News of Wednesday, 10th December 2025
સુરક્ષા આપો,વિકાસ જાતે જ કરીશું
ગુજરાતમાં સશકત નારી મેળાઃ મહિલાઓને સુરક્ષાની ગેરન્ટી નથી, સશકિતકરણના નામે નાટકોનો પાર નથી
‘‘ ગુજરાતમાં દારૂબંધીના અમલના કારણે મહિલાઓ સુરક્ષિત હતી. હવે...'' આ શબ્દો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજયપાલના છે. આનંદીબેન પટેલ ભાજપના જ વરિષ્ઠ નેતા છે. તેમણે યુપીના મુખ્યમંત્રી તથા ભાજપની સરકારનો પાવર અનુભવ્યો છે. ગુજરાતમાં મુખ્યમંત્રી અને ભાજપ સરકારની દશા જોઇને દુઃખ સાથે ઉપરોકત જાહેર નિવેદન કર્યું હતું.
ગુજરાતમાં મહિલાઓ પર દુષ્કર્મથી માંડીને ક્રૃરતાની ઘટનાઓ સરકારની કૃપાથી ભયજનક હદે વધી ગઇ છે. પાંચ-સાત ટકા મહિલાઓ પોતાના બળ પર સંઘર્ષ કરીને આગળ વધ્યા છે. તેનો જસ સરકાર લે છે. પણ સામાન્ય પરિવારોની લાચાર લાખો મહિલાઓ અંગે સરકાર પાસે કોઇ રણનીતિ નથી. નશાખોર પુરૂષોના કારણે અને બેફામ- વ્યાપકરૂપે તાંડવ કરતા ગુન્હાખોરોથી મહિલાવર્ગ ત્રાહીમામ છે. આ બાબત ગુજરાતની શરમ ગણાય, પણ ગુજરાત સરકારને તેની કંઇ પડી નથી અને વિચિત્ર ગતકડાં ચલાવે છે.
ગુજરાતભરમાં સશકતનારી મેળા શરૂ થઇ રહયા છે. ૧૧થી૨૩ ડિસેમ્બર દરમિયાન વ્યાપક આયોજન છે. પાલનપુરથી મેળાનો પ્રારંભ થશે. સરકાર બે-પાંચ ટકા મહિલાઓની સિધ્ધિ વર્ણવીને જસ લેશે. દાવો એવો કરવામાં આવે છે કે, આ કાર્યક્રમથી મહિલાને પ્રેરણા મળશે અને તેનો વિકાસ થશે.
મહિલા ખુદ શકિતસ્વરૂપા છે. આ શકિત કોઇની ઓશિયાળી નથી. મહિલાઓ ખુદનો વિકાસ કરવા સક્ષમ છે અને કરે જ છે. સરકારનું મુખ્ય કાર્ય સલામતી, પૂર્ણ સુરક્ષા અને સ્વમાન આપવાનું છે. આ માટે મોટા પદ પર ગોઠવાઇ ગયેલાઓ મોટી-મોટી વાતો કરે છે. પરંતુ દુષ્કર્મની ઘટનાઓ કે બેફામ ગેરકાયદે નશાખોરી અટકાવી શકતા નથી.
આવા મુદ્ા ગુજરાતની મહિલા સંસ્થાઓએ અને ઉચ્ચસ્થાને ગોઠવાઇ ગયેલી નેતીઓએ પૂરી તાકાતથી ઉઠાવવાના હોય છે. મોટાભાગની મહિલા સંસ્થાઓ અને નેતીઓ મેકઅપના થથેડામાંથી જ ઊંચી આવતી નથી. પક્ષ- સરકાર સામે કથ્થક કરીને પોતાનું ગોઠવી લે છે. મતદાર મહિલાઓનું જે થવું હોય એ થાય...
આનંદીબેન યુપીમાં રહીને ગુજરાતી મહિલાઓની ચિંતા કરે છે. પણ સ્થાનિક નેતાઓને પોતાનો પાવર, ફરજ અંગે ભાન નથી. વિપક્ષે વંદેમાતરમ જેવા વૈચારિક મુદાઓને બદલે ગુજરાતના વાસ્તવિક- જીવલેણ મુદા પર ફોકસ કરીને નિર્ણાયક લડત આપવી જરૂરી છે.
ચૂંટણીમાં મહિલાઓના મતો પર ભાજપ ટાર્ગેટ કરે છે. મહિલાઓએ મતની વેલ્યુ વસુલવી જરૂરી છે. ઉચ્ચ સ્થાને બીરાજેલાઓ પૂર્ણ સુરક્ષાની ગેરન્ટી આપવા પણ સક્ષમ નથી. મહિલાઓએ પોતાના શકિતસ્વરૂપનું દર્શન કરાવવું જરૂરી છે.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
