<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

આ રીતે મત નહિ મળે અરવિંદભાઇ...

સોૈરાષ્‍ટ્રમાં ‘આપે' સ્‍માર્ટ નહિ, શ્રમિક બનવાની જરૂર : લોકપ્રશ્ને મરણિયા બનશો તો જ લોકવિશ્વાસ જીતી શકાશે


 

ગુજરાતમાં વિપક્ષ માટે સંપૂર્ણપણે અનુકુળ સ્‍થિતિ છે. નબળા શાસકોથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. પ્રસિધ્‍ધિ લેવા સિવાય એક પણ ક્ષેત્રમાં સરકારનો પ્રભાવ રહયો નથી. ૩૦ વર્ષ બાદ વિપક્ષ માટે આશાનું કિરણ પ્રગટ્‍યું છે.

મોટી તક છતા ગુજરાત કોંગ્રેસમાં કોઇ ગંભીરતા દેખાતી નથી. ૩૦ વર્ષની  નિવેદનિયા  વિરોધની નિષ્‍ફળ નીતિ આ પક્ષે જાળવી રાખી છે. નબળી નેતાગીરીમાં કોંગ્રેસ ભાજપ સાથે સ્‍પર્ધામાં ઉતરી હોય તેમ લાગે છે. લોકોમાં વિશ્વાસ જગાવવાની કોઇ જ રણનીતિ ગુજરાત કોંગ્રેસમાં દેખાતી નથી. ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ રાહુલ ગાંધીની જેમ નિષ્‍ફળ જવાના નિષ્‍ણાત બની ગયા છે.

તક  જોઇને આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઉતરી પડી છે. દિલ્‍હીની રાજનીતિમાં નવરી બજાર બની ગયેલા અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાત આવી રહયા છે અને સોૈરાષ્‍ટ્ર પર ફોકસ કર્યું છે. વિપક્ષને મોટી તક છે જ પણ  સાવરકુંડલાની એક બેઠક જીતીને સમગ્ર ગુજરાત જીતી લીધાનો વટ મારતા આમ આદમી પાર્ટીના કાર્યક્રરો કોંગ્રેસની દિશામાં જ દોડી રહયા છે. 

અરવિંદભાઇનું પોતાનું અનોખુ વ્‍યકિતત્‍વ છે. તેઓ લોકો પર પ્રભાવ પાડી શકે છે. પરંતુ પક્ષે સ્‍માર્ટવર્કમાંથી બહાર આવીને હાર્ડવર્ક કરવું પડે તેમ છે.  તાજેતરમાં રાજકોટની મુલાકાતે આવેલા કેજરીવાલે જેલમાં આરોપીને મળવા જવાના નાટક કર્યા. કોંગ્રેસ-ભાજપ એક હોવાના ચવાઇ ગયેલા આક્ષેપો કર્યા. કાર્યક્રમો-મીડિયાએ વાહ-વાહી કરી પણ લોકોમાં પક્ષનો જરા પણ પ્રભાવ ન પડયો.

લોકોને સમસ્‍યાના ઉકેલમાં રસ છે. બકવાસ, આક્ષેપો, સ્‍માર્ટવર્કથી સોૈરાષ્‍ટ્રના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. સાચી બાબત એ પણ છે કે ભાજપના શ્રેષ્‍ઠતમ વિકલ્‍પનો ગુજરાતમાં અભાવ છે. કોંગ્રેસ પર વિશ્વાસ થઇ શકતો નથી. ‘આપ' મેદાનમાં છે. પરંતુ તે કોંગ્રેસના નિવેદનિયા માર્ગે જ દોડે છે.

‘આપ'નું ફોકસ સોૈરાષ્‍ટ્ર છે તો સોૈરાષ્‍ટ્રને લડાયક અને પરિણામલક્ષી નેતાગીરીની જરૂર છે. ગોપાલભાઇ-ઇસુભાઇ ખુદ મરણિયા બનવાને બદલે સ્‍માર્ટ બનીને રાહુલના માર્ગે જઇ રહયા છે.

સોૈરાષ્‍ટ્રમાં ગામેગામ ફેલાયેલી બેફામ ગુન્‍હાખોરી-નશાખોરીથી માંડીને અધિકારીઓ-નેતાઓના સેટિંગ સામે ‘આપ' મરણિયો જંગ ખેલે તો લોકોનો ભરપૂર સહયોગ મળે તેમ છે. શાસકો-અધિકારીઓને સમસ્‍યાના નક્કર ઉકેલ માટે ફરજ પડે તેવી નિર્ણાયક અને પ્રચંડ લડતની જરૂર છે. લોકોનો વિશ્વાસ જીતવા માટે નિવેદનો અને સ્‍માર્ટવર્કથી કંઇક વિશેષ કરી દેખાડવું જરૂરી છે.

આ બાબત અરવિંદભાઇ સમજતા જ હોય, છતા ‘આપ' તાકાતનું પ્રદર્શન નથી કરતી તેનો મતલબ શું? ઘણાં લોકો માને છે કે અરવિંદભાઇ રાજકીય સેટિંગની ટોપી પહેરીને ગુજરાત પધાર્યા છે.

(12:10 PM IST)