<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

પદ સાથે પાવર જરૂરી

ક્ષમતા-પાવર વગરના લોકો પદ પર ગોઠવાયેલા હોઇઃ જવાબદારીનું ભાન રહેતું નથી...!

 

 ભારતમાં સૌથી શક્‍તિશાળી પડકાર ઉત્તર પ્રદેશની યોગીજી સરકાર સામે છે. વિરોધીઓ દરરોજ નવા ઉંબાડિયા કરી રહ્યા છે. યોગીજી આ તત્‍વોને તાકાતથી જવાબ આપીને ખો ભૂલાવી રહ્યા છે. જેટલો વિરોધ વધે છે તેટલા યોગી વધારે મજબૂત બને છે. આ ચમત્‍કાર પદ-પાવર અને ક્ષમતાના સંગમથી સર્જાઈ રહ્યો છે.આ સામે ગુજરાતમાં સામાન્‍ય પડકારમાં પણ નેતા ધ્રુજી જઇને સેટિંગ કરી નાખે છે. આ કારણે રાજ્‍યમાં સ્‍થિતિ બેકાબૂ બની છે.

    ગુજરાતમાં ક્ષમતા જોયા વગર મોટા પદ પર નેતાને ગોઠવી દેવામાં આવે છે.તેમની પાસે પાવર પણ હોતો નથી. ગિફટમાં મળેલા પદને જવાબદારીનું પણ ભાન હોતું નથી. આ કારણે રાજ્‍યની સ્‍થિતિ બગડી ગઇ છતાં નેતાગીરીને શરમ પણ આવતી નથી. શેરીના ગુંડા પણ માથાભારે બનીને ફરવા લાગ્‍યા છે. શાસન પ્રત્‍યે લોકોની નારાજગી વ્‍યાપક બની છે. દિલ્‍હીમાં બેસેલાં હવે સાવધ બન્‍યા હોય તેમ લાગે છે.

ગુજરાત ભાજપના સંગઠન અને સરકારમાં પરિવર્તનનો પવન શરુ થયો છે. તાજેતરમાં પ્રદેશ અધ્‍યક્ષપદે જગદીશભાઈ વિશ્વકર્માની નિમણૂક થઈ છે.  રાજકીય સમીક્ષકો આ નિમણૂકને જ્ઞાતિવાદના સમીકરણ આધારિત માને છે. જો કે જગદીશભાઈની કારકિર્દી જોતા તેઓ અનુભવી અને ક્ષમતાવાળા દેખાય છે, પણ માત્ર અનુભવ અને ક્ષમતા પૂરતા નથી. કામ કરી દેખાડવા માટે પાવર પણ જોઈએ.

ગુજરાતમાં ખાસ કરીને ભાજપમાં  ક્ષમતા જોયા વગર પદ આપી દેવામાં આવે છે, પાવર દિલ્‍હીમાં રાખવાની પરંપરા સવા દાયકાથી ચાલે છે. ગુજરાતના નેતાઓને જવાબદારીનું ભાન નથી અને દિલ્‍હીવાળા પાસે ગુજરાત માટે ટાઈમ નથી. આવી સ્‍થિતિમાં સંગઠનની કમાન જગદીશભાઈને સોંપવામાં આવી છે. તેઓએ પોતાની ક્ષમતા પુરવાર કરવા કામ કરી દેખાડવું પડશે.

 ભાજપ તેની મૂળ વિચારધારાથી ખૂબ દૂર ફંટાઈ ગયો છે. સેટિંગ અને કાવાદાવા કરીને મત લેવામાં આવે છે.વિચારધારા પ્રમાણે કામ કરી દેખાડીને વટથી મત લેવાનો પ્રયત્‍ન પણ થતો નથી. જગદીશભાઈ સામે વિચારધારા સ્‍થાપિત કરવાનો મોટો પડકાર છે. આ માટે ખુદની સરકારને પણ જવાબદારી સમજાવવી પડશે. પક્ષમાં જૂથવાદ-સેટિંગ-અન્‍ય પક્ષના નેતાઓનું વર્ચસ્‍વ -બેજવાબદાર સંગઠન વગેરે પડકારો પણ છે.

આ બધાનો સામનો દિલ્‍હીના આદેશ અને ડિઝાઈન પ્રમાણે કરવાનો હોય તો સંગઠન કે પદ માત્ર કઠપૂતળી જ ગણાશે. જેના દ્વારા ઈતિહાસ રચે તેવી અપેક્ષા ન રખાય. યોગીજી ઈતિહાસ રચી શકયા તેનું કારણ આત્‍મબળ, નક્કર રણનીતિ અને ફુલ પાવર છે. યોગીજી પોતે સક્ષમ હોવાથી દિલ્‍હીને પણ કહી દે છે કે તમે તમારું સંભાળો, અહીં ટકટક ન કરો.

ગુજરાતમાં મોદીજી આ પ્રયોગ કરી ચુકયા છે. અટલજી-અડવાણીજીને કહી જ દીઘું હતું કે હું ગુજરાત સંભાળવા સક્ષમ છું. આવી પ્રકળત્તિના નેતા જ ઈતિહાસ રચી શકે છે.ઉપર નીચે હા..જી..હા..કરનારા નેતાઓ કંઈ ઉકાળી ન શકે. ગુજરાત ભાજપમાં જે પરિવર્તનો  થાય છે, તેમાં સક્ષમ નેતાઓ પાવર સાથે નિમણૂક પામે અને જવાબદારીપૂર્વક પરિણામલક્ષી કાર્ય કરી દેખાડે તેવી અપેક્ષા છે.

ફાલતુ નેતાગીરીને સહન કરવાનું લોકોએ બંધ કરવું પડશે. મોટાપદ પર ગોઠવાયેલા પાવર-ક્ષમતા-જવાબદારી વગરના નેતા-નેતીઓના કારણે ગુજરાત બરબાદ થઈ રહ્યું છે. આ મુદો મતદાન વખતે યાદ રાખજો. ગુજરાતમાં શાંતિ-સુખાકારી -સમળધ્‍ધિ જાળવી રાખવા હોય તો લોકોએ અધિકાર માંગવો પડશે. દરેક પક્ષો પોતાને અનુકુળ પરિવર્તન કરે છે, લોકોની કોઈને પડી નથી.  પક્ષોના મોટાભાગના નેતાઓ જ્ઞાતિ આઘારિત હોય છે, પણ કોઈ નેતા કે પક્ષ કોઈ જ્ઞાતિનું કલ્‍યાણ કરી શકયા નથી, એ યાદ રાખજો.મામા ન બનો, પક્ષો પાસે નક્કર કાર્યોનો જ આગ્રહ રાખજો. (૫-ર)

(11:38 AM IST)