ગામડાના સામાન્‍ય નાગરિકથી તેઓએ વકીલ,ધારાસભ્‍ય, સાંસદ,પ્રધાન,રાજયપાલ અને ઉપરાષ્‍ટ્રપતિપદ સુધીની સફર કરી. ધનખડે અચાનક ઉપરાષ્‍ટ્રપતિ પદેથી રાજીનામું આપી દેતા રાજનૈતિક ગરમાવો સર્જયો છે.

સત્તાવાર રીતે  આરોગ્‍ય સારૂ ન હોવાનું કારણ જણાવ્‍યું છે. પણ વિપક્ષને અને રાજકીય સમીક્ષકોને આ કારણ ગળે ઉતરતું નથી. બે દિવસથી ધનખડ પ્રકરણે રહસ્‍ય-રોમાંચ સજર્યો છે.

વિપક્ષ ટોણા મારતા કહે છે કે, ભાજપમાં અને મોદી સરકારમાં કંઇક રંધાઇ રહયું છે. આ સામે ભાજપ લગભગ મોૈન જેવો બની ગયો છે. મોદીજીએ ધનખડને સ્‍વાસ્‍થ્‍ય સારૂ રહે તેવી શુભેચ્‍છા આપીને પ્રકરણ પુરૂ કરી દીધું છે.

રાજકીય સમીક્ષકોનો એક વર્ગ એવું માને છે કે, બિહારની ચૂંટણી પૂર્વે નીતિશકુમાર નામની નડતરને ઉપરાષ્‍ટ્રપતિપદે ગોઠવીને ઠેકાણે પાડવા આયોજન થયું છે. જો કે નીતિશતંત્ર આવી શકયતાને ફગાવી દે છે.આ કારણે ધનખડ પ્રકરણનું રહસ્‍ય ઘેરું બન્‍યું છે.

સમીક્ષકોનો એક વર્ગ એમ માને છે કે, ભાજપની અને સરકારની લીટી મોદીજીએ કંડારી છે. આ લીટીથી દુર જાય તે નેતા પદ પરથી આઉટ થઇ જાય છે. ધનખડ સ્‍વભાવે આકરા હતા. રાજયપાલપદથી  માંડીને ઉપરાષ્‍ટ્રપતિપદમાં ધનખડ ‘‘લીટી''થી દુર થયા હતા. આ કારણે કટાણે પદ પદ છોડવું પડયું છે.

કેન્‍દ્રમાં મોદી સરકાર રચાઇ ત્‍યારથી અત્‍યાર સુધીમાં અનેક ભારેખમ નેતાઓ અચાનક પદ પરથી દુર થઇ ગયા છે. આવી ઘટનાઓ બને ત્‍યારે રાજકીય હોબાળો મચી જાય, , પરંતુ નોંધવા જેવી બાબત એ છે કે, રહસ્‍યો  ધરબાઇ જાય છે. બહાર આવતા નથી. ધનખડ પ્રકરણ રહસ્‍યમય છે. પરંતુ ભેદ બહાર આવે તેમ લાગતું નથી.

ધનખડના રાજીનામાથી  નવા સમીકરણો સેટ થઇ શકે છે. નીતિશનું સેટિંગ ન થાય તો જે રાજયોમાં નજીકના સમયમાં ધારાસભાની ચૂંટણી આવવાની છે ત્‍યાંના નેતાને ઉપરાષ્‍ટ્રપતિપદે ગોઠવવામાં આવશે. આવા સમીકરણોમાં મોદિત્‍વ લાજવાબ છે.

ઉપરાષ્‍ટ્રપતિ અચાનક રાજીનામુ આપી દે એ સામાન્‍ય ઘટના નથી. જડતાની  રાજનીતિનું પરિણામ પણ હોઇ શકે છે. મોટા પદ પર ગોઠવાયેલા નેતાઓ સ્‍વતંત્ર રહી ન શકે તો લોકશાહી તંદુરસ્‍ત ન બને આ ગંભીર બાબત છે. પણ ભારતમાં લોકશાહીની તંદુરસ્‍તીની કોઇને પડી નથી...

(10:47 AM IST)