<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

બ્રાન્‍ડેડ શંકરાચાર્યઃ પદનો હઠયોગ!

વ્‍યકિત પૂજામાં ભગવાનની વેલ્‍યુ ઘટી અને મહાત્‍માઓ છકી ગયાઃ વિવિધ બ્રાન્‍ડના સાધુ-સાધ્‍વી-મહાત્‍માઓની માર્કેટ ગરમઃ ધર્મની દશા ગુજરી બજાર જેવી ન બનાવો.

સનાતન ધર્મની સર્વોચ્‍ચ પીઠ એટલે આદિ શંકરાચાર્ય દ્વારા સ્‍થાપિત ચાર મઠ. આ ગાદી ત્‍યાગ, તટસ્‍થતા અને શાસ્‍ત્રાર્થનું કેન્‍દ્ર છે. કમનસીબે આજે  ‘પદના હઠયોગ' અને વ્‍યક્‍તિગત અહંકારનું પ્રદર્શન બની ગયું છે. સ્‍વામી અવિમુક્‍તેશ્વરજી જેવા ધર્મગુરૂઓનું વર્તન જોતા એવું સ્‍પષ્ટ જણાય છે કે તેઓ ધર્મસત્તાના વડાને બદલે રાજકીય પક્ષના પ્રવક્‍તા તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે.

જ્‍યારે પવિત્ર ભગવું વસ્‍ત્ર પહેરીને કોઈ વ્‍યક્‍તિ સતત રાજકીય એજન્‍ડા અને વિરોધમાં રાચે, ત્‍યારે આદિ શંકરાચાર્યની સદીઓ જૂની પરંપરા કલંકિત થાય છે. ધર્મના મંચ પરથી થતી રાજકીય ટીકાઓ માત્ર પદની ગરિમા જ નથી ઘટાડતી, પણ સમગ્ર સનાતની પરંપરાને હાસ્‍યાસ્‍પદ બનાવે છે.

મોટો પ્રશ્‍ન એ છે કે સનાતનીઓ આ બધું શા માટે સહન કરે છે? શું આપણી શ્રદ્ધા એટલી લાચાર બની ગઈ છે કે પદ પર બેઠેલી વ્‍યક્‍તિ ગમે તેટલા વિવાદિત અને પક્ષપાતી નિવેદનો આપે કે ગુન્‍હાહિત કાર્યો કરે તો પણ આપણે તેને ‘ધર્માજ્ઞા' માનીને સ્‍વીકારી લઈએ?

વ્‍યક્‍તિપૂજાના વધતા જતા તાંડવમાં આજે ભક્‍ત અને ભગવાન વચ્‍ચેનો સંબંધ ગૌણ બની ગયો છે અને ગુરૂ કે શંકરાચાર્ય મુખ્‍ય બની ગયા છે. આ અંધભક્‍તિએ ઈશ્વરની વેલ્‍યુ ઘટાડી દીધી છે. લોકો મંદિરોમાં ભગવાનની મૂર્તિ કરતાં આ જીવતા જાગતા ‘બ્રાન્‍ડેડ' મહાત્‍માઓના ચરણસ્‍પર્શમાં વધુ ધન્‍યતા અનુભવે છે, જે આધ્‍યાત્‍મિક પતનનું લક્ષણ છે.

આજે આધ્‍યાત્‍મિક જગત એક વિશાળ માર્કેટ બની ગયું છે. બજારમાં જેમ પ્રોડક્‍ટ્‍સની બ્રાન્‍ડ હોય, તેમ હવે ‘બ્રાન્‍ડેડ' શંકરાચાર્યો, હાઈ-ટેક મહાત્‍માઓ અને મીડિયામાં ચમકતી સાધ્‍વીજીઓનું માર્કેટ ગરમ છે. આધુનિક માર્કેટિંગ અને પીઆર એજન્‍સીઓના દમ પર આ સંતો પોતાની ઇમેજ ઉભી કરે છે. ધર્મ હવે મોક્ષનો માર્ગ નથી રહ્યો, પણ સત્તાના સોગઠા ગોઠવવાનું અને સમળદ્ધિ-પ્રસિદ્ધિ મેળવવાનું સાધન બની ગયો છે. સાચો સનાતન ધર્મ તો તટસ્‍થતા શીખવે છે, પણ અહીં તો ખુલ્લેઆમ સત્તા અને પદનો હઠયોગ ચાલે છે.

આકરું સત્‍ય એ છે કે જો આ મઠો અને ગાદીઓનું શુદ્ધિકરણ નહીં થાય, તો સનાતન ધર્મ આંતરિક વિખવાદમાં જ હોમાઈ જશે. ધર્મગુરૂઓ જ્‍યારે પોતાની મહત્તા સ્‍થાપવા માટે ભગવાન કે રાષ્‍ટ્રના હિતને નેવે મૂકે ત્‍યારે સમજવું કે પતન નજીક છે. હવે સમય પાકી ગયો છે કે જાગળત સનાતનીઓ આ ‘બ્રાન્‍ડેડ' સાધુ-સંતોના મુખવટા ઉતારે અને ધર્મને વ્‍યક્‍તિપૂજાના વાડામાંથી મુક્‍ત કરાવી, તેને ફરીથી આદિ શંકરાચાર્યની મૂળ જ્ઞાન પરંપરા તરફ વાળે. 

(10:24 AM IST)