<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

બહોત નમે નાદાનઃ મત માટે દાન

દરેક વર્ગ ગેરલાભ માટે માંગ કરશે તો આપશો?


 

 ભારતીય સૈન્‍યમાં પણ જ્ઞાતિવાદ ભડકાવવાનો પ્રયાસ કરીને રાહુલ ગાંધીએ રીતસર રાજકીય ગુસ્‍તાખી કરી છે. અસંખ્‍ય અનુકુળ મુદાઓ છતાં રાહુલનું મગજ ઊંધી દિશામાં જ દોડે છે. ભાજપના પાવર હાઉસ ગુજરાતમાં સ્‍થિતિ એટલી ખરાબ છે કે, ભાજપ ખુદ ઘાંઘો થઇ ગયો છે.

લોકોની પ્રચંડ નારાજગી છે. શાસક પ્રત્‍યેની નારાજગીમાં કોંગ્રેસે માત્ર નારાજ લોકો પોતાની તરફ વળે તેવી રણનીતિ ગોઠવવાની હોય, પણ ખુદ રાહુલ ગાંધી જ પોતાના પક્ષની પથારી ફેરવવાના ખેલ કરે છે.

બીજી તરફ ભાજપ નારાજ લોકોને મનાવવા માટે મરણિયો બન્‍યો છે. ગુજરાતમાં ભાજપ સરકાર કંઇ ઉકાળી શકી નહિ. અસંખ્‍ય સમસ્‍યાઓએ જડબા ફાડીને અટ્ટહાસ્‍ય કર્યા છે. માથે ચૂંટણી આવતા ગુજરાત સરકાર ઘાંઘી બની ગઇ.

કાયદો- વ્‍યવસ્‍થાથી માંડીને અન્‍ય સમસ્‍યાઓને સુધારવાની ત્રેવડ નથી. આવા સમયે માવઠાએ સરકારની ઊંઘ હરામ કરી દીધી. બહાદુરીના દેકારા કરનારા પ્રધાનો લોકોની અયોગ્‍ય માંગ સામે પણ ઝૂકવા લાગ્‍યા.

સસ્‍તા અનાજની દુકાનોના સંગઠને બંધ પાળ્‍યો.અનાજ વિતરણ બંધ કરી દીધું. હડતાલના બે દિવસમાં જ બહાદુર સરકાર ઝૂકી ગઇ અને બધી માંગણી સ્‍વીકારી લીધી...! સસ્‍તા અનાજ સેવાને ભ્રષ્‍ટાચારમુકત બનાવવાની શરત પણ ન મૂકી...!

હવે ખેડૂતોના પ્રશ્ને મુખ્‍યમંત્રીથી માંડીને પ્રધાનો ચારેબાજુ ભાગા-ભાગી કરવા લાગ્‍યા છે. અંદરના અહેવાલો તો એવા મળે છે કે, આ નારાજગી દૂર કરવા સરકાર સાષ્‍ટાંગ દંડવત માટે તૈયાર થઇ ગઇ છે. તોતીંગ પેકેજ જાહેર થશે.

આ પેકેજમાં જાહેર થયેલી રકમ સહાય યોગ્‍ય ખેડૂતો સુધી પહોચે કે નહિ, તેની કોઇ ગેરન્‍ટી નથી. સરકારરૂપી અનાજના દાણે-દાણે અનેક ધનેડા ગોઠવાઇ ગયા છે.

મૂળ સવાલ એ છે કે, સરકાર કેટલીક ઝૂકશે. સસ્‍તા અનાજથી માંડીને ખેડૂતો મેદાનમાં આવ્‍યા તો રૂપિયા આપીને સમજાવી દેવાયા. હવે અન્‍ય ક્ષેત્રો મેદાનમાં આવીને અયોગ્‍ય માંગણી કરશે તો સરકાર કેટલાં ક્ષેત્રોને રૂપિયા આપશે...?

આ પ્રકારના પેકેજ વાસ્‍તવમાં સહાય નથી, મત મેળવવા માટે દાન છે. નોટબંધીથી માંડીને લોકડાઉન સુધીના સરકારી ખેલના કારણે વ્‍યાપાર-ધંધાને પણ પ્રચંડ નુકસાન થયું હતું. વ્‍યાપારીઓએ પણ રોડ પર ઉતરવું જોઇએ. જો કે ચેમ્‍બર ઓફ કોમર્સ સરકાર સામે મુજરા કરે છે, તેથી તેના ટેકા વગર લડે તો મોટું પેકેજ મળી જાય.

લોકોએ એક વાત યાદ રાખવા જેવી છે કે, સરકાર ગેરવ્‍યાજબી માંગણી સ્‍વીકારીને દાન  આપી રહી છે અને રકમ નેતાઓના નહિ, લોકોના ખિસ્‍સામાંથી જાય છે. સરકાર પાસે શ્રેષ્‍ઠ ગુજરાતની માંગણી કરો, રૂપિયાની નહિ.

(11:24 AM IST)