<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

હાસ્‍યથી હાસ્‍યાસ્‍પદઃ કાચ વગરના ચશ્‍મા!

ગુજરાતી લેખકે દેશને દિવાનો કર્યો, પણ સફળતાએ સિરીયલને હાસ્‍યાસ્‍પદ બનાવીઃ વટના સ્‍થાને વેઠ

ગુજરાતી લેખક તારક મહેતાનો આજે જન્‍મ દિન છે. આ લેખક દેશભરમાં લોકપ્રિય બન્‍યા છે.સ્‍વ. તારક મહેતાની કલમ ગુજરાતી સાહિત્‍યનો અમૂલ્‍ય વારસો છે. તેમની કલમમાં જાદુ હતો.  તેમણે સામાન્‍ય માણસની પીડાને હાસ્‍યમાં બદલી નાખી. ‘દુનિયાને ઊંધા ચશ્‍મા' લેખમાળાએ  સમાજને અરીસો બતાવ્‍યો. તેમની ભાષા સરળ હતી. તેમનો કટાક્ષ ધારદાર છતાં મીઠો હતો.  તેમણે પાત્રો નહીં, પણ જીવંત માણસો સર્જ્‍યા. ગુજરાતી લેખકે સાચા અર્થમાં દેશને દિવાનો કર્યો. મુંબઈની ચાલની સંસ્કૃતિને તેમણે વિશ્વફલક પર મૂકી. આજે પણ વાચકો તેમની કલ્‍પનાશક્‍તિના પ્રશંસક છે.

તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા ટીવી સિરીયલ પણ ચાલી રહી છે, જેની સફળતા અજોડ રહી છે. આ શો માત્ર મનોરંજન નથી, તે એક લાગણી હતી. ગોકુલધામ સોસાયટી લઘુ ભારત બની ગઈ. જેઠાલાલનો સંઘર્ષ દરેક ઘરે પોતાનો લાગતો. દયાબેનનું ગરબા ગાવાનું અને ભીડેનું શિસ્‍તબદ્ધ જીવન લોકપ્રિય બન્‍યું.  લોકો આ શો જોવા ઉત્‍સુક રહેતા. ટીઆરપીના તમામ રેકોર્ડ આ સિરીયલે તોડી નાખ્‍યા. આ સફળતા પાછળ લેખક તારક મહેતાના મૂળ વિચારોનો પાયો હતો.

 અફસોસ, સિરીયલને સફળતાનો ગ્રહ નડ્‍યો. અતિશય લોકપ્રિયતા કયારેક સર્જનાત્‍મકતાને ખાઈ જાય છે. શોમાં હવે વટને બદલે વેઠ દેખાઈ રહી છે. વર્ષોથી એકની એક વાર્તાઓ વાગોળવામાં આવે છે. સ્‍ક્રીપ્‍ટમાં હવે  ધાર રહી  નથી. પાત્રોનો કરિશ્‍મા ખતમ થઈ રહ્યો છે. પ્રેક્ષકો હવે કંટાળી રહ્યા છે. આ એક કલાત્‍મક આત્‍મહત્‍યા સમાન છે.

વર્તમાન સમયમાં નિર્માતા આશિત મોદીની સમજદારી પર સવાલ ઉઠાવવો પડે તેમ છે.  કલાકારો શો છોડી રહ્યા છે, પણ નિર્માતાને ચિંતા નથી. અહંકાર અને વ્‍યાવસાયિક જીદમાં શોની ગરિમા ખોવાઈ ગઈ છે. નવા કલાકારો  પે્રક્ષકોના દિલમાં જગ્‍યા બનાવી શકતા  નથી. જે શો સંસ્‍કાર અને હાસ્‍યનું પ્રતીક હતો, ત્‍યાં હવે વિવાદોના વંટોળ છે. નિર્માતા માત્ર આંકડાની રમત રમે છે, કલાની નહીં.  દર્શકોની બુદ્ધિનું અપમાન કરવામાં આવી રહ્યું છે.

હાલની તારક મહેતા સિરીયલ સંપૂર્ણપણે હાસ્‍યાસ્‍પદ સાબિત થઈ રહી છે. જે શો પર દુનિયા હસતી હતી, હવે તે શો હાસ્‍યાસ્‍પદ બની ગયો છે. વાર્તામાં કોઈ તર્ક બચ્‍યો નથી. હાસ્‍યના નામે માત્ર બૂમાબૂમ અને નિરર્થક અભિનય પીરસાય છે. આ તો કાચ વગરના ચશ્‍મા પહેરાવવા જેવું છે, જેમાં જોવાનું કંઈ નથી પણ પહેરવાનું નાટક છે. તારક મહેતાની વિરાસતને આ રીતે વેડફાતી જોવી એ દુઃખદ લાગે છે. હજુ સિરીયલ ટનાટન બની શકે તેમ છે, પરંતુ..

(10:47 AM IST)