<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

બિહારઃ જીતનાર સામે પડકાર

વચનોનું પાલન અઘરૂ બનશેઃ જીતનારની કસોટી થશેઃ બિહારને ગુજરાત જેવું બનાવવા વાતો થતી હતી, પણ ગુજરાતને બિહાર જેવું બનતા અટકાવવું પડશે

રાજકીય તખ્‍તા પર આજે  રોમાંચ જામ્‍યો છે. બિહારની ચુંટણીના પરિણામો આવી રહ્યા છે. પ્રારંભે ભાજપી મોરચો આગળ હોવાના ટ્રેન્‍ડ છે.  પૂરા પરિણામો વગર સમીક્ષા કરવી યોગ્‍ય ન ગણાય, પણ એક બાબત નિヘતિ છે કે કોઈ પણની સરકાર રચાય, પડકારોનો પાર નથી.  વિજેતા પક્ષ માટે વચનોના પાલનનો એક ગંભીર પડકાર છે.  ચૂંટણી દરમિયાન યુવાનો માટે લાખો નોકરીઓ, સારૂ શિક્ષણ અને આરોગ્‍ય સુવિધાઓના વચનો અપાય છે,  પરંતુ ભારતનાં સૌથી ગરીબ રાજ્‍યોમાંના એક એવા બિહારમાં આ વચનોને વાસ્‍તવિકતામાં રૂપાંતરિત કરવું એ ઘણું મુશ્‍કેલ કાર્ય છે. રાજ્‍યનો નીચો પ્રતિ વ્‍યક્‍તિ આવક  અને મર્યાદિત નાણાકીય સંસાધનો આ મહત્‍વાકાંક્ષી વચનોને પૂરા કરવામાં સૌથી મોટો અવરોધ  છે.  નવા શાસકોએ હવે કેવળ રાજકારણથી ઉપર ઉઠીને, આર્થિક નીતિઓ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવું પડશે.

બિહારને ‘ટેકલ' કરવું એ સરળ નથી, કારણ કે રાજ્‍ય બહુવિધ જટિલ સમસ્‍યાઓથી ઘેરાયેલું છે. અક્ષરજ્ઞાનનો દર રાષ્‍ટ્રીય સરેરાશથી નીચો છે અને બેરોજગારીનો દર ઊંચો રહે છે, જેના કારણે યુવાનોનું સ્‍થળાંતર ચિંતાજનક સ્‍તરે પહોંચ્‍યું છે. રાજ્‍યમાં કાયમી ઔદ્યોગિક વિકાસની ઉણપ છે, અને કળષિ ક્ષેત્રે પણ ઘણીવાર પૂર જેવી કુદરતી આફતોનો ભોગ બને છે, જે આર્થિક નુકસાન પહોંચાડે છે. આ પડકારોને પહોંચી વળવા માટે માત્ર સરકારી યોજનાઓ પૂરતી નથી, પરંતુ વહીવટી તંત્રમાં મૂળભૂત સુધારા, ભ્રષ્ટાચાર પર અંકુશ અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવું જરૂરી છે.

વચનોનું પાલન કરવા માટે સરકારે હવે પ્રાયોરિટી નક્કી કરવી પડશે. ઉદાહરણ તરીકે, જો યુવાનોને રોજગારી આપવી હોય, તો માત્ર સરકારી નોકરીઓ પર નિર્ભર રહેવાને બદલે નાના અને મધ્‍યમ ઉદ્યોગોને પ્રોત્‍સાહન આપીને, ખાનગી ક્ષેત્રમાં રોજગાર સર્જન પર ભાર મૂકવો પડશે. વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો અને નીતિઓના અમલીકરણમાં પારદર્શિતા લાવવી એ સમયની માંગ છે, જેથી સરકારી તિજોરી પરનો બોજ નિયંત્રિત કરી શકાય.

બિહારની આર્થિક અને સામાજિક અને કાનૂન વ્‍યવસ્‍થાની સ્‍થિતિ ગુજરાત જેવાં અગ્રેસર રાજ્‍યો માટે પણ એક મોટી ચેતવણી છે. ગુજરાત આજે ભલે ઔદ્યોગિક અને આર્થિક વિકાસના માર્ગે ઘણું આગળ હોય, પરંતુ તેણે સંતુલિત વિકાસ જાળવવો પડશે. જો ગુજરાતમાં પણ ગ્રામીણ અને શહેરી વિકાસ વચ્‍ચેની ખાઈ વધશે, શિક્ષણ અને આરોગ્‍યની ગુણવત્તામાં ઘટાડો થશે, અને રોજગાર વિહીન વિકાસની સ્‍થિતિ સર્જાશે, તો ભવિષ્‍યમાં રાજ્‍યે મોટા સામાજિક-આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.  આ ઉપરાંત બિહારમાં ગુન્‍હાખોરી વકરી છે. બિહારને ગુજરાત જેવું બનાવવા વાતો થતી હતી, પણ ગુજરાત બિહાર જેવું બની રહ્યું છે, તે જોખમી સ્‍થિતિ છે.

ગુજરાતે બિહારની હાલત જોઈને શીખવું જોઈએ કે, આર્થિક સમળદ્ધિની ગતિ જાળવી રાખવા માટે શિક્ષણ, સ્‍વાસ્‍થ્‍ય અને કાયદા-વ્‍યવસ્‍થાની ગુણવત્તામાં સતત સુધારા કરતા રહેવું જરૂરી છે. રાજકીય નેતાઓએ માત્ર તાત્‍કાલિક લોકપ્રિયતા મેળવવા માટેના વચનોને બદલે, લાંબા ગાળાના સામાજિક મૂડી  અને માળખાગત વિકાસ પર ધ્‍યાન આપવું જોઈએ. કારણ કે, ચૂંટણી જીતવી એ એક તબક્કો છે, પરંતુ જનતાનો વિશ્વાસ અને રાજ્‍યનો વિકાસ એ જ સાચો અને કાયમી વિજય છે.

(11:04 AM IST)