<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

તેજી- અંધાધુંધીનો વિચિત્ર સંગમ

દિપાવલીની ઘરાકી સાથે નકલી-અસલી માલના ઢગલાં: ગ્રાહક માર્કેટનો રાજા, પણ ખરીદીમાં આંધળુકિયા

દિવાળીએ રાત્રે ૮ થી ૧૦ વાગ્‍યા સુધી બે કલાક જ ફટાકડા ફોડવાની મંજૂરી અપાઇ છે. ખૂબ અવાજ કરતા ફટાકડાં ફોડવાની મનાઇ કરાઇ છે.. આ પરિપત્ર જાહેર કરનાર ગુજરાતના અધિકારી અને નેતાઓના પરિવારજનો પણ નિયમના ધજાગરા ઉડાવશે.

જે નિયમનો અમલ જ નથી થવાનો તે ઘડવામાં શા માટે આવે છે? મોટાભાગના નિયમોની દશા આ પ્રકારની છે. મોટા અવાજ કરતાં ફટાકડાં પર પ્રતિબંધ હોય તો વેચવા શા માટે દેવાય છે? શાસકો ઔપચારિકતામાંથી ઊંચા નથી આવતાં.

હાલ ગુજરાતની માર્કેટ પર દિપાવલીનો ખુમાર ચઢયો છે. મોટાભાગની માર્કેટ ગ્રાહકોથી ઉભરાવા લાગી છે. સનાતન પરંપરાની આ ખાસીયત છે. ધાર્મિક પર્વો પાછળ અર્થતંત્રને ગતિ આપવા સહિતના ઉદ્‌્‌ેશો રહેલાં હોય છે. દિપાવલીમાં રિટેઇલ માર્કેટ રૂા. પાંચેક લાખ કરોડનું ટર્ન ઓવર કરશે. પાંચ-સાત દિવસનું રિટેઇલ માર્કેટ જ ટ્રમ્‍પના ટેરિફ શષાના ગાભા-છોતરા કાઢી નાખવા સક્ષમ છે.

વિરાટ રિટેઇલ માર્કેટ ભારતની મુખ્‍ય તાકાત છે. મોદી સરકારે વિશ્વમાં આ માર્કેટનું નક્કર બ્રાન્‍ડિંગ કરીને ભારતનું મહત્‍વ પ્રસ્‍થાપિત કર્યુ છે. આ કારણે વિશ્વભરનાં ઉત્‍પાદકો, વ્‍યાપારીઓ ભારત તરફ આકર્ષાયા છે. વિરાટ રિટેઇલ માર્કેટ પર વિશ્વની નજર કેન્‍દ્રિત થઇ છે.

આ માર્કેટમાં હાલ તેજી મંડાઇ છે. જો કે ભારતીય માર્કેટની વિશેષતાઓ સાથે અંધાધુંધી પણ મન મૂકીને મંડાઇ છે. અસલી સાથે નકલી વસ્‍તુઓના પણ ઢગલાં થયા છે. ભેળસેળિયા તત્‍વો પણ દિવાળીએ લાખો રૂપિયા ઉસેડવા મેદાનમાં આવી ગયા છે. અધિકારીઓ ફુડની માર્કેટમાંથી નમૂનાના રિઝલ્‍ટ દિવાળી પછી આવશે, ત્‍યાં સુધીમાં ભેળસેળિયુ ફુડ લોકોની હોજરીમાં પહોંચી ગયું હશે.

આ સ્‍થિતિ નવી નથી. દર વર્ષે આવું જ થાય છે, પણ ગ્રાહકોથી માંડીને કોઇને કંઇ પડી નથી. ગ્રાહક બજારનો રાજા ગણાય છે, પણ ગુજરાતના માર્કેટમાં રાજા સરળતાથી ‘મામા' બની રહ્યો છે. ચારેબાજુ ખુલ્લેઆમ છેતરપીંડી સરકારી ગોકીરા  કરનારા મોજ કરતા રહે છે.

આ બધું શા માટે શકય બને છે ? માર્કેટનો રાજા ગ્રાહક ખુદ જાગૃત નથી તેથી છેતરનારા બેફામ છે. અધિકારીઓની જવાબદારી ફિકસ નથી. નેતાઓ સાથે છેતરપીંડી કરનારાઓ ઇલુ-ઇલુ કરી લેતા હશે. આ કારણે માર્કેટનો રાજા રાજગાદી વગર બિચારો બનીને ભટકી રહ્યો છે.

ભારતની માર્કેટ વિશિષ્‍ટ છે. ગુજરી બજારથી માંડીને તોતીંગ કિંમતો વસુલતી બ્રાન્‍ડેડ પ્રોડકટસ ધૂમ મચાવે છે. ગ્રાહક જાગૃત બને તો તંત્ર, વ્‍યાપારી, ઉત્‍પાદક, સરકાર, મીડિયા આ બધાંએ અનિવાર્યપણે જાગૃત બનવું પડે, કારણ કે બધાં ગ્રાહકોને આધીન છે. (પ-ર)

(10:57 AM IST)