<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

રાધાકૃષ્‍ણનઃ રાજનીતિમાં પણ જન્‍માષ્‍ટમી

ઉપરાષ્‍ટ્રપતિપદના ઉમેદવાર તરીકે રાધાકૃષ્‍ણનને જાહેર કરીને ભાજપે વિપક્ષને ગોટે ચટાવ્‍યા

જન્‍માષ્‍ટમીની ધામધૂમથી ઉજવણી થઇ હતી. માર્ગોથી માંડીને મંદિરો સુધી સર્વત્ર ક્રિષ્‍ન-ક્રિષ્‍નની જ ગુંજ હતી. આ સમય ગાળામાં રાજનીતિમાં પણ રાધાકૃષ્‍ણનની ગુંજ ફેલાઇ હતી. જન્‍માષ્‍ટમીમાં રજાનો માહોલ હતો, પરંતુ રાજનીતિમાં રજા જેવું કંઇ હોતું નથી. રજાના દિને નેતાઓ વધારે પડમાં આવતા હોય છે.

ઉપરાષ્‍ટ્રપતિ ધનખડને કંઇક વાંકુ પડી જતા અચાનક રાજીનામું આપીને સરકારને મુશ્‍કેલીમાં મૂકી દીધી હતી. સરકાર આફતને આશીર્વાદમાં પલટાવવામાં નિષ્‍ણાત છે.

ખૂબ વિચારણા બાદ સરકારે સી. પી. રાધાકૃષ્‍ણનને જાહેર કરીને માસ્‍ટર સ્‍ટ્રોક માર્યો છે. હાલમાં વિપક્ષ થોડો જોરમાં દેખાઇ રહ્યો છે. વોટ ચોરી મુદ્‌્‌ે ચૂંટણી પંચના શ્વાસ રૂંધાઇ રહ્યા છે. ઉપરાષ્‍ટ્રપતિપદની ચુંટણીમાં પણ જોર દેખાડી દેવા કોંગ્રેસે મન બનાવી લીધું હતું. વિપક્ષને એક કરીને સરકાર-ભાજપના ઉમેદવારને પડકારવા રણનીતિ ઘડી નાખી હતી.

ભાજપે રાધાકૃષ્‍ણનનું નામ જાહેર કરીને વિપક્ષને ગોટે ચઢાવી દીધો છે. સી. પી. રાધાકૃષ્‍ણન તાલીમનાડુના છે. તેઓ વરિષ્‍ઠ નેતા અને દરેક પક્ષોમાં બહોળો મિત્ર વર્ગ ધરાવે છે. કિશોરવસ્‍થાથી જ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક  સંઘ સાથે જોડાયેલા છે. રાજનીતિના કાવાદાવાના માહેર પણ વ્‍યકિતગત અલગ પ્રતિષ્‍ઠા ધરાવતા નેતા છે.

આ નામ જાહેર થતા જ વિપક્ષમાંથી અલગ સૂર સંભળાવવા લાગ્‍યા, જે કોંગ્રેસને અનુકુળ નથી. ડીએમકેએ પ્રથમ પ્રતિક્રિયા આપીને કહી દીધું કે, રાધાકૃષ્‍ણન શ્રેષ્‍ઠ પસંદગી છે, ઉમેદવાર, તામીલનાડુના હોવા જોઇએ. હવે ચૂંટણીને બદલે સર્વસંમતીથી રાધાકૃષ્‍ણનને મંજૂર કરવા જોઇએ.

અન્‍ય અનેક વિપક્ષે રાધાકૃષ્‍ણનની પસંદગી પર ખુશી વ્‍યકત કરી છે. ઉપરાષ્‍ટ્રપતિપદે લડી લેવાનો મૂડ અને રણનીતિ ધરાવતી કોંગ્રેસ અસમંજસમાં મૂકાઇ ગઇ છે. કોંગ્રેસના પ્રવકતાઓ કહે છે કે, આ ચૂંટણી અંગે પક્ષ બેઠક કરીને યોગ્‍ય નિર્ણય કરશે.

તામીલનાડુમાં ભાજપનું કંઇ ઉપજતું નથી. ભાજપે ખૂબ જ પ્રયાસો કર્યા, પણ મતદારો તરફથી કંઇ રિસ્‍પોન્‍સ મળ્‍યો નથી. તારણ ભાજપે એવું કાઢયું કે, તામીલનાડુના લોકો રાજનૈતિક ભાવનામાં વહેતા નથી. ભાવનાત્‍મક મુદ્‌્‌ાઓથી મત મળતા નથી. ગુજરાત જેવા રાજયોમાં હિન્‍દુત્‍વ-મોદીત્‍વના નામે દાયકાઓ સુધી મત મળતા રહે છે, પણ તામીલનાડુમાં ભાજપને આ મામલે નિષ્‍ફળતા મળી છે. આ કારણે તામીલ મતદારોને રીઝવવા પ્રથમ લાભ આપવાની નીતિ ભાજપે અપનાવી છે અને રાધાકૃષ્‍ણનને ઉમેદવાર બનાવવાનો પ્રયોગ કર્યો છે.

ભાજપનો આ પ્રયોગ રાષ્‍ટ્રીય રાજનીતિમાં સટીક દેખાઇ રહ્યો છે. તામીલનાડુમાં સફળ છે કે નહિ, તે ભવિષ્‍યમાં નકકી થશે. ગુજરાત જેવા રાજયોએ તામીલનાડુના લોકો પાસેથી કંઇક શીખવું જોઇએ તેમ નથી લાગતું...?

(11:26 AM IST)