News of Saturday, 13th December 2025
ત્રણ થયા બે હજુ બાકી!
ગુજરાતમાં સરકારને ધાક જમાવવા અને વિપક્ષને તાકાત વધારવા પૂરતો સમયઃ લોકોએ...
ગુજરાતમાં ભુપેન્દ્રભાઇ પટેલની બીજા સ્પેલની સરકારને ત્રણ વર્ષ પૂરા થયા છે. આ અંગે દરેક મીડિયામાં સરકારની સિધ્ધિઓ પ્રકાશિત થાય છે. તટસ્થ સમીક્ષાનો અભાવ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતની સ્થિતિ લોકોની નજર સામે જ છે. ભુતકાળને વાગોળ્યે રાખવાની જરૂર... વર્તમાન નજર સામે છે. નજીકનું ભવિષ્ય મહત્વનું છે અને આપણા હાથમાં છે. સરકારના ત્રણ વર્ષ અંગે ખૂબ પ્રચાર થાય છે. પણ નવો દૃષ્ટિકોણ રાખીને વિચારો તો હજુ બે બાકી છે.
આનો અર્થ એ થાય કે બે વર્ષ બાદ ગુજરાતમાં ધારાસભાની ચૂંટણી યોજાશે. વર્તમાન સમય શાસક અને વિપક્ષ માટે તૈયારી કરવા પૂરતો છે. આ અંગે તટસ્થ રહી ને વિચારીએ તો સ્પષ્ટ કહી શકાય કે, ભાજપ ભલે લોકો ને રીયલ સુખાકારી આપવામાં પાછો પડતો હોય, પણ ચૂંટણી માટે તેની પાસે સ્ટ્રોંગ રણનીતિ હોય છે.
ભાજપ પાસે જમીની નેટવર્ક વિરાટ છે. વિવિધ સ્તરની નેતાગીરીની ફોજ છે. વિચારધારા નક્કર છે. રણનીતિમાં તેને કોઇ પહોચે તેમ નથી. ભાજપ પાસે રાષ્ટ્રીય બ્રાન્ડ પણ મોદીજીના રૂપમાં જબ્બર છે. આ સ્તરે અન્ય પક્ષોને પહોંચવું અતિ કઠીન છે.
કાયદો-વ્યવસ્થાથી માંડીને લોકોની સામાન્ય સમસ્યાઓથી ગુજરાતની રાજયસ્તરના પ્રશ્નો ઉકેલવામાં શાસકોની નિષ્ફળતા વિપક્ષ માટે સોૈથી મોટો મુદ્ો છે. લોકોની વ્યાપક નારાજગી પણ હકીકત છે.
વિપક્ષ પાસે પણ બે વર્ષ નો સમય છે. ભાજપની વિચારધારા, રાષ્ટ્રીય બ્રાન્ડ કે જયાં ભાજપ સ્ટ્રોંગ છે તેવા એક પણ મુદ્ામાં પડયા વગર વિપક્ષે લોકો જે મુદ્ે નારાજ છે તેના પર જ ફોકસ કરવું જરૂરી છે. આ બાબતે સ્થાનિકથી માંડીને રાજય વ્યાપી તાકાતનું પ્રદર્શન કરી ને સરકારને પ્રશ્નો ઉકેલવા મજબૂર કરવી જોઇએ. આ એક જ માર્ગ વિપક્ષ પાસે છે. જેનાથી લોકોમાં વિશ્વાસ જગાવી શકાય તેમ છે.
આ રીતે સરકાર પાસે પણ બે વર્ષનો પૂરતો સમય છે. સમગ્ર ગુજરાતમાંથી ગુંડાઓ અને સેટિંગબાજોને તથા નશાખોરોને વીણી-વીણી ને સાફ કરીને ધાક જમાવી શકાય તેમ છે. જો કે મજાકમાં કહી શકાય કે સેટિંગબાજોને સાફ કરી નાખવામા આવે તો ગુજરાત ભાજપમાં નેતાઓની અછત થઇ જાય!
ભુપેન્દ્રભાઇ સરકાર પાસે તક છે. રીયલ લોકપ્રિયતા પ્રાપ્ત થઇ શકે છે. એ પણ સાચું છે કે, કાવાદાવા કરીને મત મેળવવા કરતા કામ કરી દેખાડીને મત મેળવવા વધારે સરળ છે.
સોૈથી મોટું કમઠાણ એ છે કે, ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ છે. વિપક્ષ માટે આ આપઘાતની સ્થિતિ ગણાય. બે વર્ષમાં ભાજપ ધાક ન જમાવે તો પણ નબળા વિપક્ષના કારણે સરળતાથી જીતી શકે છે.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
