<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

આપણા ધારાસભ્‍યોના લોહી ન ઉકળ્‍યા

ખુલ્લેઆમ નશા સામે ધારાસભ્‍ય કુમાર કાનાણી લોકહિતમાં મેદાનમાં આવ્‍યાઃ સૌરાષ્‍ટ્રનું નેતું હજુ મૌન

હર્ષ સંઘવી અને જીજ્ઞેશ મેવાણી વચ્‍ચે થયેલી નિવેદનબાજી બાદ સમગ્ર ગુજરાતમાં ડ્રગ્‍સ અને દારૂનો મુદો ગરમા- ગરમ બની ગયો છે. દેશી- વિદેશી દારૂ  અને ડ્રગ્‍સથી અસંખ્‍ય પરિવારો બરબાદ થઇ રહયા છે. છેલ્લા દશેક વર્ષમાં તો ગુજરાતનો ખૂણે- ખૂણો ગેરકાયદે નશામાં ઝૂમવા લાગ્‍યો છે.

આ સ્‍થાનેથી અનેક વખત આ બાબતે લખાયું, પરંતુ સરકાર અને તંત્રમાં ગંભીરતા ન આવી. કોંગ્રેસે આ મુદે ગુજરાતવ્‍યાપી જંગ છેડતા સરકાર ગેંગે-ફેંફે થવા લાગી. ભાજપના અમુક નેતાઓ પણ ગુજરાતીઓના વ્‍યાપકહિતમાં ડ્રગ્‍સ- દારૂ જેવી બદી દુર કરવા મેદાનમાં આવી ગયા છે. આવા નેતાઓ અભિનંદનને પાત્ર છે.

સુરતના ભાજપના જ ધારાસભ્‍ય કુમાર કાનાણીએ તો ગેરકાયદે નશા સામે રીતસર જંગ છેડયો છે. તેઓ લોકોની બરબાદી જોઇ શકતા નથી. તેથી નશાખોરી અટકાવવા મેદાનમાં આવ્‍યા હશે.

સવાલ એ થાય છે કે, સૌરાષ્‍ટ્રના લોકોની બરબાદી થતી જોઇને આપણા ધારાસભ્‍યોના જીવ કેમ બળતા નથી ? જે લોકોએ મત આપ્‍યા છે એ લોકોનું હિત આપણા ધારાસભ્‍યો માટે મહત્‍વનું નથી?

લોકહિતમાં અવાજ ન ઉઠાવી શકે એ નેતુ શું કામનું ? લોકોએ પોતાના નેતાઓને ઓળખી લેવાની જરૂર છે. સમાજની મોટી-મોટી વાતો કરીને મત લઇ ગયા બાદ સમાજને બરબાદ થતો અટકાવી શકતા નથી.

ગેરકાયદે નશાનું વ્‍યસન દરેક જ્ઞાતિ- સમાજમાં ફેલાઇ ગયું છે. અસંખ્‍ય પરિવારો ત્રાહીમામ છે. પરિવારમાં એક દારૂડિયાના કારણે આખો પરિવાર સામાજિક- આર્થિક અને કૌટુંબિક જીવનમાં બરબાદ થઇ રહયો છે. આ બાબતે પોલીસને કંઇ પડી નથી. તંત્ર અને સરકારમાં ગોઠવાઇ ગયેલા નેતાઓ નશાખોરીના મુદે માલા-માલ થઇ રહયા હશે. દરેક જ્ઞાતિ-સમાજે પોતાના નેતાઓની વૃતિ ઓળખી લઇને તેને ઉઘાડા પાડવા જોઇએ.

મુખ્‍યમંત્રીને ગુજરાતનું તો ઠીક, પોતાના  સમાજનું હિત પણ નજરે પડતું નથી. પોતાને ધાર્મિક અને શુધ્‍ધ ગણાવીને સમગ્ર ગુજરાતને બરબાદ થતું જોવું એ રામનું લક્ષણ ગણાય કે રાક્ષસનું ?

સૌરાષ્‍ટ્રમાં ત્રીસેક ટકા લોકો ગેરકાયદે દારૂ ઢીંચતા હશે. પણ તેના કારણે ૯૦ ટકા થી વધારે લોકો પરેશાન છે. બરબાદ થાય છે. સૌરાષ્‍ટ્રના લોકોએ સમજી- વિચારીને મતો આપવા પડશે. દરેક નાગરિકો પોતાના વિસ્‍તારના ગેરકાયદે નશાના વીડિયા વાયરલ કરવા જોઇએ તેવું નથી લાગતું? 

(11:13 AM IST)