<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

પ્રસારણ દિવસ... મિશન વિવરિંગ!

અફવા-માહિતી-વિચારો- કુવિચારોનું આક્રમણઃ રાષ્‍ટ્રીય નીતિ-મીડિયા તથા સોશિયલ મીડિયા સેન્‍સનો અભાવ...

 


આજે રાષ્‍ટ્રીય પ્રસારણ દિવસ છે. ૧૯ર૭ માં આ દિવસે ભારતીય બ્રોડકાસ્‍ટિંગ કંપની દ્વારા પ્રથમ રેડિયો પ્રસારણ શરૂ થયું હતું. પ્રસારણ ક્ષેત્રે આ ક્રાંતિ હતી. ભારતે વિજાણુ માધ્‍યમના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. ત્‍યારથી રાષ્‍ટ્રીય પ્રસારણ દિવસ ઉજવાય છે.

પ્રસારણ શબ્‍દ પ્રસારમાંથી આવ્‍યો છે. માહિતી, સમાચાર, વિચાર, મનોરંજન વગેરેને વિરાટ લોકસમુહ પાસે પહોચાડવાનું કાર્ય પ્રસાર દ્વારા થાય છે. પ્રસારથી લોક ઘડતર-જાગૃતિનું વિરાટ કાર્ય થઇ શકે છે.

ભારતમાં દાયકાઓ સુધી રેડિયાના એકચક્રી શાસન બાદ ટીવીનો પ્રવેશ થયો. ટીવી બાદ તો કોમ્‍પ્‍યુટર-મોબાઇલ-પ્રસારણ માધ્‍યમોનો રાફડો ફાટયો છે. પ્રસાર માધ્‍યમો રાષ્‍ટ્રની તાકાત ગણાય, પણ વર્તમાન સમયમાં વિજાણુ પ્રસારણ દેશની મજબૂરી બની ગઇ છે.

માહિતી-ન્‍યુઝ-મનોરંજન-વિચારો વગેરે સાથે અફવા-ગેર માહિતી-અર્ધસત્‍ય-માનસિક વિકૃતિ વગેરેનું પ્રસારણ અસંખ્‍ય માધ્‍યમો દ્વારા ર૪ કલાક ચાલી રહ્યું છે. રેડિયો-ટીવી-કોમ્‍પ્‍યુટર, મોબાઇલ ફોન વગેરેમાં બ્રેક વગરનો મારો થઇ રહયો છે. તમામ માધ્‍યમોમાં રીતસર આક્રમણ ચાલી રહયું છે.

ભારતમાં મીડિયા તથા સોશિયલ મીડિયા બાબતે સ્‍પષ્‍ટ રાષ્‍ટ્રીય નીતિનો અભાવ છે. આ ઉપરાંત દેશભરમાં વ્‍યાપકરૂપે મીડિયા-સોશિયલ મીડિયા સેન્‍સનો અભાવ છે. સમાચાર કે માહિતી સાચા કે  ખોટા, જરૂરી છે કે બિનજરૂરી છે. તેના પ્રચાર માટે યોગ્‍ય માહોલ છે કે નહિ, પ્રસાર કયા દૃષ્‍ટિકોણથી કરવો યોગ્‍ય ગણાય? આવો કોઇ જ વિચાર કર્યા વગર જે આવે તેને આગળ ધપાવી દેવામાં આવે છે. રાષ્‍ટ્રયસ્‍તરમાં મીડિયા ગૃહોમાં ન્‍યૂઝ સેન્‍સનો અભાવ હોવાનું તેની ચેનલો સાબિત કરે છે. આનાથી ખરાબ દશા સોશિયલ મીડિયાની છે. કોઇ જ પ્રકારનો વિચાર કર્યા વગર કરોડો યુઝર્સ ક્ષણે-ક્ષણે કરોડો પોસ્‍ટનું પ્રસારણ કરી રહયા છે.

પ્રસારણના મુખ્‍ય ઉદ્‌ેશો લોક જાગૃતિ, લોક ઘડતર, માહિતી, મનોરંજનનું હોય છે. વર્તમાન પ્રસારણ માધ્‍યમોની દશા જોતા એવું તારણ નીકળે છે કે, આ મહાટોળાનું ‘‘મિશન વિવરિંગ'' ચાલી રહયું છે. પ્રસારણ માધ્‍યમોની તાકાત-તેની જવાબદારી તથા માધ્‍યમોની અસર-આડઅસર વગેરે બાબતોનો કોઇને ખ્‍યાલ હોતો નથી અને મીડિયા-સોશિયલ મીડિયા ૩૬૫ દિવસ ૨૪ કલાક મંડાઇ પડયા છે. આ માહોલમાં શ્રેષ્‍ઠ ટીમ મીડિયા પણ જમાતના કારણે બદનામ થાય છે.

પ્રસારણ માધ્‍યમો દેશની તાકાત છે, પણ ભારતમાં આ માધ્‍યમો થોડા દિવસ બંધ થઇ જાય તો દેશની તાકાત વધી જાય! પ્રસારણ દિને પ્રસારણોથી માથાનો દુખાવો ન થાય તેવી શુભેચ્‍છા.

(11:22 AM IST)