<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

મોતની રાજનીતિ, રાજનીતિનું મોત

નેતા ગુજરે તો રાજનીતિ નહિ કરવાની, લોકો ગુજરે તો રાજકીય ગીધડાનો જશ્‍ન

     ભારતીય લોકશાહીમાં સંવેદના હવે લાશનું કદ જોઈને નક્કી થાય છે. અજિત પવારના અવસાન પર શરદ પવાર જ્‍યારે એમ કહે કે ‘‘આ મુદ્દે રાજનીતિ ન કરો,'' ત્‍યારે એ શિષ્ટાચાર લાગે છે. પરંતુ આ જ નૈતિકતા સામાન્‍ય જનતાના મોતમાં કેમ ગાયબ થઈ જાય છે? નેતા ગુજરે તો રાજનીતિ કરવી એ  ‘પાપ' બની જાય છે, પણ જ્‍યારે નિર્દોષ લોકો સામૂહિક કમોતે મરે છે, ત્‍યારે આ જ નેતાઓ માટે એ ‘રાજકીય લોટરી' બની જાય છે. નેતાનું મોત એ રાષ્‍ટ્રીય શોક છે, પણ સામાન્‍ય માણસનું મોત એ નેતાઓ માટે માત્ર આક્ષેપબાજીનું મેદાન છે.

જ્‍યારે કોઈ મોટી હોનારત થાય, પુલ તૂટે કે હોસ્‍પિટલની બેદરકારીમાં લોકો ટપોટપ મરે, ત્‍યારે રાજકીય ગીધડાઓ સક્રિય થાય છે. પીડિતોના આંસુ લૂછવાને બદલે, કેમેરાના એંગલ ગોઠવાય છે. વિપક્ષને સત્તા કબજે કરવાની તક દેખાય છે અને સત્તાપક્ષને બચાવના બહાના. સામૂહિક મરણ એ સેવાનો વિષય રહેવાને બદલે મતોના ધ્રુવીકરણનું સાધન બની જાય છે. સ્‍મશાનની રાખ હજુ ઠરી નથી હોતી ત્‍યાં તો લાશનો રંગ અને જ્ઞાતિ જોઈને વળતરના ટુકડા ફેંકાય છે. જનતાના મરણમાં જેઓ પોતાનો ‘લાભ' શોધે છે, એમનાથી વરવું દ્રશ્‍ય બીજું શું હોઈ શકે?

 નેતાના પરિવાર માટે ગરિમાની દુહાઈ આપનારાઓ જનતાના પથરાયેલા શબ પર ઊભા રહીને ભાષણો ઠોકે છે. સામાન્‍ય માણસનો જીવ તો જાણે ગાજર-મૂળા જેવો સસ્‍તો છે. નેતાના મોત પર જે મૌન પળાય છે, એવું જ મૌન લોકોના મોતમાં કેમ નથી જળવાતું? ત્‍યારે તો આક્ષેપ-પ્રતિઆક્ષેપનો નગ્ન નાચ શરૂ થાય છે. આ એ જ ‘રાજકીય ગીધડા' છે જેમને લોકોના દુઃખ સાથે લેવાદેવા નથી, માત્ર સત્તાની ભૂખ છે. જનતાના સામૂહિક કમોત પર થતો આ ઘોંઘાટ એ વાસ્‍તવમાં લોકશાહીની નૈતિકતાનું મોત છે.

જો નેતાના મોત પર રાજનીતિ કરવી ગુનો હોય, તો લોકોના મોત પર રાજકીય રોટલા શેકવા એ જધન્‍ય અપરાધ છે. જ્‍યાં સુધી લાશ જોઈને રાજનીતિના માપદંડ બદલાશે, ત્‍યાં સુધી આ રાજનીતિમાં માનવતા કયારેય જીવતી નહીં થાય. આ ‘મોતની રાજનીતિ' નથી, પણ વાસ્‍તવમાં ‘રાજનીતિ'નું જ મોત થઇ ચૂકયું છે.

ગુજરાતમાં અગ્નિકાંડ, ઝૂલતા પુલકાંડ,નાવ દુર્ઘટનાકાંડમાં નિર્દોષ લોકોના મોત થયા ત્‍યારે નેતાઓ  લાભ લેવા ત્રાટકયા હતા. સરકાર બચાવમાં રહી હતી. ગુજરાતના પ્રધાનો મોટીમોટી વાતો કરીને પ્રસિદ્ધિ લેતા હતા, પણ પરિણામ શું આવ્‍યું ? કેસ ઢીલા પડી ગયા. બધા પક્ષો લોકોના કમોતનો લાભ લઇને જાણે કે ઼નવી દુર્ઘટના બને તે માટે પ્રતીક્ષા કરવા લાગ્‍યા. લોકોએ જ નેતાઓને નૈતિક્‍તાના પાઠ ભણાવવા પડશે.

(11:29 AM IST)