<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

અન્નાની રાજનૈતિક ફેકટરી ફરી શરૂ!

મહારાષ્‍ટ્રમાં લોકયુકત માટે લડતનું એલાનઃ નવા કેજરીવાલો સર્જાવાની સંભાવનાઃ નવી બોટલમાં જૂનો...

અન્ના હજારેએ ફરી એકવાર  મહારાષ્‍ટ્રમાં લોકાયુક્‍ત માટે અનશનનું એલાન કર્યું છે. એક દાયકા પહેલાં તેમનું લોકપાલ આંદોલન દેશમાં ગાજ્‍યું હતું. તે આંદોલને દેશના રાજકારણને હચમચાવી દીધું હતું. આ ફરી શરૂ થયેલા સંઘર્ષથી સવાલો ઉઠ્‍યા છે. આ લડત નવા રાજકીય ચહેરાઓ પેદા કરશે? શું નવા કેજરીવાલો સર્જાઈ જશે?

અત્‍યારે પ્રશ્ને એ છે કે જૂની બોટલ, નવો દારૂ જેવી સ્‍થિતિ બની જશે? આ આંદોલનનો મૂળ ઉદ્દેશ્‍ય જળવાઈ રહેશે કે પછી ભૂતકાળની જેમ તેનો પણ ગેરલાભ લેવાશે? અન્નાની લડતનો ઉદ્દેશ્‍ય હંમેશા ભ્રષ્ટાચાર વિરૂધ્‍ધ રહ્યો છે. પરંતુ તેમની આસપાસની ટીમે હંમેશા આ પ્‍લેટફોર્મનો ઉપયોગ કર્યો છે. ભૂતકાળમાં લોકપાલ આંદોલન અને ગેરલાભની ગાથા આપણાથી અજાણી નથી.

વર્ષ ૨૦૧૧માં જન લોકપાલ આંદોલન એક શક્‍તિશાળી લડત હતી. આ આંદોલને સામાન્‍ય જનતાને ભ્રષ્ટાચાર વિરૂધ્‍ધ એકજૂટ કરી. જોકે, ટૂંક સમયમાં જ તેનો મૂળ ઉદ્દેશ્‍ય બદલાઈ ગયો. આંદોલનના મુખ્‍ય ચહેરાઓએ રાજકીય પક્ષ બનાવ્‍યો. અરવિંદ કેજરીવાલ અને તેમના સાથીઓ રાજકારણમાં પ્રવેશ્‍યા. તેમણે આંદોલન છોડીને આમ આદમી પાર્ટીની સ્‍થાપના કરી. આંદોલનને સત્તા મેળવવાનું સીધું સાધન બનાવવામાં આવ્‍યું. અન્ના હજારેએ આ બાબતનો વિરોધ કર્યો. તેમણે રાજકીય પક્ષ બનાવવાના નિર્ણયથી પોતાને અલગ કરી દીધા. તેઓ માનતા હતા કે આંદોલનનો ઉપયોગ સત્તા માટે ન થવો જોઈએ.

આા રીતે આંદોલનની પવિત્રતા દૂષિત થઈ. જનતાનો વિશ્વાસ ડગમગી ગયો. આંદોલનના પ્‍લેટફોર્મનો ઉપયોગ માત્ર એક લોન્‍ચ પેડ તરીકે થયો. આ ભૂતકાળનો સૌથી મોટો ગેરલાભ હતો. આ ગેરલાભે બતાવ્‍યું કે ઉદ્દેશથી વિચલન થઈ શકે છે. વર્તમાન પડકારમા ંપણ ઉદ્દેશ બદલાઈ જવાની આશંકા રહેલી છે. ફરી એકવાર આંદોલન શરૂ થઇ રહ્યું છે. આ વખતે મહારાષ્‍ટ્રમાં લોકાયુક્‍ત કાયદા માટે લડત છે. પરંતુ જોખમ હજી પણ યથાવત છે. શું મહારાષ્‍ટ્રમાં પણ નવા રાજકીય નેતાઓનો ઉદય થશે? આ આંદોલન વ્‍યક્‍તિગત રાજકીય મહત્‍વાકાંક્ષાનું કેન્‍દ્ર બની શકે છે. સ્‍થાનિક રાજકીય પક્ષો આનો ઉપયોગ સરકાર વિરૂધ્‍ધ માહોલ બનાવવા કરશે. લડતનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય લોકાયુક્‍ત પાછળ રહી જશે. અન્ના હજારેની લડાઈ દેશ માટે જરૂરી છે. પરંતુ ભૂતકાળ સ્‍પષ્ટ સંકેત આપે છે. આંદોલનનો ઉદ્દેશ્‍ય સત્તા મેળવવાનો ન હોવો જોઈએ. જ્‍યારે કાર્યકરો રાજકારણમાં પ્રવેશે છે, ત્‍યારે આંદોલનનું લક્ષ્ય બદલાઈ જાય છે. આ લડતના મૂળભૂત ઉદ્દેશ બદલાઈ જવાનું જોખમ હંમેશા રહે છે. જો આ અનશન પણ રાજકીય લાભનું સાધન બનશે, તો જનતાનો વિશ્વાસ વધુ તૂટશે. આ આંદોલન પોતાનો ધ્‍યેય જાળવી રાખે તે જરૂરી છે.

અન્નાએ લડતો થકી પોતાની આભા બનાવી છે. દેશભરમાં તેના પર માન હતું. હવે સમય બદલાઈ ગયો છે. અન્નાની વળતિ પર કયારેય શંકા ન થાય,પણ તેમની ક્ષમતા આ સમયમાં ઓછી પડી શકે છે.

(3:26 PM IST)