News of Tuesday, 4th November 2025
નજર સામે થતા ગુન્હા તો ડામો
ગુંડાગીરી અંગે માહિતી આપવા પોલીસે લોકોને અપીલ કરી : ખુલ્લેઆમ વેચાતા દારૂ અને માર્ગો પર લથડિયા ખાતા દારૂડિયા સામે કયારે કાર્યવાહી?
ગુજરાત હાથમાંથી છટકી રહયાનો અહેસાસ કદાચ દિલ્હીમાં બેસેલાને થઇ ગયો હશે. ગુજરાત સરકારના પ્રધાનો દોડવા લાગ્યા છે. મુખ્યમંત્રી ખુદ ધંધે લાગ્યા. જોકે આવી દોડાદોડી માત્ર કામ કરતી સરકારનું બ્રાન્ડિંગ લાગે છે. ખરેખર ગુજરાતમાં કામ કરી દેખાડવાની જરૂર છે. એક બાબત સ્પષ્ટ છે કે, ગુજરાતમાં સરકાર હોવાનો અહેસાસ ફરીથી કરાવવા માટે નિર્ણાયક કાર્યો કરી દેખાડવા પડશે.
ગુજરાત સરકાર જેવી દશા રાજકોટ પોલીસની થઇ હોય તેમ લાગે છે. ધાક જેવું કંઇ જ રહયું નથી. શહેરમાં ગુન્હાખોરીએ બરાબરનો ભરડો લીધો છે. હત્યાઓથી માંડીને ગેંગવોર-ખુલ્લેઆમ ગોળીબારો સામાન્ય બની ગયા છે. ભાજપના નેતાઓ બિહારને શ્રેષ્ઠ રાજય બનાવવા વચનો આપે છે. પણ રાજકોટ-ગુજરાત બિહાર જેવું વગર વચને બનાવી દીધું છે.
સ્થાનિક સ્વરાજ-મહાપાલિકાની ચૂંટણી માથે આવી જતા દિલ્હીવાળાની ઊંઘ હરામ થઇ હશે તેથી બધા ધંધે લાગ્યા હશે. જોકે આ ધંધો માત્ર દેખાડા પૂરતો જ હોય તેમ લાગે છે રાજકોટમાં ગુન્હાખોરી અંગે કોંગ્રેસે દેખાવો કરતા પોલીસને પગે પાણી આવ્યા પહેલા કમિશનર મીડિયા સામે આવી ને બોલ્યા કે આકરી કાર્યવાહી કરીને પોલીસની આબરૂ બચાવો. આ નિવેદન બાદ પણ ગુન્હાખોરી કાબુમાં ન આવી. શેરીનું ટાબરિયું પણ ડર્યું નહિ.
હવે રાજકોટ પોલીસે અપીલ કરી કે અમને ગુંડાગીરી અંગે માહિતી આપો. માહિતી આપનારનું નામ-નંબર ગુપ્ત રખાશે... પોલીસની આ સારી બાબત છે. પરંતુ માહિતી મળ્યા બાદ પોલીસ શું કરશે? કાર્યવાહી કે સેટિંગ ? પોલસ ગુંડાઓનો સફાયો કરશે તે અંગે વિશ્વાસ કેમ આવે?
લોકોમાં વિશ્વાસ સ્થાપિત કરવો અનિવાર્ય છે. રાજકોટમાં ઘણાં ગુન્હા એવા થાય છે કે, જે દરેકની નજરમાં આવે છે. દારૂ જેવા નશા પ્રતિબંધિત છે.
દેશી દારૂના રગડા ચારેબાજુ ઘુઘવે છે. દારૂડિયા માર્ગો પર ખુલ્લેઆમ ડીંગલ કરે છે. હવે તો લોકો તેના વિડિયા બનાવીને રીલીઝ કરી રહયા છે.
લોકો પાસે ગુન્હાની માહિતી માગતી પોલીસને દારૂના ધંધા કેમ નથી દેખાતા? રાજકોટમાં રહેલી ઝૂપડપટ્ટીમાં પોલીસ ચક્કર મારે તો પણ ખ્યાલ આવે કે કેટલી ખતરનાક સ્થિતિ છે....
પોલીસે વિશ્વાસ સ્થાપિત કરવો હોય તો દારૂને ટાર્ગેટ કરીને એક પણ ટીપું ન મળે તેવી સ્થિતિ સર્જવી જોઇએ. આ માટે તમામ સેટિંગ ભલામણો, દબાણ બધું જ અવગણીને પોલીસ કમિશનરે ખુદે પોલીસ લશ્કર સાથે ત્રાટકવું જોઇએ.
માત્ર કાર્યવાહીના નામે નાટક કર્યે રાખવાબંધ કરવા જરૂરી છે. આવા નાટકની લોકોને ખબર પડી ગઇ છે. લોકોને હવે વધારે મુરખ બનાવી શકાય તેમ નથી.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
