<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

બિહાર : કાવાદાવા મહોત્‍સવ !

વિરોધી મતોને વેરવીખેર કરવાની ભાજપની રણનીતિઃ લાલુ પરિવારની તાકાતના પારખા

 ઉત્તરપ્રદેશમાં ૪૮ કલાકમાં ૨૦ એન્‍કાઉન્‍ટર  થયા. આ યોગીજીની રણનીતિ અને તાકાત છે. કામ કરી દેખાડીને મત મેળવવાની પરંપરા લગભગ પૂરી થઇ ગઇ છે. ચૂંટણી સમયે માઇન્‍ડગેમ  ખેલીને મત મેળવવાની હોડ ચાલે છે. યોગીજી ગુંડાઓને ફૂંકી મારે છે. ગુજરાતમાં?  લોકો માને છે કે સરકાર કે પક્ષમાં પદ આપી દેવાય છે. આ વિચિત્ર નીતિના ગુજરાતમાં પડકારો વગરની ચૂંટણી જીતવા પણ ભાજપને શ્વાસ ચઢી જાય છે. લોકહિતના કાર્યો તાકાતથી કરી દેખાડીને મત મેળવવાની યોગીજીની નીતિ અન્‍ય રાજયોમાં કેમ અપનાવાતી નથી?

હાલ બિહારમાં રાજકીય બવંડર ઉઠ્‍યું છે. ધારાસભાની ચુંટણીનું એલાન થઇ ગયું છે. મુખ્‍યત્‍વે બે મોરચા એનડીએ અને ઇન્‍ડિયા ગઠબંધન મેદાનમાં છે. જો કે રાજનીતિના પડદા પાછળના ખેલાડી પ્રશાંત કિશોરને નેતા બનવાના અભરખા જાગ્‍યા  છે. તેમનો પક્ષ પણ મેદાનમાં છે. બીજી બાજુ કેજરીવાલે પણ એલાન કર્યું છે કે, આમ  આદમીપાર્ટી બિહારની તમામ બેઠકો પર એકલા હાથે લડશે. બિહારમાં ઓવૈસી પણ મેદાનમાં આવી ગયા છે. આ દૃષ્‍ટિએ બહુપાંખીયો જંગ છે.

એક સમયે બિહાર લાલુ પ્રસાદ યાદવનું  ગણાતું હતું. રાષ્‍ટ્રીયસ્‍તરે મોદિત્‍વના ઉદય બાદ બિહારમાં અને દેશમાં લાલુ પરિવારનો પ્રભાવ ઓસર્યો છે. આ ચૂંટણીમાં પણ લાલુપુત્ર તેજપ્રતાપ યાદવ પરિવાર સામે જ મેદાનમાં છે.

કોંગ્રેસ રાષ્‍ટ્રીય પક્ષ છે, પણ બિહાર- યુપી જેવા રાજયોમાં સાથી પક્ષ પાછળ ઢસડાવું પડે છે. ઇન્‍ડિયા મોરચામાં લાલુના પરિવારની પ્રભાવી ભૂમિકા રહેવાની છે. છેલ્લા દોઢ દાયકાથી નીતિશ સત્તા ઉપર ચીટકી ગયા છે. લાલુ પરિવાર માટે મોટી અને લગભગ છેલ્લી તક છે.

નીતિશ ખુદ પ્રભાવ ગુમાવી બેઠા છે. પરંતુ ભાજપ સાથે જોડાણના કારણે ખૂબ જોરમાં છે. બિહારમાં શાસન વિરોધી મતો ભરપૂર છે જો કે ભાજપની માસ્‍ટરી વિરોધી મતોને વેરવીખેર કરી દેવાની છે. ઘણાં રાજકીય સમીક્ષકોને આશંકા છે કે, પ્રશાંત કિશોર, કેજરીવાલ અને ઓવૈસી ભાજપની રણનીતિ અંતર્ગત મેદાનમાં છે.

બિહારમાં જબ્‍બર કાવાદાવા શરૂ થયા છે. લાલુ પરિવારના આધારભુત જેવા નેતા અચાનક પક્ષ છોડી રહયા છે. આવી ઘટનાઓ સહજ હોતી નથી. ભારતમાં સોૈથી ખરાબ દશા બિહાર રાજયની છે. આ રાજયમાં લોકોના કામ કરી દેખાડે તેવી રાજયહિતની સરકારની જરૂર છે. પણ પક્ષો કાવાદાવાના આધારે ચુંટણી જીતવા મેદાનમાં આવ્‍યા છે. વિચિત્ર વચનો અને લાલચો અપાઇ રહયા છે.

ચૂંટણી જાહેર થઇ એ પૂર્વે નીતિશ સરકારે લોકોને રોકડ રકમની લ્‍હાણી કરી હતી. યોગીજી જેવી રણનીતિ રાખી હોત તો વટથી મત માંગી શકાત, પણ બિહારમાં કાવાદાવા મહોત્‍સવ ઉજવાઇ રહયો છે.

(11:45 AM IST)