હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વ્યાપાર પ્રોત્સાહન નીતિ અનિવાર્ય
GST અનુકુળતા આવકાર્ય, પણ વ્યાપાર-ઉદ્યોગને ગુન્હાના દૃષ્ટિકોણથી જ શા માટે જોવામાં આવે છે?
ડોનાલ્ડ ટ્રમ્પનું ચસ્કી ગયું છે. અમેરિકા વગર દુનિયા ચાલી જ ન શકે, તેવા શેખચલ્લી વિચારના કારણે ટ્રમ્પ હાસ્યાસ્પદ સાબિત થઇ રહ્યા છે, છતાં હજુ ટેરિફના ગતકડાં ચલાવીને દુનિયાને દબાવી દેવાના સ્વપ્ન જુએ છે.
ભારત પર અમેરિકાના તોતીંગ ટેરિફની કોઇ ખાસ અસર માર્કેટમાં દેખાતી નથી. ટેરિફ આફતને ટાળવા મોદી સરકાર પરિણામલક્ષી સક્રિયતા દર્શાવે છે. નવા વ્યાપાર સંબંધો સ્થપાઇ રહ્યા છે. આ ઉપરાંત GSTમાં પણ ખૂબ રાહત જાહેર થઇ રહી છે.
આવા પગલાં આવકાર્ય છે. GST માળખામાં સુધારા પણ યોગ્ય કદમ છે. જો કે આર્થિક જગતની મુખ્ય સમસ્યા તરફ કોઇનું ધ્યાન કેન્દ્રિત નથી. ભારતમાં કૃષિક્ષેત્ર શુધ્ધ વ્યવસાય બની ગયું છે, છતાં તેને અધધધ સહાય-પ્રોત્સાહન-સુવિધા પ્રાપ્ત થાય છે. પાક નિષ્ફળ જાય તો પણ સરકાર ખોટ ભરપાઇ કરે છે.
સામે અન્ય વ્યાપાર-ઉદ્યોગ જગત અર્થતંત્રની ધરીને ગતિમાન રાખે છે. અકલ્પનીય વેરા ચૂકવે છે, આ ક્ષેત્રને પ્રોત્સાહ્ન તો દૂરની બાબત છે, સરકાર વ્યાપાર-ઉદ્યોગને ગુન્હાહિત પ્રવૃત્તિના દૃષ્ટિકોણથી જ જુએ છે. વ્યાપાર-ઉદ્યોગ જગત માટે સરકારી નીતિ અને નિયમો અજગર ભરડા જેવા સાબિત થઇ રહયા છે. અનેક પ્રકારની સરકારી એજન્સીઓ મનફાવે ત્યારે દરોડા પાડે છે. વ્યાપાર-ઉદ્યોગ જગતે ફફકતા રહેવું પડે છે. નીતિ-નિયમો એટલાં વિચિત્ર અને ગુંચવણવાળા છે કે, પ્રામાણિક રહેવું લગભગ અશકય જેવું છે. આ કારણે સેટિંગ માર્કેટ ગરમ રહે છે.
સૌથી વધારે વેરા ચુકવતા વ્યાપાર-ઉદ્યોગજગતને પ્રોત્સાહિન આપવાને બદલે પ્રોફેશનલ બની ગયેલી સરકારો પ્રાથમિક સુવિધા પણ આપી શકતી નથી. રાજકોટના અર્થતંત્રની ધરી જેવા વિસ્તાર શાપર-વેરાવળના આંતરિક માર્ગોના દર્શન કયારેક કરજો...
લોકડાઉનથી માંડીને ટેરિફવોર જેવા સમયમાં વ્યાપાર-ઉદ્યોગના અનેક ક્ષેત્રો અકલ્પનીય નુકશાની ખમે છે. ઘણી કંપનીઓ પેઢીઓ માટે અસ્તિત્વનો પણ પ્રશ્ન પણ સર્જાય છે, તોતીંગ વેરા ઉઘરાવતી સરકાર આવી કંપની-પેઢીને વિશેષ સહાય કે પ્રોત્સાહન ન આપી શકે ? કૃષિક્ષેત્રે સરકારો તુરંત કથ્થક કરવા લાગે છે, કારણ કે આ ક્ષેત્ર સંગઠિત છે અને શકિતનો પરચો પણ દેખાડી શકે છે.
વ્યાપાર-ઉદ્યોગના સંગઠનો મોટા ભાગે સરકારી ઢોલકા જેવા બની ગયા છે. હોદેદારો વાહવાહી કરીને વ્યકિતગત સ્વાર્થ રાખી લે છે. વ્યાપાર-ઉદ્યોગક્ષેત્રને તીવ્રતમ અન્યાય છતાં સંગઠનો લડત આપવાની વૃતિ રાખતા નથી. રાજકોટના વ્યાપાર-ઉદ્યોગ સંગઠનો તો માંગણી અંગે રજૂઆતો કરીને પોતાની ફરજ પુરી કરી દે છે. આ કારણે સૌથી વધારે વેરા ચુકવતુ વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્ર સૌથી વધારે ફફડી રહયું છે.
સરકારે સકારાત્મક બનીને નીતિ અને નિયતોમાં આમુલ પરિવર્તન લાવવું જરૂરી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
