<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

દવા ખાવ, પતી જાવ!

ભેળસેળિયા ખોરાકથી બિમાર પડો તો દવા પણ ઝેરી... જવાબદાર કોણ ? : ભારતમાં આરોગ્‍યપ્રદ જીવન જ મોટો પડકાર

ગઇકાલના જ સમાચાર છે ભાવનગર પંથકમાં નકલી  માવાની ફેકટરી ઝડપાઇ. ૧૨૦૦ કિલો ઝેરી માવો ઝડપાયો. ગુજરાતમાં દરરોજ ભેળસેળિયો- ઝેરી ખોરાક ઝડપાય છે. દરરોજ લોકોની હોજરીમાં ઝેરરૂપી ખોરાક વર્ષોથી ઠલવાય છે. જાહેર આરોગ્‍ય પર સોૈથી મોટા જોખમ સામે બાબા આદમ વખતના કાયદા અને કાર્યવાહી ચાલે છે. નેતા- અધિકારી પાવર કરે છે. પણ જવાબદારી લેવા કોઇ તૈયાર નથી.

કરુણતા એ છે કે, સરકાર અને તંત્રના પાપે ભેળસેળિયા ખોરાકથી લોકો બિમાર પડે તો દવા પણ નકલી કે ઝેરી હોય છે. આ સ્‍થિતિ ખતરનાક ગણાય, યુધ્‍ધના ધોરણે અતિ કડક કાર્યવાહી થવી જોઇએ. જોકે ગુજરાતમાં ઝેરી ખોરાક, ઝેરી દવાની ઘટના રૂટીન જેવી બની ગઇ છે. લોકો- મીડિયા કે સમાજ - સરકારમાં ગંભીરતાનો સંપૂર્ણ અભાવ છે.

હાલ ભારતભરમાં ઝેરી સિરપનો મુદ્‌ો ગરમ થયો છે. મધ્‍યપ્રદેશ તથા અન્‍ય રાજયોમાં  ઝેરી સિરપના કારણે બાળકોના મોત થયા ના અહેવાલો બાદ સમાચારો ચગતા તંત્રએ એકશન લેવા પડયા છે. સુરેન્‍દ્રનગરની કંપની શંકાના ઘેરામાં આવી છે. તામીલનાડુની કંપનીના માલિકની ધરપકડ થઇ છે.

પગલા લેવાય છે, પણ પ્રશ્‍ન ઉકલતો નથી. નકલી અને ઝેરી દવાઓના સમાચારો વારંવાર ચમકતા રહે છે. દવા નિર્માણ અંગેના નિયમોનો પાર નથી. આકરા કાયદા ઘડાયા છે. આ માટે મહાકાય તંત્ર પણ અમલમાં છે. છતા ઝેરી અને નકલી દવાઓનો પ્રશ્‍ન ઉકલતો નથી.

આનું મુખ્‍ય કારણ એ છે કે કોઇની જવાબદારી ફિકસ કરાતી નથી અને મોત જેવા મામલે પણ સમાજ અને મીડિયા જાગૃત કે ગંભીર નથી.

આ કારણે લોલમલોલ ચાલતું રહે છે. દવા- આરોગ્‍યક્ષેત્રે મોટા અને ખોટાના માથા સક્રિય છે. પડદા પાછળ અધિકારીઓના હિત પણ સચવાતા હોવાની આશંકા જાણકારો વ્‍યકત કરે છે. સરકારોને કંઇ પડી નથી.

ખોરાક અને દવાની ભેળસેળ કે તેમાં રહેતા હાનીકારક ગેરકાયદે તત્‍વોથી લોકો જીવલેણ રોગોના ભોગ બની શકે છે. કમોતે મરે છે. આ ગુન્‍હો વધની વ્‍યાખ્‍યામાં સામેલ કરીને આવા ખેલ કરનારા તત્‍વોને તત્‍કાળ ફાંસી કેમ નથી થતી? આવા ગુન્‍હામાં સંકળાયેલા સેટિંગબાજોને પણ સજા- એ મોતની જરૂર છે. અધિકારી અને પ્રધાનોની જવાબદારી પણ ફિકસ થવી જોઇએ. (૩.૨)

(11:43 AM IST)