News of Monday, 25th August 2025
રાજકીય સમીકરણો ઉથલપાથલ
રાજય-દેશમાં મોટાપાયે નવા-જૂનીઃ શાસક વિપક્ષ બંને ગડમથલમાં
નરેન્દ્રભાઇ મોદી ગુજરાત આવી રહયા છે. ગુજરાતમાં સરકારી પ્રભાવ જરા પણ રહયો નથી. મોદીજી ગુસ્સામાં હોવાનું સુત્રો જણાવે છે. ગુજરાતમાં નેતાગીરીથી માંડીને ભાજપના સંગઠનમાં મોટાપાયે ફેરફારો થઇ શકે છે. તેવું જાણકારો માની રહયા છે. ગુજરાતમાં જવાબદાર-નિર્ણાયક અને પરિણામલક્ષી સરકારની જરૂર છે.વર્તમાન શાસકોથી ગલીનું કૂતરું પણ ડરતું નથી.
જો કે મોદીજી સામે પડકારો ઓછા નથી. ગુજરાત અંગે નિર્ણય કરીને અન્ય સમીકરણો પણ સેટ કરવા પડશે.
મોદી સરકારે દેશના અને વિદેશના પડકારો સામે લડવાનું છે. ટ્રમ્પ બેફામ બન્યા છે. ભારત વિરૂધ્ધ ધડાધડ પગલા લે છે. ટ્રમ્પનું સમીકરણ ભારતના વિપક્ષ સાથે સેટ થઇ ગયું હોય તેમ બંનેના એજન્ડા સમાંતર ચાલે છે.
રાહુલ ગાંધીનો વોટચોરી મુદ્ો ગરમ થઇ રહયો છે. પંચ અને ભાજપે કંઇક કરી દેખાડતું પડશે. માત્ર નિવેદનો કે સ્માર્ટવર્કથી કંઇ વળે તેમ નથી. રાહુલના વોટચોરી મામલે એન.ડી.એ. માં પણ મનોમંથન થયું છે. એવી માહિતી પણ મળે છે કે, નીતિશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુ મોટી નવા જૂની કરવાના મૂડમાં છે. ભાજપ સાથે છેડો ફાડીને આગળ વધવા અંગે ગંભીરતાથી વિચારણા કરે છે.
જો કે વિપક્ષમાં પણ બધું બરાબર દેખાતું નથી. વિપક્ષ રાજનીતિ રાહુલ ગાંધી કેન્દ્રિત થઇ ગઇ છે. આ બાબત ઘણાને મંજૂર નથી. તાજેતરમાં સરકારે મુખ્યમંત્રીથી માંડીને વડાપ્રધાન સુધીના નેતાઓ જેલમાં જાય તેવો કાયદો ઘડયો છે. આ કાયદાનો કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ધમધોકાર વિરોધ કર્યો હતો.
આ અંગે બનનારી કમિટીમાંથી પહેલા મમતા બેનરજી છટકયા, બાદમાં અખિલેશ યાદવ અને હવે કેજરીવાલ પણ છટકી ગયા છે. કોંગ્રેસ એકલા જેવી થઇ ગઇ છે.
વિદેશી રાજકીય સમીકરણો, દેશના સમીકરણો અને ગુજરાતના સમીકરણોમાં મોટાપાયે ફેરફારો થઇ રહયા છે. રાજકીય ઉથલપાથલનો દોર શરૂ થયો છે. આગામી ચાર- છ મહિના દેશ દુનિયા અને ગુજરાત માટે નિર્ણાયક બનવાના હોય તેમ લાગે છે.
જયોતિષીઓ પણ કહે છે કે, આગામી દિવસોની ગ્રહોની ગતિવિધિ રાજનીતિમાં તીવ્ર અસર કરી શકે છે. આ આગાહી સાચી પડવાના સંજોગો બની રહયા છે. બની બેઠેલા જયોતિષીઓ મીડિયામાં છવાયેલા રહે છે. તેઓની આગાહીઓમાં ઠેકાણા હોતા નથી. પણ કયારેક ગતકડાં પણ સાચા પડી જતા હોય છે.
રાજકીય ઉથલપાથલમાં ગુજરાતમાં નિર્ણાયક કદમ જરૂરી છે. ભાજપના સંગઠન અને સરકારમાં ઠેકાણા રહયા નથી. અન્ય પક્ષોમાંથી ભાજપમાં ઘુસી ગયેલા નેતા-નેતીઓ પણ ઉફાણે આવ્યા છે. વિચારધારા જેવું કંઇ રહયું નથી. સરકારમાં ગોઠવાઇ ગયેલાનું કંઇ ઉપજતું નથી. ભાજપ માટે ગુજરાત પાવરહાઉસ જેવું છે. ગુજરાતમાં જ બગડતી સ્થિતિને મોદીજીએ ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે. ગુજરાત હાથમાંથી જાય તો દેશ દુનિયામાં ભાજપની આબરૂ જશે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
