News of Monday, 24th November 2025
શાસક-વિપક્ષબંનેના નાટક
મુખ્યમંત્રી, લોકસેવા માત્ર પ્રતીકરૂપ ન હોય-, વ્યાપક સેવા જરૂરી : વિપક્ષનો વિરોધ પણ પ્રતીકરૂપ
જામનગરમાં એક મસ્ત ઘટના બની. મુખ્યમંત્રીનો કાર્યક્રમ જે સ્થાને હતો ત્યાં એક પરિવારની દીકરીના લગ્ન હતા. પરિવારે સ્થાન બદલવું પડે તેવી સ્થિતિ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇએ પોતાના કાર્યક્રમનું સ્થાન બદલીને પરિવારને ટેન્શન મુકત કર્યો હતો.
આ ઘટના ખરેખર પ્રેરક છે. મુખ્યમંત્રી આ પ્રકારે નિર્ણય કરે તે ગર્વની બાબત છે. મુખ્યમંત્રીની આભા લોકોના હિતેચ્છુની બની છે. આ સમાચાર મીડિયામાં છવાઇ ગયા હતા.
દરેક ઘટનાની તટસ્થ સમીક્ષા થવી જરૂરી છે. મુખ્યમંત્રીએ લોકહિત પ્રતીકરૂપ નથી જોવાનું, ગુજરાતમાં વ્યાપક લોકહિત તેમની ફરજ છે. ગુજરાતભરમાં ગેરકાયદે, બેફામ પીવાતા દારૂના કારણ ેઅસંખ્ય પરિવારો ત્રાહીમામ છે. એકાદ દારૂડિયાના કારણે પરિવારો બરબાદ થઇ રહયા છે. રાજકોટમાં બે પરિવારોમાં તાજેતરમાં ત્રાસ આપતા દારૂડિયા સ્વજનની હત્યા કરી દેવાઇ... આવા બરબાદ થઇ રહેલા હજારો પરિવારોની કોઇને કંઇ પડી નથી. જામનગરમાં એક પરિવારનું હિત જોનાર સરકારનો આ પણ વાસ્તવિક ચહેરો જ છે.
સરકાર લોકહિતના નાટક કરે એ વિપક્ષ માટે અવસર ગણાય, પણ અફસોસ છે કે ગુજરાતમાં વિપક્ષ પણ માત્ર નાટકિયો જ વિરોધ કરે છે. કોંગ્રેસની જનાક્રોશ યાત્રામાં ધુંઆધર નેતા ગેનીબેને કહયું કે, ‘‘ગુજરાત પોલીસ ધારે તો ૧૨ કલાકમાં દારૂબંધીનો કડક અમલ કરવાી શકે છે. પણ હપ્તા ખોરી...''
માત્ર ગેનીબેન જ નહિ, ગુજરાતનો સમસ્ત વિપક્ષ માત્રને માત્ર વિરોધના નાટક કરે છે. વિપક્ષ જનાક્રોશના નામે લોકોને સરકાર સામે મેદાનમાં આવવા પ્રેરે છે. પણ ખુદ કોંગ્રેસ ૩૦ વર્ષમાં કયારેય મેદાનમાં આવી નથી.
ગુજરાતીઓ ખુદ વિરોધ કરીને કોંગ્રેસને સત્તા આપે તેવી રણનીતિ કોંગ્રેસની છે. ગુજરાતીઓ શાસકમાં કે વિપક્ષમાં ખાટ્યા નથી. સરકાર માત્ર પ્રતીકરૂપ લોકહિત કરે છે. અને વિપક્ષ પ્રતીકરૂપ વિરોધ કરે છે. ગુજરાતી મતદારોએ નવેસરથી વિચારવું પડશે. શાસક- વિપક્ષ- ગુન્હાખોરો- અધિકારીઓ- મિડીયા વગેરેના સેટિંગના જાળામાં ગુજરાત ગુંચવાઇ ગયું છે.
રાજયોમાં સર્વત્ર બેકાબૂ બનેલી ગુન્હાખોરી, દેશ- વિદેશના ષડયંત્રો ગુજરાતમાં ઘડાવા લાગ્યા છે. આ બધું ગુજરાત સરકાર માટે અને ગૃહ પ્રધાન માટે શરમજનક ગણાય, પરંતુ કોઇને શરમ આવતી નથી. મુખ્ય મંત્રી પ્રતીકાત્મક કામો કરી ને મીડિયામાં વાહવાહી લૂંટે છે. અને ગૃહપ્રધાન તો બહાદુરીભર્યા નિવેદનો કરીને પ્રસિધ્ધમાં આળોટે છે.
ગુજરાતીઓ અત્યારે નહિ જાગે તો પછી જાગવા જેવું નહિ રહે. બાદમાં તો ભાગવા માટે જ જાગવું પડે તો નવાઇ નહિ.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
