<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

એ માટે દેશ જવાબદાર નથી

મોરબીનો યુવક રશિયામાં અભ્‍યાસના નામે ડ્રગ્‍સના ખેલ કરેઃ સજા થાય તો ભારત છોડાવે તેવી આશા વધારે પડતી નથી?

ભારતમાં અસંખ્‍ય નિર્દોષ નાગરિકો પરેશાન છે, કોઇને તેની ચિંતા નથી. જો કે વિદેશમાં એન. આઇ. આર.ને કંઇક થાય તો દેશમાં હોબાળો મચી જાય છે. અમુક સંસ્‍થાઓ ભારત સરકારને દોષ આપવા માંડે છે. એનઆરઆઇ નિર્દોષ હોય અને વિદેશમાં પરેશાન હોય તો બરાબર, પણ દોષિત એનઆરઆઇને વિદેશમાં ત્‍યાંના કાયદા પ્રમાણે સજા થાય તે માટે ભારત સરકાર કઇ રીતે જવાબદાર ગણાય?

બે દિવસથી ગુજરાતના મીડિયામાં મોરબીનાં એક યુવકનો મુદ્‌્‌ો ઉછળ્‍યો છે. મોરબીનો સાહિલ માજોઠી નામનો યુવાન અભ્‍યાસ કરવા રશિયા ગયો હતો. ત્‍યાં સખણો ન રહ્યો. ડ્રગ્‍સની હેરાફેરીમાં ઝડપાઇ ગયો. ત્‍યાંની કોર્ટમાં કેસ ચાલ્‍યો. સાહિલને સાત વર્ષની કેદ સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે સાહિલને વિકલ્‍પ આપ્‍યો કે, જેલમાં ન જવું હોય તો યુધ્‍ધ મોરચે લડવા જવું પડશે. સાહિલે રશિયા તરફથી યુક્રેન સામે યુધ્‍ધ મોરચે લડવાનો વિકલ્‍પ સ્‍વીકાર્યો.

જેલમાં ન જવું પડે તે માટે સાહિલે આ નિર્ણય કર્યો હતો. કોઇ યુધ્‍ધ સામાન્‍ય હોતું નથી. મોરબીનો સાહિલ યુધ્‍ધ જોઇને ડરી ગયો. તેમણે યુક્રેન સામે આત્‍મસમર્પણ કરી દઇને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો. આ સમાચાર મીડિયામાં છવાઇ ગયા. ભારતની ઘણી જીવાતો સાહિલને છોડાવવા ભારત સરકાર સામે દેકારા કરવા લાગી. મીડિયા પણ ભારત સરકારને કોષવા લાગ્‍યું.

સવાલ એ છે કે, સાહિલ કેસમાં સરકાર કે દેશ કઇ રીતે જવાબદાર ગણાય ? વિદેશમાં શિક્ષણ પ્રાપ્ત કરવા જવું અને ગેરકાયદે ડ્રગ્‍સનો ધંધો કરવો એ સારી બાબત છે ? સાહિલના આ અપલખણથી ભારત અને ભારતીયોની બદનામી થઇ છે. આવા તત્‍વોના કારણે વિદેશમાં ભારતીયો પરનો વિશ્વાસ તુટી શકે છે. આવા તત્‍વો માટે દેશ શા માટે સક્રિય બને?

વિદેશમાં ગેરકાયદે ધંધા કરો અને પકડાઇ જાવ તો ભારત સરકાર છોડાવશે તેવી આશા રાખવી એ હદ બહારનું વધુ પડતું નથી ? મીડિયા જગતે પણ આવા ગુન્‍હાખોર તત્‍વો માટે તરફદારી બંધ કરવી જોઇએ. સાહિલ જેવા પ્રકરણોમાં ભારત સરકારે સક્રિય બનવાને બદલે સ્‍પષ્‍ટ જણાવી દેવું જોઇએ કે, આવા ગુન્‍હાખોરો માટે ભારત સરકાર કે દેશ જવાબદાર નથી જ. કોઇ ધર્મ કે સમાજને સારૂ લગાડવા ખોટી ઉર્જા વાપરવાની જરૂર નથી.

ભારતમાં નિર્દોષ નાગરિકો પરેશાન થાય છે તેને સુખ-શાંતિ-સલામતી આપવી એ દેશની ફરજ છે. અમુક જીવાતો એવી છે જેમ ને વિદેશમાં રહેલા ભારતીયોની ચિંતા વધારે થાય છે. દેશના નાગરિકો અન્‍યાયથી ગુજરી જાય તો પણ તેમનો જીવ બળતો નથી. વિદેશમાં જે નિર્દોષ ભારતીયો હોય તેને અન્‍યાય થાય ને દેશ નૈતિકતાના ધોરણે સક્રિય થવું જોઇએ, સાહિલ જેવા ગુન્‍હાખોરો માટે નહિ.  (પ-ર)

(11:43 AM IST)