<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

ઓળો-રોટલો અને કેરી નો રસ!

વિચિત્ર જીવન શૈલીને બ્રેક મારવી જરૃરી છેઃ સ્વાદના નામે ઝેરી સંયોજનઃ પ્રકૃતિ પ્રમાણે ચાલો

પરમાત્મા આપણું પાલન પોષણ કરે છે. પણ માણસ એટલો છકી ગયો છે કે, પરમાત્માને પણ ભૂખ્યા રહેવું પડે છે. વૃંદાવનના જગ વિખ્યાત બાંકે બિહારી મંદિરમાં કંદોઇને પગાર ન મળતા ભગવાન માટે ભોગ ન બન્યો  અને ભૂખ્યા રહેવું પડયું.

સનાતન વિશિષ્ટ પરંપરા છે પણ  આપણે તેને વિચિત્ર બનાવી દીધી છે. ધર્મના નામે સનાતનીઓ હાલી નીકળા છે. હવે તો ભગવાન પણ કંટાળવા લાગ્યા છે. સનાતન માત્ર ધાર્મિક પરંપરા જ નથી. પરંતુ જીવન જીવવાની કલા પણ શીખવે છે. આપણે ધાર્મિક ખૂબ જ છીએ. પરંતુ ધર્મને સમજવાની પણ ત્રેવડ કે ઇચ્છા ધરાવતા નથી. આ કારણે દેશ આખો પરેશાન છે. ઘણા સુધરેલા તત્વો સુધારાના નામે છકી  ગયા છે.

ભગવાન ભૂખ્યા રહે અને ભકતો છપ્પનભોગના નામે અપ્રાકૃતિક ભોજનની મોજ કરતા રહે છે. ગમે ત્યારે ગમે તે ઝાપટી જવાની અતિ વિચિત્ર પરંપરા બની ગઇ છે. રાજકોટના મીડિયામાં સમાચાર છવાયા કે, ભર શિયાળે માર્કેટમાં કેસર કેરીનું આગમન થયું છે. આ કેરીની કિંમત કિલોના રૃા. ૧૨૫૦ જેટલી બોલાઇ હતી.

સનાતન પરંપરામાં ભોજન શૈલી વિજ્ઞાન અપાયું છે. દરેક  ફળ સ્વાદની મોસમ આવતી હોય છે. હાલ શિયાળો ચાલી રહયો  છે. ઠંડી ઋતુમાં સોૈરાષ્ટ્રમાં બાજરાના  રોટલા, રીંગણાનો ઓળો, ડુંગળી, લસણ, ગોળ, વગેરે ઝાપટવાની પરંપરા છે. આ પરંપરા ભોજન વિજ્ઞાનના ભાગરૃપે આવી છે. બાજરો-રીંગણા-ગોળ-લસણ વગેરે કુદરતી ગરમી પ્રદાન કરે છે.

આ સમયે કેરીના રસની કલ્પના પણ ન થઇ શકે. કેસર કેરી સોૈરાષ્ટ્રની ધરતીની ઓળખ છે અને અમૃત સમાન સ્વાદ છે.  પણ ઉનાળામાં ભોજન વિજ્ઞાન પ્રમાણે શિયાળામાં કેસર કેરીનો રસ માણવો એ વિરૃધ્ધ આહાર છે. આ સ્વાદ શરીરમાં ઝેર જેવું કામ કરી શકે છે.

કેરીના સ્વાદને શિયાળામાં માણવાથી કફજન્ય રોગો ફાટી નીકળે છે. તેમાં પણ ઓળા સાથે રસ લો તો ગંભીર રોગો થવાની સંભાવના વધી જાય છે. આ બાબત ધાર્મિક બબુચકોને સમજાતી નથી નાની ઉંમરે જીવલેણ રોગો વધી ગયાનું મુખ્ય કારણ આડેધડ ભોજનશૈલી છે.

અમુક ઉત્પાદકો અપ્રાકૃતિક પ્રયોગો પ્રશ્ને સીઝન વગરના ફળો પકાવીને પૈસા- પ્રસિધ્ધિ લઇ રહયા છે. અવિચારી લોકો મોંઘીદાટ કેરી ખરીદીને શિયાળામાં વટ મારતા હોય છે. ઘણાં લોકો તેની ઇર્ષ્યા કરતા હોય છે. વાસ્તવમાં આવી જમાત બબૂચકની વ્યાખ્યામાં આવે છે.

આવી ભોજન શૈલીના કારણે કદાચ બાંકે બિહારીએ ભૂખ્યા રહેવા માયા રચી હશે. ગુજરાતમાં ભોજન વિજ્ઞાનથી વીપરીત ખાદ્યશૈલી વ્યાપક પ્રમાણમાં બની ગઇ છે. કોઇએ આ અંગે રિસર્ચ કરી ને જાગૃતિ અભિયાન ચલાવવું જરૃરી છે.

(11:30 AM IST)