<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

ટ્રમ્‍પઃ જમાદારીને બદલે ગુંડાગીરી

વેનેઝુએલામાં કમઠાણ કરીને ભારતને ધમકીઃ અમેરિકાને પરચો દેખાડવો પડશે

અમેરિકાના  પ્રમુખ તરીકે ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું પુનરાગમન વિશ્વ રાજકારણ માટે એક ‘ચશ્‍કેલ મગજ' ના શાસકની એન્‍ટ્રી સમાન સાબિત થઈ રહ્યું છે. ટ્રમ્‍પની કાર્યશૈલીમાં મુત્‍સદ્દીગીરી કે જમાદારી નથી, પણ સ્‍પષ્ટપણે ‘ગુંડાગીરી' ડોકાઈ રહી છે. વેનેઝુએલામાં લોકશાહીના નામે કમઠાણ કર્યા બાદ હવે ટ્રમ્‍પની નજર ભારત પર પડી છે. ભારત જેવા મજબૂત લોકશાહી દેશને પણ ધમકી આપતા ટ્રમ્‍પ એ ભૂલી રહ્યા છે કે આ ૨૧મી સદીનું નવું ભારત છે.

 ટ્રમ્‍પની વિદેશનીતિનો એકમાત્ર પાયો ‘અમેરિકા ફસ્‍ટ' નહીં, પણ ‘ટ્રમ્‍પ ફર્સ્‍ટ' રહ્યો છે. તાજેતરમાં તેમણે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને ભારતને જે રીતે પરોક્ષ ધમકી આપી છે તે અત્‍યંત ચિંતાજનક છે. તેમનું વલણ સીધું જ છેઃ ‘‘મને ખુશ કરો, નહિ તો ટેરિફ વધારીશ.'' વ્‍યાપારિક સંબંધોને મૈત્રીને બદલે બ્‍લેકમેલિંગના સ્‍તરે લઈ જવું એ ટ્રમ્‍પની જૂની આદત છે. ભારતની નિકાસ પર તોતિંગ ટેરિફ ઝીંકવાની ધમકી આપીને તેઓ ભારતને દબાણમાં લાવવા માંગે છે. આ કોઈ વૈશ્વિક નેતાના લક્ષણ નથી, પરંતુ એક આક્રમક ઉઘરાણી કરનારના લક્ષણ છે.

     મોદિત્‍વ માટે મોટા પડકાર સમાન સ્‍થિતિ છે. વડાપ્રધાન મોદીની મજબૂત નેતાગીરી એટલે કે ‘મોદિત્‍વ' માટે ટ્રમ્‍પ એક મોટો પડકાર સાબિત થઈ રહ્યા છે. એકતરફ મોદીજી વિશ્વને ‘વસુધૈવ કુટુંબકમ'નો સંદેશ  આપી રહ્યા છે, ત્‍યારે બીજી તરફ ટ્રમ્‍પ  પોતાની હઠ અને અસ્‍થિર સ્‍વભાવથી વૈશ્વિક અર્થતંત્રને જોખમમાં મૂકી રહ્યા છે. ટ્રમ્‍પનું ‘ચશ્‍કેલ મગજ' કયારે કયો નિર્ણય લેશે તેની કોઈ ગેરંટી  નથી. ભારત માટે આ માત્ર આર્થિક જ નહીં, પણ રણનીતિક લડાઈ પણ છે.

હવે સમય આવી ગયો છે કે ભારત અમેરિકાની આ  દાદાગીરી સામે ઝૂકવાને બદલે પરચો દેખાડે. જો અમેરિકા ટેરિફ વોર છેડવા માંગતું હોય, તો ભારતે પણ પોતાના બજારોના દરવાજા વિચાર્યા વગર ખોલવાની જરૂર નથી. રશિયા સાથેના સંબંધો હોય કે તેલની ખરીદી, ભારતે હંમેશા રાષ્‍ટ્રીય હિતને સર્વોપરી રાખ્‍યું છે. ટ્રમ્‍પની ગુંડાગીરી સામે ભારતે પોતાની આર્થિક શક્‍તિ અને આત્‍મનિર્ભરતાનો પરચો આપવો જ પડશે.

ટ્રમ્‍પની નીતિઓ મિત્ર દેશોને પણ શત્રુ બનાવવાની છે. જો તેઓ ભારત જેવા વ્‍યૂહાત્‍મક ભાગીદારને ધમકાવવાનું ચાલુ રાખશે, તો અમેરિકા પોતે જ વિશ્વમાં અલગ-થલગ પડી જશે. ભારત  હવે કોઈના ‘જૂનિયર પાર્ટનર' તરીકે રહેવા તૈયાર નથી.

ભુતકાળમાં ભારત સરકારો મોટાભાગે અમેરિકાને અનુકુળ થઇને રહેતી હતી. પાકિસ્‍તાન જેવા ગંભીર મુદે પણ અમેરિકાના દબાણમાં આવી જઇને ભારત મંત્રણા કરતું રહેતું હતું. મોદી સરકારે આક્રમક વિદેશનીતિ ઘડી છે. આ નીતિની વિશ્વમાં અસર-આડઅસર થઇ રહી છે. ટ્રમ્‍પ પ્રકરણ મોદિત્‍વ માટે કસોટી સમાન બન્‍યું છે. ઘણા દેશો ટ્રમ્‍પના શરણે આવી ગયા છે, ભારતને કાઠું કાઢવાનો અવસર છે.

(12:21 PM IST)