<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

ખુદની પથારી ફેરવવાનું શરૂ

ચૂંટણી સમયે જ કોંગ્રેસના નેતાઓનું વિચિત્ર વર્તન : ખુદના ગળા કપાય તેવા મુદા ઉછાળે છે

રાજકોટમાં બેફામ- ક્રુરગુન્‍હાખોરીથી પોલીસને પાણી આવી ગયું હોય તેમ લાગે છે. પોલીસ કમિશનરે બેઠક બોલાવીને પોતાના તંત્રને આદેશ આપ્‍યો કે, રાજકોટ પોલીસની છબી બગડવી ન જોઇએ. 

પોલીસની છબી જેવું કંઇ રહયું નથી, એ બાબતથી પણ અધિકારી અજાણ હોય તેમ લાગે છે. આ સ્‍થિતિ અને તંત્રની આ દશા વિપક્ષ માટે નિર્ણાયક મુદો બને, પણ મતની ખેચા-ખેચી વચ્‍ચે કોંગ્રેસને આવા મુદા માં રસ પડતો નથી. શાસકો પર ફાલતુ આક્ષેપો કર્યા કરે છે. રિયલ મુદા નિર્ણાયક બને તેમ હોવા છતા બકવાસ મુદ્‌ા વિપક્ષ છેડે છે.

કોંગ્રેસની આ અવદશા ઉપરથી નીચે સુધી ફેલાયેલી છે. રાષ્‍ટ્રીય તખ્‍તા પર હાલ બિહારની ચૂંટણીનો ગરમાવો બરાબર જામ્‍યો છે. બિહારમાં પણ ગુજરાત જેવી ભયાવહ અવદશા છે. સામાન્‍ય લોકો ત્રાહીમામ છે. કોંગ્રેસ- રાજદ સાથે મળીને ચૂંટણી લડે છે. અવદશાને જ ઉજાગર કરીને ચૂંટણી જીતી શકાય તેમ છે. પણ કોંગ્રેસના નેતાઓને ખુદના પક્ષની જ પથારી ફેરવવાની ટેવ પડી ગઇ છે.

બરાબરનો માહોલ જામ્‍યો છે ત્‍યારે કોંગ્રેસ અધ્‍યક્ષ ખડગેએ બિહાર જઇને નિવેદન કર્યું કે, રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ પર પ્રતિબંધ લગાવવો જોઇએ. પંદર વર્ષથી કોંગ્રેસમાં વિલન સાબિત થયેલા દિગ્‍વીજયે નિવેદન કર્યું કે, દેશના ભાગલા પડાવવામાં વીરસાવરકરે મુખ્‍ય ભૂમિકા ભજવી હતી.

બિહારના રિયલ મુદે નીતિશ  અને ભાજપ બંને પરેશાન હતા. કોંગ્રેસે આ મુદા પર ફોકસ કરવાને બદલે વિચારધારાના મુદે ધુબાકા માર્યા. ભાજપને મોજ પડી ગઇ. સંઘ-સાવરકર જેવા મુદે રીતસર આક્રમણ કરીને કોંગ્રેસની બોલતી બંધ કરી દીધી.

વિચારધારામાં ભાજપ ખૂબ સ્‍ટ્રોંગ છે. તેની રણનીતિ પણ પાવરફૂલ છે. કોંગ્રેસે તેને છેડવાથી દુર રહેવાનું હોય. રિયલ સ્‍થિતિમાં ભાજપ ગેંગેફેફે  થઇ જાય, કોંગ્રેસે આ પ્રકારના મુદ્‌ા પર જ ફોકસ રાખવું જોઇએ. હજુ બિહારમાં  રાહુલે ભાંગરા વાટવાના બાકી છે.

કોંગ્રેસે વિચારધારા પર આક્રમણ કરતા ભાજપના પરંપરાગત મતદારો સક્રિય થઇ ગયા. ભાજપ માટે આ માહોલ અનુકુળ બની જાય છે. કોંગ્રેસના નેતાઓ દરેક ચૂંટણીમાં આવી ભૂલો કરતા રહે છે. હવે તો શંકા જાય છે કે, કોંગ્રેસની ટોચની નેતાગીરી પણ પડદા પાછળ ભાજપના રંગે રંગાયેલી હશે. રાષ્‍ટ્રીયસ્‍તરના નેતાઓ જ પક્ષની પથારી ફેરવતા હોય તો સ્‍થાનિક નેતાઓને કોણ ટોકી શકે? મોદિત્‍વની સોૈથી મોટી તાકાત વિચિત્ર વિપક્ષ છે. 

 

(11:43 AM IST)