<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

૧૦૦: નમસ્‍તે સદા વત્‍સલે માતૃભૂમે...

સતાયુએ સંઘ વિચાર યુવાનીમાં પ્રવેશ્‍યોઃ તીવ્ર સંઘર્ષઃ બલીદાનો બાદ વિચાર સર્વ સત્તાધીશઃ શાસન જ ધ્‍યેય નથી એ યાદ રાખવું જરૂરી

એક નાનકડા વિચારની તાકાત અપાર હોય છે. ડો. હેડગેવારજીને આવેલા વિચારને બળ મળ્‍યું. આ વિચાર પર ૧૦૦ વર્ષ નિરંતર તપ થયું. એ નાનકડો વિચાર વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં શાસન કરે છે. વાત રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘની છે. સંઘની સ્‍થાપનાને ૧૦૦ વર્ષ થયા છે. દેશભરમાં ઉજવણી થઇ રહી છે. હિન્‍દુ સમાજની સૌથી મોટી સંસ્‍થા સંઘ છે. વિરાટ વિચાર અને વિરાટ નેટવર્ક ધરાવે છે. દેશ-દુનિયામાં સ્‍વયંસેવકો ધબકી રહ્યા છે.

સંઘમાં એક પ્રવાહ એવો છે કે, જે ગણતરીપૂર્વક જોડાઇ રહ્યો છે. વ્‍યવસાયી-કારકિર્દીલક્ષી કે રાજકીય ગણતરી હોય છે. આ પ્રકારનો હેતુ ખરાબ નથી, પણ આ માટે સંઘ નથી. સંઘ એક વિચારધારા છે અને આ ધારામાં એક વિરાટ સમુદાયની સુખાકારી અને ઉત્‍થાનનો ધ્‍યેય છે. આ ધ્‍યેય પ્રાપ્ત કરવા માટે અનેક લોકોએ જીવ અર્પણ કરી દીધા છે. ૧૦૦ વર્ષમાં મોટાભાગે સંઘ વિચારને સામા પૂરે તરવાનું રહ્યું છે.

હાલ મોદી સરકારરૂપે સંઘ વિચાર સર્વ સત્તાધીશ છે, પરંતુ આજે પણ પ. બંગાળના ક્રુર શાસનમાં સંઘ વિચાર સામા પૂરે તરી રહ્યો છે. છેલ્લા દાયકામાં પ.બંગાળમાં સ્‍વયંસેવકો-સમર્થકોના બલીદાનો દેવાયા છે. આ સ્‍થિતિમાં વ્‍યકિતગત લાભા-લાભ માટે સંઘ પ્રવેશ કરવો એ બલીદાનકર્તાનું અપમાન ગણાય.

સંઘ વિચાર ભારતમાં સત્તાધીશ છે અને દુનિયાભરમાં પ્રભાવી છે, તે અસામાન્‍ય સિધ્‍ધિ છે અને ગૌરવની બાબત છે, પણ યાદ એ રાખવાનું છે કે, સંઘનો મુખ્‍ય ધ્‍યેય શાસન નથી. ધ્‍યેય પ્રાપ્ત કરવા માટે શાસન સહાયક જરૂર બને. સંઘનો મુખ્‍ય ધ્‍યેય હિન્‍દુ સમાજની સુખાકારી અને સામુહિક ઉત્‍થાનનો છે.

આ ધ્‍યેય પાર પડયો. સ્‍પષ્‍ટ જવાબ છે, ના. કેન્‍દ્રમાં સવા દાયકાથી શાસન છે, અમુક અઘરા મુદ્‌્‌ા તાકાતથી ઉકેલાયા, પણ મુખ્‍ય ધ્‍યેયથી સંઘ જોજનો દૂર છે. ગુજરાતમાં તો ત્રણ દાયકાથી સંઘ વિચારનું શાસન છે. અહીં વિરોધીઓમાં પણ દમ નથી, છતાં દુઃખદ બાબત એ છે કે, સામાન્‍ય હિન્‍દુઓ તો દૂરની બાબત છે, સ્‍વયંસેવકોનું પણ સામુહિક ઉત્‍થાન નથી થયું. આ બાબત ભાગવતજી માટે ગંભીરતાથી ચિંતન કરવા જેવી છે. એક સમયે ભાજપને સંઘની જરૂર હતી, આજે સંઘ ભાજપના આશરે હોય તેવો ભાસ થાય છે. આ સામાન્‍ય બાબત નથી.

જો કે સંઘ વિચાર સાથે દેશના પચ્‍ચીસ ટકા હિન્‍દુઓ જ જોડાયા હોવાનો અંદાજ છે. ૧૦૦ વર્ષની વયે સંઘ વિચાર હજુ યુવાનીમાં પ્રવેશ્‍યો છે. સંઘ મૂળ ધ્‍યેયથી ફગે નહિ તો અતિ વિરાટ ફલક પર ઉડાન શકય છે. જયાં ભાજપ સરકાર હોય ત્‍યાં હિન્‍દુઓને સો ટકા સલામતીની ગેરન્‍ટી તો સંઘ દ્વારા મળવી જ જોઇએ. હિન્‍દુ સમાજનો વિશ્વાસ જ સંઘની સૌથી મોટી તાકાત છે, એ ભૂલવું ન જોઇએ. સત્તા સાથે જવાબદારી પણ સંભાળો. (પ-ર)

(9:43 AM IST)