News of Tuesday, 2nd December 2025
શ્વાસની હવા ખરીદવા તૈયારી રાખજો..
વિકાસ સાથે વિનાશ શરૂઃ રાજકોટ- ગુજરાતમાં પણ સરકારની કૃપાથી ગુંગણામણ
વાહ રે આપણો વિકાસ! સૌ પ્રથમ તો આપણે સૌએ એકબીજાને અભિનંદન આપવા જોઈએ કારણ કે આપણે આખરે દિલ્હીની બરાબરી કરી લીધી છે. વર્ષો સુધી આપણે દિલ્હીના પ્રદૂષણની મજાક ઉડાવી, પણ હવે ‘સરકારની અસીમ કળપા' અને આંધળા વિકાસની દોટને કારણે ગુજરાતના મહાનગરો પણ એ જ ગૌરવવંતા રસ્તે ચાલી નીકળ્યા છે. હવે દિલ્હી જઈને ગુંગળામણ અનુભવવાની જરૂર નથી, એ ‘લક્ઝરી' હવે આપણને ઘરઆંગણે રાજકોટ, અમદાવાદ અને સુરતમાં જ મળી રહી છે.
શહેરોમાં જે રીતે સિમેન્ટ-કોંક્રીટના જંગલો ઉભા થયા છે અને વળક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે, પર્યાવરણના કાયદાના ધજાગરા ઉડી રહ્યા છે, તે જોતા લાગે છે કે આપણે કુદરતને ચેલેન્જ આપી છે કે ‘‘તું હવા આપવાનું બંધ કર, અમે શ્વાસ લેવાનું ચાલુ રાખીને બતાવીશું.''
રાજકોટ જેવા રંગીલા શહેરમાં હવે સાંજ પડે ને લટાર મારવા નીકળો તો મોઢામાં ધૂળ અને નાકમાં ધુમાડો જ જાય છે. જાણે આપણે ફેફસાંમાં ઓક્સિજન ભરવા નહીં પણ ડામરના રોડનું ઇન્સ્પેક્શન કરવા નીકળ્યા હોઈએ!
હવે એ દિવસોની કલ્પના કરી લો જ્યારે પાણીની બોટલની જેમ તમારે મેડિકલ સ્ટોર પર લાઈનમાં ઉભા રહીને કહેવું પડશે, ‘‘શેઠ, બે ઓક્સિજનના પાઉચ આપજોને, છોકરાને જરા શ્વાસ લેવામાં તકલીફ છે.'' જે રીતે આજે આપણે મહેમાનોને પૂછીએ છીએ કે ‘‘ચા લેશો કે કોફી?'', ભવિષ્યમાં પૂછવું પડશે કે ‘‘હિમાલયની તાજી હવા લેશો કે પછી સાપુતારાનું પ્યોર ઓક્સિજન કેનિસ્ટર ખોલું?'' લગ્નમાં પણ ચાંદલામાં હવે રોકડને બદલે ‘શુદ્ધ હવાનો બાટલો' ભેટમાં આપવો પડશે, કારણ કે સોના-ચાંદી કરતા પણ મોંઘો તો હવે શ્વાસ થઈ જવાનો છે.
સરકારી ચોપડે ભલે ‘સ્માર્ટ સિટી'ના બણગા ફૂંકવામાં આવે, પણ વાસ્તવિકતા એ છે કે પ્રદૂષણના આંકડા શેરબજારના સેન્સેક્સની જેમ ઉપર જઈ રહ્યા છે. રસ્તા પર ઉડતી ધૂળ, વાહનોનો અસહ્ય ધુમાડો અને ફેક્ટરીઓના ઝેરી વાયુઓએ મિશ્રણ કરીને એક એવું કોકટેલ તૈયાર કર્યું છે જે પીધા વગર જ માણસને યમરાજ સુધી પહોંચાડી દેશે. વિકાસ તો થયો છે, પણ એ હોસ્પિટલોનો અને દવાની દુકાનોનો થયો છે. તો તૈયાર રહેજો, ખિસ્સા ખાલી કરવા અને ફેફસાં ભરીને પ્રદૂષણ લેવા. કારણ કે, મફતમાં તો હવે માત્ર ધૂળ અને ધુમાડો જ મળશે, ચોખ્ખી હવા માટે તો ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરવું પડશે!
ગુજરાતમાં પણ દિલ્હીની જેમ હવા શુદ્ધ કરવાના ગતકડાં ચાલશે,પણ સ્થિતિ બગડતી જ જશે.વાસ્તવમાં પ્રદૂષણના કારણમાં જઈને તે કારણોને દૂર કરવા જરૂરી હોય છે. આ મૂળ કાર્ય છે,પણ સરકારમાં એ કરવાની હિંમત નથી. વિચિત્ર ગતકડાં કરીને સરકાર પ્રસિદ્ધિ લીધે રાખશે. ગુજરાતને પતનના માર્ગે જવાનું વ્યસન થઈ ગયું છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
