<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

શો કરવા જેવા રોડ નથી

શહેર ભાજપની આંતરિક બઘડાટીમાં રાજકોટને અપાર નુકસાનઃ સરકાર, સંગઠન બાદ રોડ-શોમાં પણ બાદબાકી

 વડાપ્રધાન રાજકોટ આવી રહ્યાનો  થનગનાટ લાંબા સમયથી છવાયો હતો. રોડ-શોમાં મોદીજીના નજીકથી દર્શન કરવા લોકોમાં પ્રચંડ ઉત્‍સાહ હતો. તૈયારી પણ ધમધોકાર હતી.  દોઢ લાખની મેદનીનો ટાર્ગેટ ભાજપ નેતાઓને અપાયો હતો. અચાનક મોદીજીનો રોડ-શો રદ થઇ ગયો.

આ સ્‍થાનેથી લખાયું હતું કે, નીયત રૂટથી અમુક મીટરમાં જ એવી દશા છે કે, રાજકોટની આબરૂ જાય..મોદીજીનો રોડ-શો રદ્‌ થયાના કારણ જાહેર થયા છે. પણ અંદરખાને કંઇક રહસ્‍યમય બન્‍યું હોય તેમ લાગે છે.

માત્ર રોડ-શો જ નહિ. ભુતકાળની ઘટનાઓ પણ જુઓ. ગુજરાતમાં પ્રધાન મંડળનું વિસ્‍તરણ થયું તેમાં રાજકોટને ઠેંગો... ભાજપના સંગઠનમાં પણ રાજકોટને ઠેંગો... મોદીજીના રોડ- શો માં પણ રાજકોટને ઠેંગો ! આ બધું યોગાનુયોગ હોય તેમ લાગતું નથી.

સાચી બાબત એવી લાગે છે કે રાજકોટ માં નેતાગીરી નામનું નામું નંખાઇ ગયું છે. ભાજપના મોવડીની દૃષ્‍ટિએ રાજકોટનું કોઇ નેતુ કામનું નથી. હાલ જે નેતા-નેતી પદ પર ગોઠવાયેલા છે. તેનું કંઇ ઉપજતું નથી અને કાં તો ખરડાયેલા છે.

ભાજપની આંતરિક લડાઇના કારણે પણ રાજકોટ ભાજપના નેતાઓની અવગણના  થતી હશે. પરંતુ બકવાસ નેતાગીરીની સજા રાજકોટને મળી રહી છે. તેનું શું?

રાજકોટની દશા બગડી ગઇ છે. કાયદો- વ્‍યવસ્‍થાના ઠેકાણા નથી. ટ્રાફિક-વ્‍યવસ્‍થા ઢંગધડા વગરની છે. આ બધું તો ઠીક, સફાઇ જેવી પ્રાથમિક સુવિધા પણ ટનાટન નથી... મોદીજી જે માર્ગો પરથી પસાર થવાના હતા તે માર્ગો મુખ્‍ય ગણાય તેવા છે. તેને પણ સાફ કરવા પડયા. ખાડા બુરવા પડયા. દબાણો દુર કરવા પડયા. રંગરોગાન કરવા પડયા. ડામર પાથરવા પડયા. મુખ્‍ય માર્ગોની આ દશા હોય તો આંતરિક માર્ગોની હાલત કેવી હશે?

આ અંગે કલ્‍પના કરવાની જરૂર નથી. મોદીજી પસાર થવાના હતા એ માર્ગોથી થોડા અંદર જાવ એટલે આજે પણ દશા ખરાબ જ છે. ભાજપને પ્રચંડ બહુમતી આપનાર રાજકોટવાસીઓ દારૂડિયાથી માંડીને દબાણકારોના દરરોજ ત્રાસ સહન કરે છે. આ બધું નબળી અને આંતરિક બાખડતી રાજકોટની નેતાગીરીના કારણે બન્‍યું છે.

અધિકારીઓ પણ બેજવાબદાર બન્‍યા છ.ે એક બાબત વિચારવા જેવી છે કે, રાજકોટમાં મોદીજીના નામે ભાજપને મતો મળ્‍યા છે. લોકલ કે ધારાસભા-સંસદમાં ગોઠવાયેલા નેતા કંઇ ઉકાળી ભલે ન શકે, પરંતુ મોદીજીની નૈતિક જવાબદારી તો બને જ. મોદીજીની આભા બગડે તે દુઃખદ બાબત છે. પરંતુ ભાજપના કે ગુજરાત સરકારના પેટનું પાણી હલતું નથી તે આヘર્યજનક છે. માત્ર રાજકોટ બાબતે જ નહિ. ગુજરાત અંગે મોદીજીએ ગંભીર વિચારણા કરવી પડે તેમ જરૂર લાગે  છે.

(11:58 AM IST)