<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

આશીર્વાદને આફતમાં પલટવાની કલા!

ગુજરાત કોંગ્રેસની ગાડી ખુદ રાહુલ આડા પાટે ચઢાવે છેઃ આશીર્વાદ જેવા રિયલ મુદ્‌્‌ા છે, પણ ધરાર ગતકડાં થોપે છે...

  ગુજરાતના વર્તમાન શાસકોને સંઘર્ષ કર્યા વગર સત્તા મળી ગઇ છે તેથી તેને શાસનની ગંભીરતાનો ખ્‍યાલ નથી. શાસકો શાસન માટે સમર્થ પણ લાગતા નથી. ગુજરાતના ભાજપીઓ મોટી-મોટી વાતો કરે છે, પણ નાના-નાના કામ કરી દેખાડવાની ત્રેવડ નથી. આ કારણે ગુજરાત પર મોટું સંકટ સર્જાઇ ગયું છે. રાજયમાં સર્વત્ર સ્‍થાનિકથી માંડીને રાજયસ્‍તરના નેતાઓ સુધી વ્‍યાપક નારાજગી ફેલાયેલી હોવાનું ચર્ચાય છે.

આ સ્‍થિતિ વિપક્ષ માટે આશીર્વાદરૂપ ગણાય. ગુજરાતમાં કોંગ્રેસના આંગણે ૩૦ વર્ષથી સત્તાનો દુષ્‍કાળ ચાલી રહ્યો છે. આ દુકાળ દૂર કરવા કોંગ્રેસ પાસે ખૂબ જ મોટી તક છે. લોકોમાં શાસકો પ્રત્‍યે કુદરતી નારાજગી છે. ભાજપી નેતાઓમાં આ સ્‍થિતિ અંગે ગંભીરતા નથી એ બાબત પણ વિપક્ષની તરફેણમાં ગણાય.

ગુજરાતમાં રાષ્‍ટ્રીયસ્‍તરના આંતરરાષ્‍ટ્રીય સ્‍તરના પડકારો બિહામણા બન્‍યા છે. સ્‍થાનિકથી માંડીને રાજયસ્‍તરનાં પ્રશ્નો શાસકોની કાબૂ બહારના બન્‍યા છે. આ તમામ સ્‍થિતિનો લાભ લેવા કોંગ્રેસે ગુજરાતમાં પોતાની અનિવાર્યતા જ સાબિત કરવાની છે.

આવું કંઇ કરવાને બદલે કોંગ્રેસના યુવરાજ ધરાર પક્ષ માટે આશીર્વાદરૂપ સ્‍થિતિને આફતમાં પલટવાના ખેલ કરે છે. ગુજરાતમાં રિયલ પ્રશ્નોને ઉજાગર કરીને તાકાત દેખાડીને લોકોનો વિશ્વાસ જીતવાની નીતિ જ પક્ષની હોવી જોઇએ. રાહુલ ગાંધી પોતાની વિચિત્ર વિચારધારા અને પુરાવા વગરના આક્ષેપોની પરંપરા ચલાવીને કોંગ્રેસને ગુજરાતમાં અછૂત જેવી  બનાવી રહયા છે.

ગુજરાતમાં ચુંટણીમાં પરાજીત થવા માટે રાહુલ ચુંટણી પંચ પર આક્ષેપો કરે છે. આવા આક્ષેપો કરવાનો મતલબ નથી. કોંગ્રેસની નબળાઇ દૂર કરવામાં જ શકિત વાપરવી જોઇએ. બીજી તરફ રાહુલ ગાંધી ભાજપને પાડી દેવા માટે હિન્‍દુત્‍વમાં ફાટા પડાવવાનો પ્રયાસ કરે છે. પાંચ વર્ષથી રાહુલ આવા પ્રયાસો કરે છે, પણ નિષ્‍ફળ રહયા છે. ગુજરાતમાં વિચારધારાનો ઠોકવ્‍યાપ સ્‍ટ્રોંગ છે, કોંગ્રેસ આવા ગતકડામાં પડવાને બદલે લોકોના પ્રશ્ન પર જ ફોકસ કરીને રાજયવ્‍યાપી તાકાતનું પ્રદર્શન કરી દેખાડવાની જે રણનીતિ હોવી જોઇએ.

નરેન્‍દ્ર મોદી આફત જેવી સ્‍થિતિને આશીર્વાદમાં પલટવાની માસ્‍ટરી ધરાવે છે,  રાહુલ ગાંધી પક્ષ માટે આશીર્વાદ જેવા માહોલને ધરાર આફતમાં પલટવાની જીદે ચઢયા છે. ગુજરાત કોંગ્રેસ પર દયા આવે છે. રાહુલ ગાંધી ખુદ જીતી શકતા નથી, તેમણે જીતવા માટે યુપી છોડીને કેરલ જવું પડે છે. આવા નેતાના સહારે ગુજરાતમાં લડવાનું છે. રાહુલ ગાંધી રાજનીતિના મોટા કલાકાર છે, કોંગ્રેસ માટે શ્રેષ્‍ઠ સ્‍થિતિ બની છે તેને અતિ કઠીન સ્‍થિતિ બનાવી દેવાની કલા રાહુલ જાણે છે !

(11:17 AM IST)