News of Tuesday, 30th September 2025
વૈશ્વિક રાસડામાં વિચિત્ર ખેલૈયા
ટ્રમ્પની ચાબખીથી બલુચીસ્તાનમાં મોટી નવા જૂની થશેઃ શાહબાઝે બેસુરા પીપૂડા વગાડયા
આદ્યશકિતમાં અંબિકે શત્- શત્ તુજે પ્રણામ... આસો નવરાત્રીની આઠમનું અનોખુ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, આજે દેવીશકિત કોઇને કોઇ રૂપમાં પરચો દેખાડે છે. વર્તમાન દેશની સ્થિતિ એવી છે કે, મહાશકિતનો પરચો અનિવાર્ય છે.
નકારાત્મક શકિતઓ ઉફાણે આવી છે. વિચિત્ર પ્રકારના બેનર્સ લઇને ધાર્મિક ઉન્માદ સર્જે છે. દેશની આંતરિક સ્થિતિ તનાવપૂર્ણ છે. સાથે આંતરરાષ્ટ્રીય માહોલ પણ ગજબનો બન્યો છે.
વૈશ્વિક રાસોત્સવમાં વિચિત્ર ખેલૈયાઓ મેદાનમાં ખેલ કરી રહયા છે. ટ્રમ્પના નામનો ખેલૈયો ભૂરાયો થયો છે. તેની-વૃતિ-પ્રવૃતિ દુનિયા આખીને રાસડા રમવા મજબૂર કરે છે.
ટ્રમ્પ નામના ખેલૈયાએ ભારત- ચીનને સાણસામાં લેવા ખૂબ પ્રયાસ કર્યા, પણ મનની મુરાદ પૂરી ન થતા ટ્રમ્પે હવે પાકિસ્તાન નામની કઠપૂતળીને મેદાનમાં લાવીને ખેલ આદર્યા છે.
ભૂખ ભેગું થયેલું પાકિસ્તાન એવું ઢોલકું બની ગયું છે કે, તેને મનફાવે તેમ વગાડી શકાય છે. ટ્રમ્પે પાકિસ્તાની ઢોલકા શાહબાજ શરીફ અને મુનીર ને વગાડવાનું શરૂ કરી દીધું છે. ટ્રમ્પની નજર પાકિસ્તાનના બલુચીસ્તાન વિસ્તાર પર મંડાઇ છે. ત્યાં રેર ખનીજ- મીનરલ્સનો ભંડાર છે.
બલુચીસ્તાનમાં બળવો થાય તેવી સ્થિતિ છે. મુનીર- શાહબાજે આ વિસ્તાર પરથી પક્કડ ગુમાવી દીધી છે. બલુચીસ્તાનમાં ચીનનું મૂડી રોકાણ ઘણું છે. બલુચો ને ભારત સાથે ભળી જવાની ઇચ્છા છે. તાજેતરમાં મુનીર- શાહબાજ અમેરિકા ઉડ્યા હતા. ટ્રમ્પ સાથે મુલાકાત બાદ એવી બાબત બહાર આવી છે કે, પાકિસ્તાને અમેરિકા સાથે બલુચીસ્તાનનો સોદો કરી દીધો છે.
આ બાબત ચીન માટે તો અઘરી જ છે. ભારત માટે પણ સાવધ થવા જેવી છે. ભારત અને ચીનના માથા પર અડીંગો જમાવી ને બેસવાની કુવૃતિ ટ્રમ્પની હોઇ શકે છે. બીજી તરફ અમેરિકાનું પીઠબળ મળે તો પાકિસ્તાન પણ ભુરાયુ થઇ ને ભારત વિરોધી પ્રવૃતિ તેજ બનાવી શકે છે. જો કે બલુચ નેતાઓએ ટ્રમ્પને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, અમે પાકિસ્તાન શાસિત નથી. બલુચીસ્તાન અંગે કોઇપણ વાત બલુચ લોકો સમક્ષ જ કરવી પડશે. શાહબાજ- મુનીરનો કોઇ સોદો બલુચ નેતાઓ મંજૂર નહિ કરે.
ભારત- ચીન વચ્ચે હાલ કેમિકલ લોચા ઓછા થયા છે. પણ ચીન પર વિશ્વાસ કરવો આગમાં રાસડા ખેલવા જેવું છે. વૈશ્વિક રાસડામાં ભારતની કસોટીનો સમય છે. ભારતે રાજદ્વારી રણનીતિની તાકાત દેખાડવી પડશે.
દેશની આંતરિક- બાહય સ્થિતિ ઊંઘ ઉડાવી દે તેવી છે. આ સ્થિતિમાં મહાશકિતનો પરચો અનિવાર્ય છે. દેવી- કૃપા કરો. (૩.૨)
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
