<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

હિન્‍દુત્‍વઃ વ્‍યાખ્‍યા છોડો, કામ કરી દેખાડો

સંઘ હિન્‍દુની વ્‍યાખ્‍યામાંથી ઊંચો આવતો નથી : હિન્‍દુ સમાજને સ્‍વમાન - સલામતી- સુખાકારી જેવું નિર્ણાયક મિશન જરૂરી...

 સંપૂર્ણ તટસ્‍થ રહીને કહીએ તો ભારતમાં બે સંસ્‍થાઓ પર વિશ્વાસ મૂકી શકાય તેમ છે. પ્રથમ ભારતીય સૈન્‍ય અને બીજુ સંગઠન રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ છે. યોગાનુયોગ આજે બીએસએફનો સ્‍થાપના દિવસ છે. વૈશ્વિક મહાશકિતઓમાં ભારતીય સૈન્‍યનો સમાવેશ થાય છે. વીરરસના પરાક્રમો પણ કરી દેખાડયા છે.

અનેક દેશોમાં સૈન્‍ય દેશ પર હાવી થતું જોવા મળે છે. પ્રચંડ તાકાત છતા ભારતીય સૈન્‍ય વિવેક અને સંયમ દાખવે છે એ અસામાન્‍ય અને સલામ ભરવા લાયક બાબત છે. ભારતીય સૈન્‍ય વિશ્વ માટે પ્રેરક છે.

બીજી બાજુ ભારત મૂળ હિન્‍દુસ્‍તાન છ.ે છેલ્લા ૫૦૦ જેટલા વર્ષોમાં ભારતમાં વિધર્મી શાસનોમાં કારણે હિન્‍દુ- સનાતન ઝંખવાયું હતું. આ અતિ કપરાકાળમાં ડો. હેડગેવારજીએ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘની સ્‍થાપના કરી અને સંઘે અતિ સંઘર્ષ કરીને વિચારને માત્ર જીવંત જ નથી રાખ્‍યો, ભારતમાં પ્રસ્‍થાપિત કરી ને દુનિયામાં પ્રભાવ જમાવ્‍યો છે. આ યાત્રા અસામાન્‍ય ગણાય. યોગાનુયોગ સંઘની સ્‍થાપનાની ૧૦૦મી વર્ષગાંઠ પણ ઉજવાઇ રહી છે.

અનેક સ્‍વયંસેવકોએ બલીદાનો આપીને સંઘવિચારને પ્રભાવિત રાખવા અને પ્રસ્‍થાપિત કરવા સિંહફાળો આપ્‍યો છે. આજે સંઘવિચાર ભારતમાં સર્વ સત્તાધીશ અને દુનિયાભરમાં પ્રભાવી છે.

ડો. હેડગેવારજીનો ઉદેશ સત્તા નહિ, હિન્‍દુઓનું ઉત્‍થાન હતો. છેલ્લા સવાદાયકાથી સંઘવિચાર ભારતમાં સર્વ સત્તાધીશ છે. હિન્‍દુ સમાજના ઉત્‍થાન માટે શ્રેષ્‍ઠ અવસર ઇતિહાસમાં પ્રથમ વખત આવ્‍યો છે. આ અવસર સંઘ ચુકી રહ્યો હોય તેવો અહેસાસ થતો નથી ?

સંઘના મોભી મોહન ભાગવતજી ભારતભરમાં કાર્યક્રમો કરી રહ્યા છે. માર્કિંગ કરવા જેવી બાબત એ છે કે, તેઓ છેલ્લા ત્રણેક વર્ષથી હિન્‍દુની વ્‍યાખ્‍યા જ કરી  રહયા છે. તાજેતરમાં ગુવાહાટીમાં તેઓએ વ્‍યાખ્‍યા કરી કે ભારત પર ગર્વ ધરાવનાર દરેક વ્‍યકિત હિન્‍દુ છે.

વ્‍યાખ્‍યાઓ બહુ થઇ, હિન્‍દુ સમાજે સંઘ વિચારને પ્રચંડ રાજકીય તાકાત આપી છે. સંઘે કમસેકમ સમસ્‍ત  હિન્‍દુઓના ઉત્‍થાન માટે અભિયાન તો શરૂ કરવું જ જોઇએ. ભારતમાં જ નહિ, જયા સંઘ ત્રણ દાયકાથી સત્તામાં છે તે ગુજરાતમાં પણ અસંખ્‍ય હિન્‍દુઓ વિધર્મી ત્રાસથી ફફડી રહયા છે. હિન્‍દુઓને સ્‍વમાન-સલામતી-સુખાકારી માટે સંઘની કંઇ ફરજ નહિ ? સામાન્‍ય હિન્‍દુઓ તો છોડો, ભાજપી શાસનમાં સ્‍વયંસેવકો પણ સ્‍વમાન- સલામતી-સુખાકારી ભોગવી શકે છે ?

ભાજપ ચૂંટણી ટાણે હિન્‍દુત્‍વ ચગાવે છે. આ પક્ષ માટે વિધર્મીનો વિરોધ એ જ હિન્‍દુત્‍વ છે. ચૂંટણી બાદ વિધર્મી સાથે સેટિંગ  થઇ જતા હોય છે તેવું નથી લાગતું? સંઘે નિર્ણાયક બનવું જ પડશે.

(12:08 PM IST)