<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

રોડ શોઃ પરદા જો ઉઠ ગયા તો...

રોડ શો વાળા રોડની અંદર થોડેક જ દબાણો,ગંદકી અને દેશીની રેલમછેલ?!

વાઇબ્રન્‍ટ ગુજરાત નોફિરન્‍સ રાજકોટમાં આયોજિત થઇ છે. વિકાસ અને પ્રસિધ્‍ધિની રાજકોટ-સોૈરાષ્‍ટ્રને મોટી તક મળી છે. આ બાબતે વિચક્ષણ વડાપ્રધાન મોદીજી ખૂબ ગંભીર છે. આંતરરાષ્‍ટ્રીય વ્‍યસ્‍તતા વચ્‍ચે તેઓએ રાજકોટને ભરપૂર સમય ફાળવ્‍યો છે. મોદીજી રોડ-શો યોજીને રાજકોટને વૈશ્વિકસ્‍તરે  અપ્‌ કરવાના છે. આ સમગ્ર આયોજનમાં ૨૩ દેશોના ટોચના ઉદ્યોગકારો પણ આવી રહ્યા છે. રાજકોટ માટે ઐતિહાસિક તક છે.

સવાલ એ છે કે, તક ઝડપવા રાજકોટ કેટલું સક્ષમ છે? રાજકોટમાં તંત્ર એકાદ મહિનાથી ધંધે લાગ્‍યું છે. મોદીજી સંભવતઃ પસાર થવાના છે એ માર્ગો પરથી દબાણો દુર કરવાથી માંડીને નવા માર્ગ બનાવવા -રંગરોગાન કરવા તંત્ર ઉંધે માથે છે.

મોદીજી અને વિશ્વના મહેમાનોને આવકારવા કાઠિયાવાડની પરંપરા પ્રમાણે કોઇ કમી રહેવી  ન જોઇએ, પરંતુ રાજકોટની તૈયારી જોતા ફિલ્‍મી સેટ જેવો માહોલ છે. મુખ્‍ય માર્ગોથી થોડો પડદો હટી જાય તો મોદીજી અને મહેમાનોને સ્‍થાનિક તંત્રની લબાડ વૃતિ દેખાઇ જાય તેમ છે. આવું થાય તો  વિશ્વ સમક્ષ ગંદુ-ગંધાતું-દબાણગ્રસ્‍ત અને કાયદાના ધજાગરા ઉડાવતું રાજકોટ રજૂ થઇ જશે.

રાજકોટમાં રૈયા ચોકડીથી માધાપર ચોકડીનો માર્ગ ટનાટન બની રહ્યો છે. તંત્રમાં મોદીજીની ધાક બરાબરની દેખાઇ રહી છે. તંત્ર અચાનક કામઢુ બની ગયું છે. જો કે મોદીજીનો કાફલો નિયત માર્ગથી અમુક મીટર જ અંદર જાય તો રાજકોટની અતિ ખરાબ દશા સામે આવી જશે.

મોદીજી સંભવિત રૈયા ચોકડીથી માધાપર ચોકડી તરફ જશે. આ વિસ્‍તારમાં રામાપીર ચોકડીથી થોડા અંતરે આવેલ એરીયામાં ધર્મનગરની પાછળ ગેરકાયદે ખડકાયેલા દબાણોમાં તીવ્ર ગંદકી અને દેશીની ખુલ્લેઆમ રેલમછેલ કાયમી ધોરણે  ચાલતી હોવાની બાબતે લોકો ત્રાહીમામ છે. પણ તંત્ર કે શાસકો રહસ્‍યમરૂપે નિસ્‍ક્રીય રહે છે. કાયદાના ધજાગરા ઉડાવતા આવા વિસ્‍તારો મોદીજી અને વિશ્વ સામે રજૂ થઇ જશે તો? અધિકારીઓને આ મુદાની જરાપણ ચિંતા હોય તેમ લાગતું નથી.

વાઇબ્રન્‍ટ-શો દરમિયાન વૈશ્વિક મીડિયા પણ રાજકોટ આવવાના છે. નીયત માર્ગથી થોડો પડદો દૂર થઇ જશે તો લોકલ તંત્ર ઉઘાડું પડી જશે. આ વિસ્‍તારમાં ભુતકાળમાં અમુક દબાણો દૂર થયા હતા. જે માથાભારે તત્‍વોએ ફરી બાંધકામો કરીને દેશીના ખુલ્લા વેપલા આદર્યાનું લોકો અનુભવી રહ્યાનું ઠેરઠેર બોલાઇ રહ્યું છે.  વાઇબ્રન્‍ટ કાર્યક્રમ-રોડ શો દરમિયાન આવા તત્‍વો સળી કરશે તો? આંતરિક દબાણો તત્‍કાળ દૂર થવા જરૂરી છે.

(10:26 AM IST)