<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

રાજ્‍યમાં ત્રિપાંખીય આતશબાજી

દિપાવલી પૂર્વે જ રાજકીય ગતિવિધિ તેજઃ ઘણાંની દિવાળી બગડશે

 

અમુક ઘટનાઓ યોગાનુયોગ બનતી હોય છે. ટીઆરપી અગ્નિકાંડના આરોપી  સાગઠિયાના મિલકત કેસમાં જામીન મંજૂર થયા... આ રાત્રે જ રાજકોટની સોની બજારમાં એક બિલ્‍ડીંગમાં આગ લાગી અને એક વ્‍યકિતનો જીવ ગયો... ઘટનાઓ ઘણાં બોધ આપતી હોય છે, પણ આપણે કોઇ કંઇ બોધ લેવા તૈયાર જ નથી.

રાજનીતિમાં વિવિધ મુદાઓ ઉઠતા હોય છે. પરંતુ અતિશય મહત્‍વના મુદાઓ ને કોઇ પક્ષ કે નેતા સ્‍પર્શ પણ કરતા નથી. આ રહસ્‍યમય હકીકત છે. ચુંટણીના મુદા પક્ષોએ નહિ લોકોએ નક્કી કરવાની પરંપરા બનવી જોઇએ.

ગુજરાતની માર્કેટમાં દિપાવલીની ધૂમ મચી છે ત્‍યારે ગુજરાતની રાજનીતિમાં પણ અનોખી આતશબાજીની તૈયારી ચાલી રહી છે. ગુજરાતના પ્રધાન મંડળમાં કલ્‍પનાતીત પરિવર્તન થઇ રહયું છે. પડતા મૂકાયેલાની દિવાળી બગડવાનું નક્કી છે. દિવાળી પૂર્વે જ વિસ્‍તરણ થઇ જશે.

આજે ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ જગદીશભાઇ રાજકોટની મુલાકાતે છે. પ્રદેશ સંગઠનમાં પણ ધરખમ ફેરફારોના એંધાણ છે. છેલ્લા દશ વર્ષમાં પ્રથમ વખત મોદીજી - શાહ ગુજરાત મામલે ગંભીર દેખાઇ રહયા છે. દિપાવલી બાદ કામ કરતી સરકાર અને કામ કરતો પક્ષ જોવા મળે તો નવાઇ નહિ.

ગુજરાતમાં દાયકાથી ચાલતા લોલમલોલથી વિપક્ષને મજબૂત થવાનો મોકો  મળી ગયો છે. કોંગ્રેસ હજુ આળસ મરડે છે. પણ આમઆદમી પાર્ટીએ  દોડ શરૂ કરી દીધી છે. આપ પાસે ગુજરાતમાં કોઇ  વિશેષ રણનીતિ નથી. કોઇ નિર્ણાયક નેતાગીરી નથી. કોઇ પ્રકારનું નેટવર્ક નથી. છતા જે સંમેલનો થાય છે એ મહાશકિતશાળી ભાજપની ઉંઘ હરામ કરી રહયા છે.

આ માહોલ દેખાડે છે કે, ગુજરાતમાં શાસક માટે સરળ નથી. આ કારણે ગુજરાત સરકાર અને સંગઠન પર રાષ્‍ટ્રીય મોવડીએ ગંભીર બનવું પડયું છે. હજુ કામ કરી દેખાડવાનો પડકાર તો છે જ.

મુખ્‍ય વિપક્ષ કોંગ્રેસ માટે ગુજરાતમાં મોટી તક છે. રાહુલ ગાંધીએ લોકસભા ગૃહમાં પડકારો કર્યોં હતો કે, ગુજરાત જીતી દેખાડીશું... આ પડકાર સાબિત કરવાનો શ્રેષ્‍ઠ મોકો છે. જો કે કોંગ્રેસ લોકો વચ્‍ચે જવાને બદલે મીડિયા વચ્‍ચે વધારે રહે છે.

આ કારણે ‘આપ' ને તક વધી ગઇ છે. કોંગીજનો દાવો કરે છે કે રાહુલજી ગુજરાતમાં ઘુમી વળવાનો પ્‍લાન બનાવી રહયા છે. આવું થાય તો સારૂ ગણાશે. દિપાવલી પૂર્વે જ આપ, કોંગ્રેસ મહેનતમાં લાગ્‍યા છે. ભાજપે તો ગજબની રણનીતિ અપનાવી હોય તેમ લાગે છે.

રાજકીય આતશબાજીનો તખ્‍તો તૈયાર છે. લોકો પર આંજી નાખતા આક્રમણો થશે. લોકોએ અંજાઇ જવાને બદલે ટીઆરપીકાંડ જેવા મુદે બધા મૌન છે, તેનું ચિંતન કરવું જરૂરી છે. 

 

(10:14 AM IST)