<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

પાંચ દિવસમાં છઃ ધમધોકાર તેજી

નવા વર્ષે ‘સલામત રહો' તેવી શુભેચ્‍છા આપજો... સર્વત્ર જોખમ ઝળુંબે છે!!

દિપાવલી-નૂતન વર્ષે કરોડો રૂપિયાના શુભેચ્‍છા સંદેશાની આપ-લે થઇ. ભારેખમ શબ્‍દો, મોટી-મોટી વાતો, કાવ્‍યાત્‍મક શૈલી... શુભેચ્‍છા સંદેશાઓમાં વૈવિધ્‍યનો પાર નથી. જો કે રાજકોટ કે સૌરાષ્‍ટ્રમાં રહેતા હોય તેના માટે કોઇ મોટી-મોટી શુભેચ્‍છાઓની જરૂર નથી. ‘સલામત રહો' તેવી શુભેચ્‍છા આપવાની જરૂર છે. માત્ર શુભેચ્‍છાઓથી કામ નહિ ચાલે, ભગવાનને પ્રાર્થના તથા ભલામણ કરવી પડે તેમ છે.

દિપાવલીએ  વ્‍યવસાયમાં તેજી આવે તે હરખની બાબત ગણાય, પણ રાજકોટ-સૌરાષ્‍ટ્રમાં એવા ક્ષેત્રમાં ધમધોકાર તેજી જોવા મળી છે કે ભલભલાના હાજા ગગડી જાય. માત્ર રાજકોટમાં જ છેલ્લા પાંચ દિવસમાં છ હત્‍યાઓ થઇ છે. અન્‍ય ગુન્‍હાઓ અલગ...! પાંચ દિવસના સૌરાષ્‍ટ્રના ડેટા એકઠા કરવામાં આવે તો ખ્‍યાલ આવે કે સૌરાષ્‍ટ્રને હવે પોતાની સરકારની જરૂર છે, ગુજરાતના પ્રધાનોને રાજકોટ-સૌરાષ્‍ટ્ર પ્રત્‍યે જવાબદારીનું ભાન નથી.

દિપાવલી પૂર્વે સાવ ડલ ગુજરાત સરકારના પ્રધાન મંડળમાં ધરખમ ફેરફાર થયો, આ સમયે લાગતું હતું કે, હવે સ્‍થિતિ થાળે પડશે. જો કે નવા પ્રધાન મંડળનું લોહિયાળ સ્‍વાગત ગુન્‍હાખોરીની દુનિયાએ કર્યુ છે. રાજકોટ-સૌરાષ્‍ટ્રમાં તો સરકારની અસીમ કૃપાથી અને અધિકારીઓના આશીર્વાદથી નાના-મોટા તમામ લોકો પર જોખમ મંડાયું છે. આ માટે સલામતીની પ્રાર્થના અને શુભેચ્‍છાઓની જરૂર છે.

માર્ગ અકસ્‍માતોથી માંડીને ક્રાઇમના ગુન્‍હાઓનો સંશોધનાત્‍મક દૃષ્‍ટિકોણથી અભ્‍યાસ કરો તો ખ્‍યાલ આવશે કે, મોટાભાગનાં ગુન્‍હા નશાની સ્‍થિતિમાં થઇ રહ્યા છે. આ નશો પણ ગુજરાતમાં ગેરકાયદે છે. સરકાર કે પોલીસ નશાને ગંભીરતાથી લેતી નથી. તેથી ગુન્‍હા કાબૂમાં આવતા નથી. છેલ્લા પાંચ દિવસમાં રાજકોટમાં એક એવી ઘટના બની કે એક દારૂડિયાએ નશાની હાલતમાં એક મહિલા સાથે ગેરવર્તન કર્યું. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો. શરમની મારી પોલીસે ગુન્‍હો નોંધવો પડયો. આ ઘટનામાં ગુન્‍હો માત્ર મહિલાના અપમાનનો જ નોંધાયો. ફરીયાદમાંથી નશો અને દારૂ અલોપ થઇ ગયા... આ બાબત  દર્શાવે છે કે, મુખ્‍ય ગુન્‍હેગાર કોણ છે.

ગૃહમંત્રી-મુખ્‍યમંત્રી આવી બાબતોથી અજાણ ન હોય, પરંતુ બે શકયતા છે, તેમનું કંઇ ઉપજતું નથી કે ગોઠવાઇ ગયું છે ?  રાજકોટ-સૌરાષ્‍ટ્રમાં સલામતીની જ શુભેચ્‍છા આપજો. બેજવાબદારો સામે આક્રોશ જાગે અને સૌરાષ્‍ટ્રને પોતાની સરકાર સાંપડે તેવી નવા વર્ષે શુભેચ્‍છા...

(11:17 AM IST)