તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
જેઠાલાલ અટવાયા : સુંદર જોરમાં
રાહુલ ગાંધી સરકારને ઘેરી રહયા છે ત્યારે બનેવી રોબર્ટ ઇડીની ચુંગાલમાં ફસાયા : રાજનીતિના કાચ વગરના ચશ્મા !
ઉત્તમ હોય તેની પથારી કેમ ફેરવવી એ આશિત મોદી પાસેથી શીખવું પડે. નિર્દોષ કોમેડી પીરસતી ‘‘તારક મહેતા..'' સિરીયલની પથારી ફેરવીને હાસ્યાસ્પદ સિરીયલ બનાવી દીધી છે. આ કારણે રિપીટ હપ્તાની ટીઆરપી તાજા હપ્તા કરતા વધારે છે. સ્ટોરીના કંઇ ઠેકાણા નથી. અને કલાકારો અભિનયને બદલે હરકતો કરે છે.
સિરીયલના ચશ્મા ભલે ઉલ્ટા હોય, પણ રાજનીતિના ચશ્મા કાચ વગરના છે. કાચવગરના ચશ્મામાંથી હોય તેવું જ દેખાય, પણ રાજનીતિની દૃષ્ટિને આવા ચશ્મામાંથી પણ જુદા-જુદા દેખાય છે. સિરિયલમાં સાળા-બનેવી સુંદર- જેઠાલાલના પાત્રો લોકપ્રિય છે. સુંદરના કારણે જેઠાલાલ સતત હેરાન થતા રહે છે.
રાજનીતિમાં અલગ ચિત્ર છે. અહીં બનેવી જેઠાલાલના કારણે સુંદર પરેશાન થાય છે. સાળા રાહુલ ગાંધી વિપક્ષ કોંગ્રેસના સર્વેસર્વા છે. મતદાર યાદીમાં ગરબડ મામલે રાહુલ ગાંધીએ સરકારને બરાબરની ઘેરી છે અન્ય વિપક્ષોનો પણ રાહુલ ગાંધીને સહયોગ મળ્યો છે. રાહુલ સરકાર પર ત્રાટકવાની તૈયારી કરે છે.
આ સમયએ જેઠાલાલ એટલે કે રાહુલના બનેવી રોબર્ટ વાઢરા ઇડીની ચુંગાલમાં ફસાયા છે મની લોન્ડરિંગ કેસ થયો છે. જમીનની લેનદેનમાં રૂા. ૫૮ કરોડની ધોખાઘડી કરી હોવાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ થયો છે. રોબર્ટ વાઢરાની વૃતિ-પ્રવૃતિ અને પ્રગતિ શંકાસ્પદ છે. પરંતુ રાહુલ- પ્રિયંકા કે કોંગ્રેસ જયારે જોર દેખાડે ત્યારે જ વાઢરાના ગળે ગાળિયો આવે છે.
આ પ્રકારની પરંપરા કેવા સંકેત આપે છે ? કાચ વગરના ચશ્માંથી હોય તેવું જ દેખાવું જોઇએ, પરંતુ દરેકને અલગ-અલગ દેખાય છે. ભારતીયો સવા અબજથી પણ વધારે છે. પણ દરેક નાગરિક પોતાના રાજકીય સ્ટેન્ડના દૃષ્ટિકોણથી જ વિચારે છે. દેશની અબજની વસ્તીમાં દેશ માટે વિચારનાર કોણ?
વાઢરા અને ઇડીના પ્રકરણમાં આવું જ જોવા મળે છે. ઘણાં લોકો એવું માને છે, કે, રાહુલની બોલતી બંધ કરવા સરકારે વાઢરાના ગળામાં ગાળિયો નાખ્યો છે. ઘણાં એવું કહે છે કે, કોૈભાંડી વાઢરાને બચાવવા કોંગ્રેસ તરફી લોકો આવા નિવેદનો કરે છે.
સાચું શું હોય એ તો ભગવાન જાણે, પણ મોટાભાગના નિવેદનોમાં રાજકીય દૃષ્ટિકોણ જ હોય છે. માત્ર વાઢરાના જ પ્રકરણમાં નહિ, દરેક પ્રકરણમાં આવી સ્થિતિ બને છે. જે દેશ માટે નુકસાનકારક છે. રાજનીતિ માટે દેશ નથી.પણ દેશ માટે રાજનીતિ છે. આ બાબત લોકોને સમજાતી નથી. આ કારણે મોટાભાગના પ્રકરણો ભીના સંકેલાય છે.
અહીં પણ આશિત મોદી જેવું જ ચાલે છે. રાજનીતિની સ્ક્રીપ્ટ અતિશય નબળી બની ગઇ છે. નેતાઓ નેતાગીરીને બદલે હરકતો કરતા રહે છે.જેઠાલાલના ગળે ગાળિયો આવતા સુંદર ટાઢો પડી જશે. (૩.૨)
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
