<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

કેલેન્‍ડર સાથે સ્‍થિતિ બદલે તેવી પ્રાર્થના

સમૃધ્‍ધિથી સુખાકારી તરફ ગુજરાતી અને ગુજરાતની ગતિ થાય તેવી શુભેચ્‍છા


 

નૂતન વર્ષના અભિનંદન, સનાતનના નવા વર્ષનો પ્રારંભ થઇ રહયો છે. આ વર્ષ સમૃધ્‍ધિ સાથે સુખાકારી પણ ભરપૂર કરે તેવી પરમશકિતને પ્રાર્થના. ગુજરાત અને ગુજરાતી પૃથ્‍વીના ગોળા પરની વિશેષ જાતી છે. વસુધૈવ  કુટુમ્‍બકમની ભાવના ગુજરાતીએ સાબિત કરી દેખાડી છે.

દેશના ખૂણે-ખૂણે ગુજરાતીઓ ફેલાયેલા છે. ઉપરાંત લગભગ દરેક દેશમાં ગુજરાતીઓ મહત્‍વની ભૂમિકામાં હોય છે. વિશ્વમાં કયાય અજાણ્‍યું લાગે નહિ. બધું ફાવી જાય ગમે ત્‍યાં સેટ થઇ જાય અને ધીમે-ધીમે પોતાની અનિવાર્યતા સાબિત કરી દે છે.

આ પ્રાકૃતિક વિશેષતાના કારણે ગુજરાતીઓ મોટાભાગે સુખી-સમૃધ્‍ધ છે, વિશ્વ માટે પ્રેરક જેવા ગુજરાતીઓના ગુજરાતમાં સમૃધ્‍ધિ છે. પણ સુખાકારીમાં આપણે કયાં છીએ ?

આનંદના મહાપર્વમાં પ્રસંગે નકારાત્‍મક ચર્ચા કરવાનો ઉદ્‌ેશ નથી. પણ હકીકતથી દુર જવું યોગ્‍ય ન ગણાય. ગુજરાત સમૃધ્‍ધ છે. પણ સુખાકારીનો વ્‍યાપક અભાવ છે. સામાન્‍ય લોકોથી માંડીને ઉદ્યોગકારો સુધીના લોકો અસલામતી-ફફડાટ, પ્રતિકુળતા અને કારણ વગર પરેશાની અનુભવે છે. વાસ્‍તવિકતા છે કે, સમૃધ્‍ધિ છે, પણ સ્‍વાસ્‍થ્‍ય નથી, બુધ્‍ધિ છે, પરંતુ સજાગતા નથી. માન-પાન છે, પણ સ્‍વમાન તૂટે છે. મજબૂત સરકાર છે, પણ નિર્ણાયકતાનો અભાવ છે.

આરોગ્‍યની અછત છે. શુધ્‍ધ શ્વાસ-પાણી-ખોરાકની અછત છે. સલામતીની અછત છે. વિકાસ ધમધોકાર છે. પણ વ્‍યવસ્‍થાના ઠેકાણા નથી. ગુજરાતીની તાકાતનો પાર નથી. પણ વિશ્વાસનું સ્‍તર તૂટી રહયું છે.

આવા લીસ્‍ટનો કોઇ પાર નથી. સુખાકારીની અછતના ત્રણ મુખ્‍ય કારણો છે. ખુદની સજાગતાનો અભાવ, હક્ક અને ફરજ પ્રત્‍યે અંધકાર અને શાસકનુ લોલમલોલ  નવા વર્ષે શુભેચ્‍છાઓની આપ - લે ખૂબ થશે. પરંતુ મુખ્‍ય બાબત એ છે કે, માનસિકતામાં સામૂહિક બદલાવ આવે તો જ સુખાકારીનું તેજ ગુજરાત વ્‍યાપી બને.

આ માટે અભિનેતા-નેતાથી માંડીને સંતો- મહંતોથી અંજાઇ જવાને બદલે દરેકને તેની વૃત્તિ-પ્રવૃત્તિ પ્રમાણે જ માન-પાન આપતા શીખવું પડશે. ખુદે જવાબદારીનું ભાન જાણીને અન્‍યને પણ જવાબદારી પ્રત્‍યે સજાગ થવા ફરજ પાડવી પડશે. ગુજરાતી લાગણીશીલ- સેવાભાવી છે. પણ લાચાર, બિચારો કે મૂરખ નથી એ સાબિત કરવું પડશે.

કેલેન્‍ડર બદલવાનો સમય આવી ગયો છે. કેલેન્‍ડર સાથે સ્‍થિતિ પણ બદલાય તેવી મહાશકિતને પ્રાર્થના (૩.૨)

(10:58 AM IST)